બીડ: લેણદાર દંપતીના ત્રાસથી કંટાળી યુવકે કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના બીડ જિલ્લામાં બની હતી. યુવકને અંતિમ પગલું ભરવા મજબૂર કરનારા કસૂરવારોની તાત્કાલિક ધરપકડ કરવાની માગણી સાથે પરિવારજનોએ યુવકના શબને પોલીસ સ્ટેશને મૂકી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
દિંદ્રુડ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ધરુર તહેસીલ હેઠળના ગવન્દ્રા ખાતે રહેતા ધર્મરાજ અર્જુન બડેના વડીલોએ નાણાં ધીરનારાં દંપતી પાસેથી 50 હજાર રૂપિયાનું કરજ લીધું હતું. કરજની ચુકવણી માટે દંપતી દ્વારા વારંવાર બડેના પરિવારનું અપમાન કરી તેમને ત્રાસ આપવામાં આવતો હતો.
આ મામલે ફરિયાદ કરવા બડે તેની માતા સંગીતા સાથે ગુરુવારે ધરુર પોલીસ સ્ટેશને ગયો હતો. પોલીસ સ્ટેશનમાં હાજર એક શખસે બડે અને તેની માતાને ધમકાવી ઊલટું તમારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવશે, એવું કહ્યું હતું.
કહેવાય છે કે હતાશ બડેએ શુક્રવારની સવારે તળેગાંવ-ધરુર રોડ પરના કારી શિવાર ખાતે એક ઝાડ સાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. લેણદારોની હેરાનગતિથી કંટાળીને જ યુવકે જીવ આપ્યો હોવાનો આક્ષેપ તેના પરિવારજનોએ કર્યો હતો. રોષે ભરાયેલા પરિવારજનો યુવકનું શબ લઈને સ્થાનિક દિંદ્રુડ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.
લગભગ ચાર કલાક સુધી શબને પોલીસ સ્ટેશને મૂકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને દોષીઓની તાત્કાલિક ધરપકડની માગણી કરી હતી, એવું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ પ્રકરણે દિંદ્રુડ પોલીસે ગુનો નોંધ્યા પછી શુક્રવારની સાંજે વિરોધ પ્રદર્શન પાછું ખેંચવામાં આવ્યું હતું. બડેના મૃતદેહના અંતિમ સંસ્કાર તેના વતન ગવન્દ્રા ગામમાં કરાયા હતા. (પીટીઆઈ)