Sat Sep 05 2026

Logo

નેપાળ પૂર: મહારાષ્ટ્રના 60 પ્રવાસીઓ હજુ સંપર્કવિહોણા, 290 સુરક્ષિત અને 105 પ્રવાસીઓ ટૂંક સમયમાં પરત ફરશે

2026-08-28 21:15:52
Author: Mumbai Samachar Team
નેપાળ પૂર: મહારાષ્ટ્રના 60 પ્રવાસીઓ હજુ સંપર્કવિહોણા, 290 સુરક્ષિત અને 105 પ્રવાસીઓ ટૂંક સમયમાં પરત ફરશે

મુંબઈ: નેપાળમાં આવેલા વિનાશક જળપ્રલય બાદ ત્યાં ફસાયેલા મહારાષ્ટ્રના પ્રવાસીઓની સુરક્ષાને લઈને તેમના પરિવારજનોની ચિંતા વધી છે. રાજ્યના કુલ 395 લોકો નેપાળમાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે.તેમાંથી 290 લોકો સાથે રાજ્યના કંટ્રોલ રૂમે સંપર્ક સ્થાપિત કરવામાં સફળતા મેળવી છે અને તેઓ સુરક્ષિત હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે 105 લોકો ટૂંક સમયમાં ભારત પાછા ફરશે. બીજી તરફ, મુંબઈની રિચા ટ્રાવેલ એજન્સી મારફતે નેપાળના પ્રવાસે ગયેલા મહારાષ્ટ્રના 60 પ્રવાસીઓનો હજુ સુધી કોઈ સંપર્ક થઈ શક્યો નથી.તેથી તેમના પરિવારજનોના જીવ તાળવે ચોંટ્યા છે.

રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, નેપાળમાં ફસાયેલા મહારાષ્ટ્રના પ્રવાસીઓ અંગે સતત માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સંચાર વ્યવસ્થા ખોરવાઈ હોવાથી કેટલાક પ્રવાસીઓ સાથે સંપર્ક કરવામાં મુશ્કેલી પડી રહી છે. 

મહારાષ્ટ્રના 60 પ્રવાસીઓ એક જ ટ્રાવેલ એજન્સી દ્વારા આયોજિત નેપાળ પ્રવાસ પર ગયા હતા. આ તમામ પ્રવાસીઓનો હાલ સુધી સંપર્ક થઈ શક્યો નથી. સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા આ પ્રવાસીઓની સ્થિતિ અંગે માહિતી મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સંપર્કવિહોણા પ્રવાસીઓ ક્યાં છે અને તેઓ કઈ સ્થિતિમાં છે તે અંગે હજુ ચોક્કસ માહિતી મળી શકી નથી.

બીજી તરફ, રાજ્યના કંટ્રોલ રૂમે 290 પ્રવાસીઓ સાથે સંપર્ક સ્થાપિત કર્યો છે. આ તમામ પ્રવાસીઓ નેપાળના અલગ-અલગ વિસ્તારોમાં ફસાયેલા છે, પરંતુ તેઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. 

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રવાસીઓ સાથે સંપર્ક સ્થાપિત થવો તેમના પરિવારજનો માટે મોટી રાહત સમાન છે. જોકે, તેઓ જે વિસ્તારોમાં ફસાયેલા છે ત્યાં પૂર અને રસ્તાઓને થયેલા નુકસાનને કારણે સામાન્ય અવરજવર હજુ પણ મુશ્કેલ બની છે. જોકે તેમને શક્ય તેટલી ઝડપે સુરક્ષિત ભારત પાંચ લાવવાના પ્રયાસ શરુ છે.

મહારાષ્ટ્રના નેપાળમાં ફસાયેલા લોકોમાંથી 105 પ્રવાસીઓ ટૂંક સમયમાં પરત ફરશે તેમને રેસ્ક્યુ કરાયા હતા. રાજ્ય સરકાર દ્વારા સંબંધિત એજન્સીઓ સાથે સંકલન કરીને પ્રવાસીઓને સુરક્ષિત રીતે પરત લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. 
સરકારનું ધ્યાન હાલ ત્રણ બાબતો પર છે—ફસાયેલા પ્રવાસીઓ સાથે સંપર્ક સ્થાપિત કરવો, સુરક્ષિત પ્રવાસીઓને પરત લાવવાની વ્યવસ્થા કરવી અને સંપર્કવિહોણા 60 પ્રવાસીઓ અંગે ચોક્કસ માહિતી મેળવવી.

ઉલેલ્ખનીય છે કે 26 ઓગસ્ટના નેપાળના તિબેટ સરહદે આવેલા રસુવા જિલ્લામાં ભોટે કોસી નદીમાં અચાનક ભારે પૂર આવ્યું હતું. પૂરનાં જોરદાર પ્રવાહે મોટા પાયે વિનાશ કર્યો હતો છે. પૂરના પાણી કાળ બનીને આવ્યા હતા અને પાણીની સામે જે આવ્યું તે વહાવીને લઈ ગયા હતા. 

આ દુર્ઘટનામાં અનેક લોકોનાં મોત થયા છે અને રસ્તાઓ તથા અન્ય માળખાને પણ નુકસાન પહોંચ્યું છે. પૂરના કારણે અનેક વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે, જેના કારણે બચાવ અને રાહત કામગીરીમાં પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે. આવી સ્થિતિમાં નેપાળમાં રહેલા ભારતીય પ્રવાસીઓની સુરક્ષાને લઈને તેમના પરિવારજનોમાં ચિંતા વધી છે.

આ દરમિયાન કૈલાશ માનસરોવર યાત્રા પૂર્ણ કર્યા બાદ તિબેટમાં ફસાયેલા મહારાષ્ટ્રના 37 યાત્રાળુઓ શુક્રવારે સવારે કાઠમંડુ માટે રવાના થયા હતા. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની દરમિયાનગીરી બાદ આ યાત્રાળુઓને તિબેટમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા આગળ વધી હતી. 

મુખ્ય પ્રધાનના કાર્યાલય દ્વારા અપાયેલી માહિતી અનુસાર, આ પ્રવાસીઓના જૂથમાં થાણે, પુણે, રાયગઢ, અલીબાગ અને ડોમ્બિવલીના યાત્રાળુઓનો સમાવેશ થાય છે. તેઓ સવારે લગભગ 6 વાગ્યે સાગા વિસ્તારમાંથી ન્યાલમ ચેકપોસ્ટ મારફતે કાઠમંડુ તરફ રવાના થયા હતા. આ યાત્રાળુઓ માટે કાઠમંડુથી ભારત પરત ફરવાની ફ્લાઇટ 29 ઓગસ્ટે બપોરે 2 વાગ્યે નિર્ધારિત કરવામાં આવી છે.

નેપાળની આ કુદરતી આફત વચ્ચે મહારાષ્ટ્રના 290 પ્રવાસીઓ સુરક્ષિત હોવાની માહિતીથી તેમના પરિવારજનોને રાહત મળી છે. 105 પ્રવાસીઓની ભારત વાપસીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. 

જોકે, એક જ ટ્રાવેલ એજન્સી મારફતે નેપાળ ગયેલા 60 પ્રવાસીઓનો હજુ સંપર્ક ન થવાથી તેમના પરિવારજનોની ચિંતા યથાવત છે.રાજ્ય સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા સંપર્કવિહોણા પ્રવાસીઓ અંગે માહિતી મેળવવા તથા નેપાળમાં ફસાયેલા અન્ય મહારાષ્ટ્રીયનોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.