નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે આફ્રિકામાં ફેલાયેલા ઈબોલા વાયરલને ધ્યાને લઈને ભારત માટે ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. આ સાથે આરોગ્ય વિભાગને પણ એલર્ટ આપી દીધું છે. આ અંગે દેશના તમામ ઈન્ટરનેશનલ એરપોર્ટને એડવાઈઝરી મોકલી દેવામાં આવી છે. WHO દ્વારા ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગો અને યુગાંડામાં ફેલાયેલા ઈબોલા વાયરસને પબ્લિક હેલ્થ ઈમરજન્સી ઓફ ઈન્ટરનેશનલ કંસર્ન જાહેર કર્યા બાદ મોદી સરકાર પણ આના પર સતત વૉચ રાખી રહી છે.
વાયરસના લક્ષણોને ઓળખો
ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસે દેશના તમામ ઈન્ટરનેશનલ એરપોર્ટને એડવાઈઝરી મોકલી છે. ખાસકરીને એવા પ્રવાસીઓ માટે જેઓ કાંગો, યુગાંડા અને સાઉથ સુદાન જેવા હાઈ રિસ્ક દેશમાંથી આવી રહ્યા છે. એડવાઈઝરીમાં સ્પષ્ટતા છે કે, કોઈ પ્રવાસીને તાવ, માથાનો દુખાવો, નબળાઈ, ઊલ્ટી, ગળામાં ખરેરાટી અથવા સતત લોહી વહેતું હોય એવા લક્ષણ જોવા મળશે તો ઈમિગ્રેશન પહેલા જ એરપોર્ટ હેલ્થ ઓફિસરને રિપોર્ટ કરવાનો રહેશે. સ્વાસ્થ્ય મંત્રાલયે વરિષ્ઠ અધિકારી, રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર, ઈન્ટિગ્રેટેડ ડીસીઝ સર્વિલાંસ પ્રોગ્રામ અને અન્ય સંબંધીત વિભાગોએ આ સ્થિતિની સમીક્ષા કરી છે. સાર્વજનિક સ્વાસ્થયલક્ષી ઉપાયને મજબૂત કરવા કેટલાક આદેશ પણ આપવામાં આવ્યા છે.
ટ્રાવેલ હિસ્ટ્રી બતાવવી પડશે
આરોગ્ય મંત્રાલય સાથે જોડાયેલા એક અધિકારીએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે, ભારતમાં હાલમાં ઈબોલાનો કોઈ કેસ આવ્યો નથી. આપણા દેશ પર અત્યારે જોખમ ઘણું ઓછું છે, જોકે સાવધાની એ જ સતર્કતાને ધ્યાને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિ સંક્રમિત દર્દીના લોહી કે બોડી ફ્લુઈડના સંપર્કમાં આવ્યો છે તો એમની ઉપર પણ ખાસ નજર રાખવામાં આવશે. મોદી સરકારે ચોખવટ કરતા કહ્યું છે કે, ભારત આવ્યા બાદ 21 દિવસમાં કોઈ લક્ષણ જોવા મળે છે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવામાં આવે. આ સાથે પ્રવાસીઓએ પોતાની ટ્રાવેલ્સ હિસ્ટ્રી બતાવવી પડશે. એરપોર્ટ પર પ્રવાસીઓનું હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. આ માટે પ્રવાસીઓએ સહયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ માટે ખાસ તબીબોની ટીમ પણ તૈયાર કરવામાં આવી છે.
હાઈલેવલની બેઠક યોજાઈ
કેન્દ્રીય સચીવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના આરોગ્ય સચીવની એક બેઠક યોજાઈ હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે, હાલમાં તો ભારતમાં એક પણ ઈબોલાનો કેસ નથી પણ તૈયારીઓ અને સર્તકતા જરૂરી છે. આ બેઠકમાં કેન્દ્રીય સચીવે રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશને જરૂરી પ્રાથમિક તૈયારીઓ કરી રાખવા માટે આદેશ કર્યા છે. સમયાંતરે મોનિટરિંગ તથા આરોગ્યલક્ષી સુવિધાઓ સશક્ત કરવા માટે સલાહ આપવામાં આવી છે. આ સાથે સંબંધીત મંત્રાલય અને વિભાગને યોગ્ય સમયે રિપોર્ટિંગ કરવા પણ આદેશ આપવામાં આવ્યા છે. ભારત સરકાર આ વાયરસ સામે નાગરિકોને સુરક્ષિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. નાગરિકોને આ માટે ડરવાની જરૂર નથી પણ ગાઈડલાઈન્સનું પાલન કરવું અનિવાર્ય છે.