ભરત ભારદ્વાજ
ઈન્દિરા ગાંધીની હત્યા પછી દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ફાટી નિકળેલાં શીખ વિરોધી રમખાણોના વધુ એક કેસમાં ચુકાદો આવી ગયો અને કૉંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારને કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા. સજજન કુમાર સામે દિલ્હીના જનકપુરી અને વિકાસપુરી વિસ્તારોમાં ટોળાને હિંસા માટે ભડકાવવાનો આરોપ મુકાયો હતો પણ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કરી દીધા છે. વિશેષ ન્યાયાધીશ દિગ્વિજય સિંહે આ ચુકાદો સંભળાવતાં કહ્યું છે કે, સજજન કુમાર સામે કોઈ પુરાવો નથી તેથી તેમને દોષિત ના ઠેરવી શકાય.
સજજન કુમાર સામેના જનકપુરી અને વિકાસપુરી વિસ્તારોમાં થયેલી હિંસાના આ કેસમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. આ કેસમાં પહેલી એફઆઈઆર 1 નવેમ્બર, 1984ના રોજ નોંધાઈ તેમાં સોહન સિંહ અને અવતાર સિંહની હત્યાનો આરોપ હતો જ્યારે બીજી એફઆઈઆર 2 નવેમ્બર, 1984ના રોજ નોંધાઈ તેમાં ગુરચરણ સિંહને જીવતા સળગાવી દેવાયા હોવાનો આરોપ હતો. કૉંગ્રેસના શાસનમાં તો સજજન કુમારને આરોપી પણ નહોતા દર્શાવાયા પણ કેન્દ્રમાં ભાજપની સરકાર આવી પછી રમખાણોની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ) દ્વારા ફેબ્રુઆરી 2015માં આ મામલે બે અલગ-અલગ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
આ હત્યાઓ માટે સજજન કુમારે ઉશ્કેરણી કરી હોવાનો આરોપ મૂકીને સજજન કુમારને મુખ્ય આરોપી બનાવાયા હતા પણ એસઆઈટી કોઈ નક્કર પુરાવા ના રજૂ કરી શકી. એ સ્વાભાવિક પણ છે કેમ કે હત્યાઓના 30 વર્ષ પછી સજ્જન કુમારની સંડોવણીના મજબૂત પુરાવા કઈ રીતે લાવી શકાય ? કૉંગ્રેસ શાસનમાં તપાસમાં ચલાવાયેલી લાલિયાવાડીનો લાભ સજજન કુમારને મળ્યો ને એ છૂટી ગયા.
સજજન કુમાર નિર્દોષ છૂટ્યા એ ઘટનાએ આ દેશમાં ન્યાયના નામે ક્રૂર મજાક અને તમાશો ચાલે છે એ ફરી છતુંં કર્યું છે. છેક 1984માં થયેલી હત્યાઓ માટે 42 વર્ષે ચુકાદો આવે એ જ સૌથી પહેલાં તો શરમજનક કહેવાય. આ ચુકાદો પણ અંતિમ નથી પણ નીચલી કોર્ટનો છે તેથી તેને ઉપલી કોર્ટમાં પડકારી શકાશે એ જોતાં આખી સદી પૂરી થઈ જશે ત્યાં સુધી પણ અંતિમ ચુકાદો તો નહીં આવ્યો હોય. 2084 આવશે ત્યારે પણ દિલ્હી રમખાણોના કેસ કોર્ટમાં ચાલતા હશે ને આરોપીઓ તો ઉપર પહોંચી જ ગયા હશે પણ ન્યાય માટે લડનારાં લોકોની બે પેઢી પણ ઉપર પહોંચી ગઈ હશે. ન્યાયના નામે આવો તાયફો બીજે ક્યાંય જોયો છે ?
સજજન કુમારના કેસનો ચુકાદો જોયા પછી લાગે છે કે, દિલ્હીનાં રમખાણોને લગતા કેસોને બંધ જ કર દેવા જોઈએ કેમ કે હવે ન્યાયની આશા મરી પરવારી છે. 31 ઓક્ટોબર 1984ના રોજ સતવંતસિંહ અને બિયંતસિંહ નામના શીખ અંગરક્ષકોએ ઈન્દિરા ગાંધીની હત્યા કરી નાંખી હતી. ઈન્દિરાએ ઓપરેશન બ્લુ સ્ટાર કરાવીને અમૃતસરના સુવર્ણ મંદિરમાં લશ્કર મોકલ્યું તેથી શીખો માં આક્રોશ હતો. કટ્ટરવાદી સીખોએ તેનો લાભ લઈને સતવંત અને બિયંતને હાથો બનાવીને ઈન્દિરાની હત્યા કરાવી હતી.
ઈન્દિરાની હત્યાના કારણે કૉંગ્રેસના કાર્યકરોમાં આક્રોશ હતો તેનો કૉંગ્રેસી નેતાઓએ ગેરલાભ લીધો. કોંગ્રેસી નેતાઓએ સીખો સામે લોકોને ભડકાવીને રમખાણો કરાવી દીધાં. કૉંગ્રેસના કાર્યકરોનાં બનેલાં ટોળાંએ બેફામ કત્લેઆમ ચલાવી હતી. દિલ્હીમાં કોંગ્રેસના ટોચના નેતાઓ એવા હરકિશન લાલ ભગત, જગદીશ ટાઈટલર અને સજજન કુમારે ટોળાંની આગેવાની લીધી હતી.
ઈન્દિરાની હત્યાનો બદલો લેવાના નામે શીખોને શોધી શોધીને પતાવી દીધેલા. કૉંગ્રેસીઓ મતદાર યાદીઓ લઈને બેસી ગયેલા. મતદારલ યાદીઓના આધારે શીખોના ક્યા વિસ્તારોને ટાર્ગેટ કરવા એ નક્કી કરાયું ને પછી શીખોનાં ઘરોને આગ લગાડીને મોટા પાયે શીખોને જીવતા સળગાવી દઈને હત્યા કરાયેલી.
ઈન્દિરાની હત્યા પછી વડા પ્રધાન બનેલા રાજીવ ગાંધીએ શીખોને રક્ષણ આપવા કશું ના કર્યું. બલકે રમખાણો પછી શીખોની હત્યાઓમાં સંડોવાયેલા લોકોને મોટા બનાવી દીધા. દેખાવ ખાતર દિલ્હી પોલીસે 636 એફઆઈઆર નોંધી પણ તેમાંથી 355 કેસમાં જ ચાર્જશીટ નોંધાઈ. આટલા મોટા હત્યાકાંડમાં પોલીસ 179 કેસમાં ચાર્જશીટ નોંધ્યા વિના વીંટો વાળી દે પછી ન્યાયની આશા કઈ રીતે રખાય?
જેમાં ચાર્જશીટ નોંધાઈ તેમાંથી 240 કેસ પોલીસે પછી બંધ કરી દીધા કેમ કે આરોપીઓ નહોતા મળતા. દેખાવ ખાતર જે કેસ ચાલ્યા તેમાંથી માત્ર 36 કેસમાં આરોપીઓને સજા થઈ છે જ્યારે બાકીના કેસમાં આરોપીઓ નિર્દોષ છૂટી ગયા છે. અત્યાર સુધીમાં કુલ 364 લોકો દોષિત ઠર્યા હોવાનું કહેવાય છે.
આ હત્યાકાંડમાં સત્તાવાર રીતે 4800ની આસપાસ શીખો માર્યા ગયેલા પણ બિનસત્તાવાર રીતે આંકડો પચાસ હજાર કરતાં વધારે હતો. દિલ્હીમાં સત્તાવાર રીતે 2800 લોકો મરાયેલાં . લાપતા થઈ ગયેલા હજારો શીખોનો કદી પત્તો જ ના લાગ્યો એ જોતાં ખરેખર કેટલા શીખ મરાયા એ ખબર નથી. આટલા મોટા પાયે થયેલા હત્યાકાંડ માટે માત્ર 364 લોકોને સજા થાય તેનાથી મોટી નિષ્ફળતા પોલીસની બીજી કઈ હોઈ શકે?
આ નિષ્ફળતા માટે ના પોલીસને કશું થયું કે ના કૉંગ્રેસના નેતાઓને કશું થયું. જેમને સજા થઈ એ બધા નાના નાના માણસો છે પણ હત્યાકાંડના અસલી વિલનો તો ટોચના કૉંગ્રેસી નેતા હતા ને તેમાંથી માત્ર સજજનકુમારને સજા થઈ છે. દિલ્હી હાઈ કોર્ટે એક કેસમાં સજજનકુમારને શીખ વિરોધી રમખાણોના કેસમાં દોષિત ઠેરવીને જનમટીપ ફટકારી છે પણ બીજા કોઈ ટોચના નેતાને સજા થઈ નથી. અમિતાભ બચ્ચન એ વખતે રાજીવ ગાંધીની નજીક હતા. શીખોના હત્યાકાંડમાં બચ્ચને ભાગ લીધો હતો એવા આક્ષેપો પણ થયેલા પણ બચ્ચન સામે તો કદી કેસ સુધ્ધાં ના થયો.
બીજાં ઘણાં એવાં નામો છે કે જેમની સંડોવણી દીવા જેવી સ્પષ્ટ હતી છતાં સજા કદી ના થઈ કેમ કે પોલીસ કે બીજી એજન્સીઓએ તેમની સામે પુરાવા જ ન મૂક્યા. કેન્દ્રમાં 2014માં નરેન્દ્ર મોદી સરકાર આવી પછી શીખ વિરોધી રમખાણોના કેસ પાછા ખોલીને ન્યાય કરવા પ્રયત્ન કર્યો પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું.
મોદી સરકારે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરીને 293 કેસોની ચકાસણી કરવા કહેલું પણ પુરાવા જ નહોતા તેથી 241 કેસો બંધ કરી દેવાની ભલામણ એસઆઈટીએ કરવી પડેલી. સુપ્રીમ કોર્ટે સુપરવાઈઝરી પેનલ બનાવીને ચકાસણી કરવા કહેતાં 241 કેસોમાંથી 199 કેસોની ફરી તપાસના આદેશ છૂટ્યા પણ તપાસનો મતલબ નથી. આટલાં વરસે ક્યાંથી પુરાવા મળવાના ? આ સંજોગોમાં ખાલી ન્યાયનું નાટક કરીને જૂના ઘા તાજા કરવાની જરૂર નથી. કેસો બંધ કરી દેવા જોઈએ કે જેથી ન્યાયની વાંઝણી આશા પણ ના રહે.