મુંબઈ: દિગ્દર્શક નિતેશ તિવારીની બહુચર્ચિત ફિલ્મ'રામાયણ' ટ્રેલર રિલીઝ પહેલાં જ નવા રેકોર્ડ બનાવી રહી છે.એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતની સૌથી મોટી મ્યુઝિક કંપની ટી સિરીઝે ફિલ્મના બંને ભાગના મ્યુઝિક રાઇટ્સ મેળવવા માટે અંદાજે ₹75 કરોડની રિફંડેબલ એડવાન્સ ડીલ કરી છે. આ સોદો હિન્દી સિનેમાના ઈતિહાસના સૌથી મોટા મ્યુઝિક રાઇટ્સ કરારોમાંનો એક માનવામાં આવી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, ફિલ્મના મ્યુઝિક રાઇટ્સ મેળવવા માટે અનેક મોટી રેકોર્ડ લેબલ્સ વચ્ચે સ્પર્ધા હતી, પરંતુ અંતે ટી-સિરિઝે આ પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ પોતાના નામે કર્યો છે. કંપનીને વિશ્વાસ છે કે, ફિલ્મનું સંગીત માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ મોટી સફળતા મેળવશે.
આ માટે મ્યુઝિક સૌથી ખાસ છે
ફિલ્મનું સંગીત એટલા માટે પણ ખાસ છે, કારણ કે તેમાં ઓસ્કાર વિજેતા હાન્સ ઝિમર અને ભારતના દિગ્ગજ સંગીતકાર એ.આર. રહેમાન પ્રથમ વખત સાથે કામ કરી રહ્યા છે. આ જોડીને કારણે ફિલ્મના સાઉન્ડટ્રેકને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.હવે જોવાનું એ રહે છે કે, ફિલ્મનિર્માતા ફિલ્મના ગીતમાં શું નવું લાવે છે અને ગીત કેવું લાવે છે. બિગ બજેટમાં તૈયાર થનારી આ ફિલ્મ વિશે એવું માનવામાં આવે છે કે, ફિલ્મ ધુરંધરને ટક્કર મારી શકે છે. 'રામાયણ' ફિલ્મ બે ભાગમાં રજૂ થવાની છે. ફિલ્મનિર્માતા નમિત મલ્હોત્રાના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું સંયુક્ત બજેટ અંદાજે ₹4,000 કરોડ હોવાનું કહેવાય છે, જે તેને ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મોમાં સ્થાન અપાવે છે. પ્રથમ ભાગ દિવાળી આ વર્ષે 2026 દરમિયાન અને બીજો ભાગ દિવાળી 2027 દરમિયાન રિલીઝ થવાનો છે. ટ્રેલર તા.30 જુલાઈએ બ્રહ્મ મુહૂર્તમાં રજૂ કરવાની ફિલ્મ મેકર્સની તૈયારી છે.
મુખ્ય સ્ટારકાસ્ટ
રણબીર કપૂર (ભગવાન શ્રીરામ), સાઈ પલ્લવી (માતા સીતા), યશ (રાવણ), સની દેઓલ (હનુમાન), રવિ દુબે (લક્ષ્મણ) આ ઉપરાંત અરુણ ગોવિલ, કાજલ અગ્રવાલ સહિત અનેક જાણીતા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મને લઈને એક ઈવેન્ટ પણ કરવામાં આવશે એવું સૂત્રો જણાવી રહ્યા છે. હાલમાં આ ફિલ્મના કેટલાક પાસાઓ પર કામ ચાલી રહ્યું છે. ફિલ્મનો પહેલો ભાગ એવી રીતે એન્ડ કરવામાં આવશે જેની કોઈ લિંક બીજાભાગમાં જોવા મળશે. મેકર્સે જણાવ્યું હતું કે, પહેલાભાગનો અંત એવી રીતે નક્કી કરવામાં આવ્યો છે કે, લોકો થિયેટર્સની બાહર નીકળતા જ બીજા ભાગની રાહ જોશે. સ્ટોરી એટલી મોટી છે અને ફિલ્મ લાઈન પર એટલી લાંબી છે કે, એક જ ભાગમાં આખી ફિલ્મ ખતમ કરવી શક્ય નથી.
આ કારણે બીજો ભાગ બનાવવો પડ્યો
આ માટે બીજા ભાગનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. ફિલ્મનો બીજો ભાગ આવતા વર્ષે 2027માં રિલીઝ થશે. ભારતીય પૌરાણિક કથાને વૈશ્વિક સ્તરે રજૂ કરવાનો દાવો કરતી આ ફિલ્મ તેના વિશાળ બજેટ, વિશ્વસ્તરીય VFX, આંતરરાષ્ટ્રીય સંગીતકારોની જોડી અને સ્ટારકાસ્ટને કારણે પહેલેથી જ ચર્ચામાં છે. હવે ટ્રેલર રિલીઝ પહેલાં થયેલો ₹75 કરોડનો મ્યુઝિક ડીલ પણ ફિલ્મની વ્યાપારી સંભાવનાઓને વધુ મજબૂત બનાવે છે.