Fri May 22 2026

Logo

થાણે ફાયર: એક વર્ષ પહેલા આપેલા ફાયર ઓડિટના રિપોર્ટની અવગણના કરવી ભારે પડી

2026-05-21 22:41:48
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણેમાં ભાજી માર્કેટમાં લાગેલી આગે બેનો ભોગ લીધો છે ત્યારે આ બહુમાળીય શાકભાજી માર્કેટનો એક વર્ષ પહેલા થયેલા ઓડિટ રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે બિલ્ડિંગમાં  કોઈ હોનારાત સર્જાય તો જીવ-બચાવવા માટે કોઈ પ્રકારના સુરક્ષાનાં સાધનો કે ઉપાયયોજના અહીં અમલમાં મૂકવામાં આવી નથી અને કટોકટીની સ્થિતિમાં મોટા પાયા પર જાન-માલનું નુકસાન થઈ શકે છે એવી ચેતવણી પણ આપવામાં આવી હતી. જો આ રિપોર્ટ મુજબ યોગ્ય પગલાં લેવામાં આવ્યા હોત તો ગુરુવારે ભીષણ આગની દુર્ઘટના ટાળી શકાઈ હોત.

થાણેના જવાહરબાગ ફાયર સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ ગુરુવારે સવારના આગની ઘટના બની હતી.  જવાહરબાગ ફાયર સ્ટેશન  દ્વારા ૭ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ એક ઈન્સ્પેકશન રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘આખી ઇમારતમાં આગ નિવારણ અને જીવનરક્ષક પગલાં લેવામાં આવ્યાં નથી. જો ત્યાં કોઈ કટોકટી સર્જાય તો મોટા જાનમાલનું નુકસાન થઈ શકે છે. ’

વર્ષ જૂના સત્તાવાર અહેવાલમાં બહુમાળી માળખામાં અનેક  ક્ષતિઓ નોંધવામાં આવી હતી. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોઈ દુર્ઘટના સર્જાય તો બચવાના રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે.  બેઝમેન્ટ બાઇક પાર્કિંગ જે દરરોજ ૪૫૦ વાહનોને સમાવી શકે છે, ત્યાંથી જતી એક મહત્ત્વપૂર્ણ સીડી,  અનધિકૃત બાંધકામ દ્વારા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી, જેના કારણે બેઝમેન્ટમાં ફક્ત એક જ પ્રવેશ અને બહાર નીકળવાનો માર્ગ હતો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું  કે ગ્રાઉન્ડ ફ્લોર પર રેડીમેડ કપડાના સ્ટોલ ગેરકાયદેસર રીતે કાર્યરત હતા, જેમાં હાઇ-વોલ્ટેજ ઇલેક્ટ્રિકલ પેનલ, મોટર રૂમ અને મુખ્ય વીજળી મીટર રૂમની સીધી બાજુમાં જ અત્યંત જ્વલનશીલ કપડાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

રિપોર્ટમાં એવું પણ ઉમેરવામાં આવ્યું હતું  કે બિલ્ડિંગના ઉપરના માળે કૌશલ્ય વિકાસ કેન્દ્રની અંદરનાં અગ્નિશામક સાધનો, જ્યાં લગભગ ૩૦૦ વિદ્યાર્થીઓ અને સ્ટાફ વારંવાર આવતા હતા, તે ફરીથી ભરવામાં આવ્યા ન હતા.રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સંપૂર્ણ વહીવટી ખામીઓ હતી કારણ કે કૉમ્પ્લેક્સની  અંદર આવેલી સક્રિય સરકારી કચેરીઓમાં, જેમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર ઓફિસ (૩૯ કર્મચારીઓ) અને નૌપાડા વોર્ડ કમિટી ઓફિસ (૧૫૦ કર્મચારીઓ)નો સમાવેશ થાય છે, કોઈ આગ નિવારણ અથવા જીવન સલામતીનાં પગલાં લાગુ કરવામાં આવ્યા ન હતા. 

દરમિયાન આ ઘટના બાદ  શિવસેના શાસિત થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની આકરી ટીકા થઈ રહી છે. પાલિકા પ્રશાસન પર  ગુનાહિત બેદરકારીનો આરોપ લગાવતા સ્થાનિક કા કૉંગ્રેસના નેતાએ કહ્યું હતું  કે બજારમાં લાગેલી આગ અમલદારશાહીની સુસ્તીને કારણે માનવસર્જિત આપત્તિ હતી. આ એક અકસ્માત હતો જે બનવાની રાહ જોવામાં આવી રહી હતી. નાગરિકોના જીવન સાથે રમત રમવા બદલ  જવાબદાર નગરસેવકો સામે ખૂન નહીં પણ ગુનાહિત હત્યાનો કેસ નોંધવામાં આવે એવી માગણી પણ કૉંગ્રેસે કરી હતી. 

કોંગ્રેસે પાલિકા કમિશનર સૌરભ રાવને કૉમ્પ્લેક્સમાં  ગંભીર સલામતી ખામીઓ, માળખાકીય ઉલ્લંઘનનો અને આગનાં જોખમો વિશે અગાઉ લેખિતમાં સ્પષ્ટપણે ચેતવણી આપી હતી, પરંતુ ચેતવણીઓને સંપૂર્ણ વહીવટી ઉદાસીનતાનો સામનો કરવો પડ્યો હોવાનો દાવો પણ આ સમયે કરવામાં આવ્યો હતો.સ્થાનિક કૉંગ્રેસના નેતાના દાવા મુજબ ફાયર વિભાગના વિગતવાર અહેવાલમાં ગંભીર નબળાઈઓ દર્શાવવામાં આવી હોવા છતાં, અધિકારીઓએ ઊંઘવાનું પસંદ કર્યું. અનધિકૃત બાંધકામોને અવગણવામાં આવ્યાં, મૂળભૂત અગ્નિશામક પ્રણાલીઓ ક્યારેય સ્થાપિત કરવામાં આવી ન હતી, અને ઇમારતને ઓક્યુપન્સી સર્ટિફિકેટ (ઓસી) અથવા ફાઈનલ ફાયર એનઓસી વિના ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી. કૉંગ્રેસ નેતાએ માગ કરી કે જેમણે ફાયર વિભાગના સ્પષ્ટ સુધારણા આદેશોને અવગણ્યા છે તેઓ તાત્કાલિક ફોજદારી કાર્યવાહીનો સામનો કરે.