Fri Oct 02 2026

Logo

`જાઓ, મોહસિન નકવી પાસેથી સિલેક્શનના પાઠ મફતમાં શીખો': આઇસલૅન્ડ ક્રિકેટની પોસ્ટમાં પીસીબીના ચૅરમૅનની હાંસી ઉડાવાઈ

Reykjavik   2026-09-04 22:47:23
Author: Ajay Motiwala
`જાઓ, મોહસિન નકવી પાસેથી સિલેક્શનના પાઠ મફતમાં શીખો': આઇસલૅન્ડ ક્રિકેટની પોસ્ટમાં પીસીબીના ચૅરમૅનની હાંસી ઉડાવાઈ

રેક્યાવીક (આઇસલૅન્ડ): પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ સિરીઝ રમી રહેલી પાકિસ્તાનની ટીમમાં તાજેતરમાંથી મોહમ્મદ રિઝવાન તથા ઇમામ ઉલ હક સહિત સાત ખેલાડીની તેમ જ હેડ-કોચ અને બોલિંગ-કોચની હકાલપટ્ટી કરી એને પગલે આઇસલૅન્ડ ક્રિકેટે પીસીબીના ચૅરમૅન અને છ મહિનાથી ભારત સાથે પંગો લેવા બદલ ક્રિકેટ જગતમાં બદનામ થયેલા મોહસિન નકવી (NAQVI)ની સોશ્યલ મીડિયામાં મજાક ઉડાવી છે.

આઇસલૅન્ડ ક્રિકેટની રમતમાં હજી નવું છે, પણ પીસીબીએ જે બ્લન્ડર કર્યું એ બદલ આવા નાના ક્રિકેટ-રાષ્ટ્રો પણ એની હાંસી ઉડાવતા થઈ ગયા છે એ પાકિસ્તાન માટે શર્મનાક કહેવાય.

દેશમાં ક્રિકેટની રમતનું સંચાલન કરનાર આઇસલૅન્ડ ક્રિકેટે પીસીબીના સિલેક્શનને લગતા ચોંકાવનારા તથા વિવાદાસ્પદ પગલાં વિશે ટકોર કરવા કાલ્પનિક ક્રિકેટલક્ષી ચૅલેન્જનો ઉપયોગ કર્યો છે જેમાં નકવીની અને તેના વહીવટતંત્રની મજાક ઉડાવાઈ છે.

`એક્સ' પર વ્યંગાત્મક અને કટાક્ષવાળી પોસ્ટ મૂકવા માટે જાણીતા આઇસલૅન્ડ ક્રિકેટના અકાઉન્ટમાં લખવામાં આવ્યું છે, `સમુદ્રની આસપાસ રહેતા ક્રિકેટરો માટે અમે એક નવી ક્રિકેટલક્ષી ચૅલેન્જની યોજના તૈયાર કરી છે. હિમપર્વત દૂર કરો અને મોહસિન નકવીને મળવા વિનામૂલ્યની શૈક્ષણિક પ્રવાસની ઑફર જીતો. આ પ્રવાસમાં તમને ટીમ સિલેક્શનની વ્યૂહરચના કેવી હોવી જોઈએ એ શીખવા મળશે. તમે ઇચ્છો તો આ ટ્રિપ વન-વે પણ બનાવી શકાય...લોકો હંમેશાં કહેતા હોય છે કે અમારી પોસ્ટ ભલભલાને ટાઢાં પાડી નાખે એવી હોય છે. અમારા ઉત્તર-પશ્ચિમના દરિયા કાંઠે આજે જ હિમપર્વતો જોવા મળ્યા છે.'

ઇંગ્લૅન્ડમાં પાકિસ્તાન પહેલી બન્ને ટેસ્ટ હારી જતાં બ્રિટિશરોએ સિરીઝમાં 2-0થી વિજયી સરસાઈ મેળવી લીધી છે અને અંતિમ ટેસ્ટ બુધવાર, નવમી સપ્ટેમ્બરથી બર્મિંગમમાં રમાશે.