સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 11 દિવસ સુધી ચાલેલી કોમનવેલ્થ ગેમ્સ 2026નું રવિવારે રાત્રે ભવ્ય સમાપન થયું. ગ્લાસગોની ક્લોઝિંગ સેરેમની ભારતીય સંસ્કૃતિના રંગોથી રંગાઈ ગઈ હતી. જાણીતા ગાયક શંકર મહાદેવન, 2017ની મિસ વર્લ્ડ માનુષી છિલ્લર, પ્રખ્યાત સિતાર વાદક ઋષભ રિખીરામ અને ગુજરાતી ગાયિકા ભૂમિ ત્રિવેદીએ પોતાના શાનદાર પરફોર્મન્સથી સમગ્ર સ્ટેડિયમમાં બેઠેલા હજારો દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સમાપન સમારોહ દરમિયાન કોમનવેલ્થ સ્પોર્ટ્સના પ્રેસિડેન્ટ ડો. ડોનાલ્ડ રુકાએ 2030 કોમનવેલ્થ ગેમ્સના યજમાન તરીકે ભારતને સત્તાવાર મશાલ સોંપી હતી.

ભવ્ય સમાપન સમારોહમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સ્કોટલેન્ડે ભારતને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને દંડૂકો સોંપ્યો છે. આ સાથે જ કોમનવેલ્થ ગેમ્સના 100 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક શતાબ્દી આવૃત્તિ (CWG 2030)ના આયોજનની તમામ વહીવટીઓ વિવિધત રીતે ભારતને સોંપી દેવામાં આવી છે. જેથી 2030માં અમદાવાદમાં યોજાનારી આ ગેમ્સ ફરી એકવાર ચર્ચામાં આવી છે.
આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી તરીકે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા, ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના પ્રમુખ પી.ટી. ઉષા ઉપસ્થિત રહ્યા હતા. 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતના અમદાવાદમાં યોજાશે, જેને લઈને સમગ્ર દેશ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ભારતને મળેલી આ યજમાની સાથે વિશ્વ રમતગમતના નકશા પર ફરી એકવાર ભારતનું મહત્વ વધ્યું છે.
નોંધનીય છે કે, ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય એથલીટોએ શાનદાર અને નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટુકડીએ કુલ 39 મેડલ પોતાના નામે કર્યા હતા. જેમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે ભારત મેડલ ટેલીમાં વિશ્વભરમાં ચોથા સ્થાને રહ્યું હતું,
ક્લોઝિંગ સેરેમની દરમિયાન શંકર મહાદેવને 'એ વતન...', 'ભાગ મિલ્ખા...' જેવા લોકપ્રિય દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા. ત્યારબાદ પોતાના પુત્રો અને ભૂમિ ત્રિવેદી સાથે 'પરચમ લહરા દો...' ગીત પર તેમણે દમદાર પરફોર્મન્સ આપ્યું હતું. તે પહેલાં સિતાર વાદક ઋષભ રિખીરામ અને સ્કોટિશ બેગપાઇપર રોસ એન્સલીએ ભારતીય અને સ્કોટિશ સંસ્કૃતિનું અનોખું મિશ્રણ રજૂ કર્યું હતું. ઋષભ રિખીરામે 'શિવ તાંડવ સ્તોત્ર'ની અદ્ભુત રજૂઆત કરી હતી, જ્યારે માનુષી છિલ્લરે 'વંદે માતરમ્' પર મનમોહક પરફોર્મન્સ આપીને સમગ્ર સ્ટેડિયમને દેશભક્તિના રંગમાં રંગી દીધું હતું.