પૂજા સિંહ હાઇ જમ્પમાંથી બહાર, સ્વિમર સાજન પ્રકાશ નિષ્ફળ, પરંતુ બોક્સરો અને એથ્લેટ્સનું શાનદાર પ્રદર્શન
ગ્લાસગોઃ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે મિશ્ર પ્રતિસાદ રહ્યો છે. એક તરફ બોક્સિંગ અને શૉટપુટમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને દેશની મેડલની આશાઓ અમર રાખી છે, તો બીજી તરફ હાઇ જમ્પ, વેઇટલિફ્ટિંગ અને સ્વિમિંગમાં નિરાશા સાંપડી છે.

કોમનવેલ્થ ગેમ્સઃ ઊંચી કૂદમાંથી પૂજા સિંહ બહાર
કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓના ઊંચી કૂદમાં ભારતને નિરાશાનો સામનો કરવો પડ્યો છે. એશિયન ચેમ્પિયન પૂજા સિંહ 1.82 મીટરનો સ્કોર પાર કરવામાં નિષ્ફળ ગઈ અને સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી. આ 19 વર્ષીય મહિલાનું કોમનવેલ્થ ગેમ્સમાં ડેબ્યૂ હતું. ભારે વરસાદને કારણે રમત થોડા સમય માટે રોકવામાં આવી હતી. ફરી રમત શરૂ થઈ ત્યાર પછી પણ પૂજા તેના ત્રીજા અને અંતિમ પ્રયાસમાં 1.82 મીટરનો સ્કોર પાર કરવામાં નિષ્ફળ ગઈ, જેના કારણે તેનું અભિયાન સમાપ્ત થઈ ગયું હતું.

ગોળાફેંકની ફાઈનલમાં તજિન્દર પાલ અને સમરદીપ
કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના તજિન્દર પાલ સિંહ તૂર અને સમરદીપ સિંહ ગિલ ગોળા ફેંકની ફાઇનલ માટે ક્વોલિફાય થયા છે. તજિન્દર 20.14 મીટરના થ્રો સાથે ક્વોલિફાયમાં બીજા સ્થાને રહ્યો હતો, જ્યારે સમરદીપ 19.95 મીટરના થ્રો સાથે પાંચમા સ્થાને રહ્યો હતો. બંને ફાઇનલમાં મેડલ જીતવાનો પ્રયાસ કરશે. ગોળા ફેંકની ફાઇનલ 30 જૂલાઈએ રાત્રે 11:30 વાગ્યે શરૂ થશે.

સંજના ન જીતી શકી મેડલ
મહિલાઓના વેઇટલિફ્ટિંગ 77 કિગ્રા વર્ગમાં ભારતની સંજના સ્નેચ રાઉન્ડમાં ત્રણેય પ્રયાસોમાં નિષ્ફળ ગઈ હતી જેના કારણે તે સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ. હવે એક સફળ પ્રયાસને કારણે તે ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં ભાગ લઈ શકશે નહીં.


સાક્ષી અને અરુંધતીએ બોક્સિંગમાં ભારત માટે મેડલ પાક્કા કર્યા
સાક્ષી ચૌધરી અને અરુંધતી ચૌધરીએ કોમનવેલ્થ ગેમ્સ બોક્સિંગ સ્પર્ધામાં ભારત તરફથી પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું અને બુધવારે પોતપોતાની કેટેગરીમાં સેમિફાઇનલમાં પહોંચીને વધુ બે મેડલ પાક્કા કર્યા હતા.
ભારતીય બોક્સર સાક્ષી ચૌધરીએ કોમનવેલ્થ ગેમ્સમાં 51 કિગ્રા સેમિફાઇનલમાં પહોંચીને ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ નિશ્ચિત કરી લીધો છે. 26 વર્ષીય સાક્ષીએ ઉત્તરી આયરલેન્ડની કેટલીન ફ્રાયર્સને 5-0થી હરાવી હતી. લવલીના બોરગોહેન (75 કિગ્રા), પ્રીતિ પવાર (54 કિગ્રા) અને જાદુમણી સિંહ (પુરુષોના 55 કિગ્રા) પછી તે ગેમ્સમાં મેડલ પાક્કો કરનારી પાંચમી ભારતીય બોક્સર બની ગઇ છે.

ફાઈનલમાં ન પહોંચી શક્યો ભારતીય સ્વિમર સાજન પ્રકાશ
અનુભવી ભારતીય સ્વિમર સાજન પ્રકાશ કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની 200 મીટર ફ્રીસ્ટાઇલ ઇવેન્ટની ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યો છે. તે તેની હીટમાં પાંચમા સ્થાને અને એકંદરે 20મા સ્થાને રહ્યો હતો. ફક્ત આઠ શ્રેષ્ઠ સ્વિમર ફાઇનલ માટે ક્વોલિફાય થયા. સાજન 1:51.99 સેકન્ડના સમય સાથે ઘણો પાછળ હતો. તેનો વ્યક્તિગત શ્રેષ્ઠ અને રાષ્ટ્રીય રેકોર્ડ 1:46.61 સેકન્ડ છે.

બોક્સિંગમાં સચિન સિવાચ અને અરુંધતીએ પણ મેડલ પાક્કો કર્યો
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સરોનું જોરદાર પ્રદર્શન યથાવત છે. હવે સચિન સિવાચે પુરુષોની 60 કિગ્રા ક્વાર્ટર ફાઇનલમાં સર્વસંમતિથી બોત્સ્વાનાના ટ્રેઝર મોરેમીને 5-0થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બીજી ભારતીય બોક્સર અરુંધતી ચૌધરીએ સેમિફાઇનલમાં પહોંચીને મેડલ પાક્કો કર્યો હતો. મહિલા 70 કિગ્રા ક્વાર્ટર ફાઇનલમાં અરુંધતીનો સામનો ન્યૂઝીલેન્ડના મોર્ગન હેન્ડરસન સામે થયો હતો. અરુંધતીએ 3-1ના વિભાજીત નિર્ણયથી જીત મેળવી હતી.
સેમિફાઇનલમાં સ્ટાર દોડવીર અનિમેષ
ભારતનો સ્ટાર દોડવીર અનિમેષ કુજૂર 200 મીટર સ્પ્રિન્ટમાં તેની હીટમાં પ્રથમ સ્થાને રહ્યો. તેણે હીટ્સમાં 20.46 સેકન્ડનો સમય લીધો હતો. અનિમેષ એકંદરે સાતમા સ્થાને રહ્યો અને સેમિફાઇનલમાં પહોંચ્યો હતો.