નવી દિલ્હીઃ કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતને ચોથા નંબર પર લાવનાર સ્પર્ધકોમાંથી મોટા ભાગના ઍથ્લીટો મંગળવારે વહેલી સવારે ભારત પાછા આવી ગયા હતા, પરંતુ તેમના માટે પરિવારજનો અને મિત્રો સાથે ચંદ્રકોની જીતનું સેલિબ્રેશન કરવા માટે બહુ ઓછો સમય બચ્યો છે, કારણકે દોઢ મહિનામાં જાપાનમાં એશિયન ગેમ્સ શરૂ થશે જેમાં તેમણે કૉમનવેલ્થ ગેમ્સ કરતાં પણ આકરી કસોટીમાંથી પસાર થવું પડશે. ભારત પાછા આવેલા સ્પર્ધકોમાં ઘણા બૉક્સર હતા જેમાંની એક ગોલ્ડ મેડલિસ્ટ સાક્ષી ચૌધરી (Sakshi Chaudhary)એ પત્રકારોને કહ્યું, `દરેક રાત્રે મને વિચાર આવતો કે જાણે હું ગોલ્ડ મેડલ (Gold Medal) જીતી ગઈ છું. નજર સામે મને ગોલ્ડ મેડલ દેખાતો હતો અને હું એ કાલ્પનિક સુવર્ણચંદ્રક જીતીને રહી.'
સાક્ષી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઇંગ્લૅન્ડની રુબી વાઇટને હરાવનારી પ્રથમ મુક્કાબાજ બની હતી. દિલ્હીમાં ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનીમથકે ઍથ્લીટોનું પુષ્પ, હાર અને બૂકેથી શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. સાક્ષી ચૌધરીએ એવું પણ કહ્યું કે `મેં કૉમનવેલ્થનો ગોલ્ડ જીતવાનું સપનું સાકાર કર્યું. મેડલ જીત્યા બાદ હું રિંગમાં અને મેડલના મંચ પર ઊભી હતી ત્યારે ત્યાં વાગતું રાષ્ટ્રગીત સાંભળીને અને તિરંગો જોઈને હું ખૂબ ગર્વ અનુવભવતી હતી. અહીં પાછા આવતાં અમારું જે રીતે સ્વાગત થયું એ જોઈને મને વિચાર આવ્યો કે ખરેખર, મેં જે સપનું જોયું હતું એ સાકાર થયું છે.'

જૈસમિન ત્રણ અઠવાડિયાની પ્રૅક્ટિસ બાદ ગોલ્ડ જીતી
બૉક્સિંગમાં ભારતની વધુ એક ગોલ્ડ-મેડલિસ્ટ જૈસમિન લમ્બોરિયાએ પત્રકારોને કહ્યું, `ઘણા મહિનાઓથી મને તાવ હતો જેને કારણે હું ફક્ત ત્રણ અઠવાડિયા પ્રૅકિટસ કર્યા પછી કૉમનવેલ્થમાં ભાગ લેવા પહોંચી હતી. જોકે મુકાબલા માટે હું રિંગમાં ઊતરી ત્યારે બધું ભૂલીને ભારત માટે બેસ્ટ પર્ફોર્મ કરવા પર જ બધુ ધ્યાન આપ્યું હતું.

સચિન સિવાચને પ્રૅક્ટિસ ફળી
પુરુષોની મુક્કાબાજીમાં ગોલ્ડ મેડલ જીતનારી સચિન સિવાચે જણાવ્યું, `મેં ઘણા મહિનાઓ સુધી જે પ્રૅક્ટિસ કરી એ મને ફળી. મેં ખૂબ મહેનત કરી હતી અને ટેક્નિકલ ક્ષતિઓ દૂર કરી હતી. હવે મારો લક્ષ્યાંક એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ જીતવાનો છે.'

હરીફોના વીડિયો જોઈને મેડલ જીત્યો
બૉક્સિંગનો સિલ્વર મેડલ જીતનાર નરેન્દર બેરવાલે જર્નલિસ્ટોને કહ્યું, `અમે દરેક હરીફના વીડિયો જોયા હતા અને એ મુજબ પ્રૅક્ટિસ કરી હતી. પ્લાન-એ સફળ થતો ત્યારે અમે એને જ વળગી રહેતા અને નિષ્ફળતા મળતી ત્યારે બીજી યોજના બનાવી લેતા હતા.'

સબ ઇન્સ્પેક્ટર અસ્મિતા સ્વાગતથી આનંદિત
જૂડોમાં ગોલ્ડ મેડલ જીતનાર હર્ષ સિંહ અને અસ્મિતા ડે મંગળવારે વહેલી સવારે દિલ્હી પાછા આવ્યા હતા. હર્ષ ઍરપોર્ટ પર લોકોના સ્વાગતથી ભાવુક થઈ ગયો હતો. અસ્મિતાએ પત્રકારોને કહ્યું, `મેં પહેલી જ વખત આટલું શાનદાર વેલકમ માણ્યું.'