Mon Oct 05 2026

Logo

યુઝવેન્દ્ર ચહલે રેડ બોલ ક્રિકેટમાંથી કરી અચાનક નિવૃત્તિની જાહેરાત, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ભાવુક પોસ્ટ

2026-10-02 15:49:42
Author: Mumbai Samachar Team
યુઝવેન્દ્ર ચહલે રેડ બોલ ક્રિકેટમાંથી કરી અચાનક નિવૃત્તિની જાહેરાત, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી ભાવુક પોસ્ટ

નવી દિલ્હીઃ ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલે નિવૃત્તિ જાહેર કરી છે. ફક્ત રેડ બોલ ક્રિકેટમાંથી સંન્યાસ કરવાની જાહેરાત કરી છે. અગાઉ પણ ભારતીય ટીમ વતીથી મેચ રમવાની ઈચ્છા વ્યક્ત કર્યા પછી અચાનક આજે સોશિયલ મીડિયા પર રેડ બોલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરીને ચાહકોને ચોંકાવ્યા છે. યુઝવેન્દ્ર ચહલ લોર્ડસમાં છેલ્લે રેડ બોલ સાથે ક્રિકેટ મેચ રમતો જોવા મળ્યો હતો. ચહલે પોતાની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાણકારી ઈન્સ્ટાગ્રામ પર આપી છે, જેમાં લાંબી પોસ્ટ લખી છે.

મારી ધીરજથી લઈ ખુશી મેળવવાનું શીખ્યો

ચહલે પોતાની અમુક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને લખ્યું છે કે મેં ક્રિકેટમાં જે બોલથી રમવાનું શરુ કર્યું હતું એ રેડ બોલ જ હતો. હું 10 વર્ષનો હતો, ત્યારે મને કોઈ અંદાજ નહોતો કે મને ક્રિકેટની રમતથી પ્રેમ થઈ જશે. મારા માટે રેડ બોલ ક્રિકેટ ફક્ત એક ફોર્મેટ નહોતી. અહીંયા મારી ધીરજ, કેરેક્ટર, મજબૂતી અને કલાકો સુધી મેદાન પર રહેવા અને દરેક રન અને દરેક વિકેટ માટે લડવા અંગે અસલી ખુશી મેળવવાનું શીખ્યો હતો.

રેડ બોલે મને મારી જિંદગીની સુંદર યાદો આપી

યુઝવેન્દ્ર ચહલે આગળ લખ્યું છે કે મેં મારી છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ લોર્ડ્સમાં રમ્યો હતો. મારા માટે આ વાત રજૂ કરવાની ઈમોશનલ છે, કારણ કે ટેસ્ટ કેપ હંમેશાં એક સપનું હતું, જેને વર્ષો સુધી મારી સાથે રાખ્યું અને એ શક્ય બન્યું નહીં, પરંતુ હું મારી આ સફરથી પણ ખુશ છું અને આ ફોર્મેટમાં જેટલી પણ તક મળી એના માટે આભારી છું. રેડ બોલે મને મારી જિંદગીની અમુક સુંદર યાદો પણ આપી અને કોઈ પણ વસ્તુ એને ક્યારેય છીનવી શકે નહીં.

એક મેચમાં 99 રન આપીને નવ વિકેટ પણ ઝડપી

યુઝવેન્દ્ર ચહલની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કેરિયરની વાત કરીએ તો આ ફોર્મેટમાં અડધી સદી પણ પૂરી કરી નથી. 49 મેચ પછી તેને નિવૃત્તિની જાહેરાત કરી છે. 79 ઈનિંગમાં કુલ 148 વિકેટ પોતાને નામે લીધી હતી, જ્યારે એક મેચમાં 99 રન આપીને નવ વિકેટ પણ ઝડપી હતી, જ્યારે એક ઈનિંગમાં 44 રન આપીને 6 વિકેટ ઝડપીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. છ વખત ફાઈવ વિકેટ હોલ અને આઠ વખત ચાર વિકેટ હોલ ચહલને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં મળ્યા હતા, જ્યારે 32.27 એવરેજ અને 3.13ની ઈકોનોમિક રેટ કરિયર રહી.

ત્રીજી નવેમ્બર 2009ના ચહલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. હરિયાણા માટે રમીને મધ્ય પ્રદેશ વિરુદ્ધ રણજીમાં મેચ રમયો હતો. છેલ્લે ફર્સ્ટ ક્લાસ મેચ તેને ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમ્યો હતો. 24 સપ્ટેમ્બર 2026ના મેચ શરુ થઈ હતી. તે મિડલસેક્સ વિરુદ્ધ નોર્થમ્પ્ટનશાયર માટે કાઉન્ટી મેચ રમ્યો હતો. લંડનના લોર્ડ્સમાં આ મેચ રમાઈ હતી, જ્યારે ઈન્દોરમાં પહેલી ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો હતો.