મુંબઈ: બોલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના નામે જાતિ આધારિત આરક્ષણ હટાવવાને લગતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અભિનેત્રીએ તેનો સખત શબ્દોમાં વિરોધ કર્યો છે. શિલ્પા શેટ્ટીએ સ્પષ્ટતા કરી છે કે વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા સંપૂર્ણપણે ખોટા, કાલ્પનિક અને દુર્ભાગ્યપૂર્ણ છે. તેણે સોશિયલ મીડિયા યુઝર્સને તેમના નામે ફેલાવવામાં આવેલી ફેક પોસ્ટ્સ પર વિશ્વાસ નહીં કરવાની અપીલ કરી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે શિલ્પા શેટ્ટીએ જાતિ આધારિત આરક્ષણનો વિરોધ કર્યો છે અને આરક્ષણ વ્યવસ્થા નાબૂદ કરવાની તરફેણ કરી છે. આ પોસ્ટમાં તેમના નામે એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે સામાન્ય વર્ગના ડોક્ટરોએ માત્ર સામાન્ય વર્ગના દર્દીઓની સારવાર કરવી જોઈએ અને અન્ય વર્ગના ડોક્ટરોએ પોતાના વર્ગના દર્દીઓની જ સારવાર કરવી જોઈએ. આ પ્રકારની પોસ્ટ વાયરલ થતાં શિલ્પા શેટ્ટીએ તેનો ખુલાસો કરતા કહ્યું કે આ નિવેદન તેમનું નથી.
શિલ્પાએ સોશિયલ મીડિયા પર પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા કહ્યું કે તેમના નામે આરક્ષણ અંગે ખોટા નિવેદનો ફેલાવવામાં આવી રહ્યા છે, જેનાથી તેમને ભારે આઘાત લાગ્યો છે. તેમણે આ દાવાને સંપૂર્ણપણે કાલ્પનિક અને દુર્ભાવનાપૂર્ણ ગણાવી લોકોને આવી ફેક ન્યૂઝથી સાવચેત રહેવા જણાવ્યું છે. અભિનેત્રીએ સ્પષ્ટ કર્યું કે વાયરલ પોસ્ટમાં લખાયેલા શબ્દો કે અભિપ્રાય સાથે તેમને કોઈ સંબંધ નથી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં સોશિયલ મીડિયા પર 'આરક્ષણ હટાવો આંદોલન' ચર્ચાનો વિષય બન્યું છે. સોશિયલ મીડિયા પર આ અભિયાનને યુવાનો અને વિવિધ વર્ગના લોકો તરફથી સમર્થન મળી રહ્યું છે. અને અત્યાર સુધીમાં આ આંદોલનને સોશિયલ મીડિયા પર 50 લાખથી વધુ ફોલોઅર્સ મળ્યા છે.
CJPના આંદોલન બાદ હવે આ સોશિયલ મીડિયા અભિયાનમાં આરક્ષણ વ્યવસ્થામાં ફેરફાર અથવા તેને દૂર કરવાની માંગને લઈને ચર્ચા શરૂ થઈ છે . શિલ્પા શેટ્ટીના નામે વાયરલ થયેલી ફેક પોસ્ટે ફરી એકવાર સેલિબ્રિટીના નામનો ઉપયોગ કરીને ખોટી માહિતી ફેલાવવાના મુદ્દો એરણે ચઢ્યો છે.
શિલ્પા શેટ્ટી તાજેતરમાં કન્નડ ફિલ્મ 'કેડી: ધ ડેવિલ"માં જોવા મળી હતી. આ ફિલ્મમાં ધ્રુવ સરજા મુખ્ય ભૂમિકામાં છે અને ફિલ્મ 30 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ઉપરાંત, શિલ્પા શેટ્ટીએ કુકિંગ રિયાલિટી શો 'માં હૈ ના'નું હોસ્ટિંગ પણ કર્યું હતું, જે 1 જુલાઈએ પૂર્ણ થયો હતો. અભિનેત્રી ફિલ્મો અને ટેલિવિઝન ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પોતાના ચાહકો સાથે નિયમિત રીતે વ્યક્તિગત તથા પ્રોફેશનલ અપડેટ્સ શેર કરે છે.