Wed Jul 29 2026

Logo

શાળાઓ હવે રડાર પર: લાઇસન્સ વગર ખોરાક પૂરો પાડવા પર FDAનો મોટો પ્રતિબંધ

2026-07-29 20:23:33
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: સમગ્ર રાજ્યમાં ખોરાકમાં ભેળસેળ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) કમિશનર તુકારામ મુંઢેએ રાજ્યની હોટલો માટે માર્ગદર્શિકા બહાર પાડી હતી. હવે મુંઢેએ શાળાના વિદ્યાર્થીઓના આહાર અંગે મોટો નિર્ણય લીધો છે. હવે લાઇસન્સ વગર ખોરાક સપ્લાય કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 

તુકારામ મુંઢેએ જણાવ્યું કે, શાળાના ભોજન અંગેના નિયમો ૨૦૨૦ માં રજૂ કરવામાં આવ્યા હતા અને ૨૦૨૧ થી લાગુ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં બે કરોડ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં જાય છે, તેમની શાળાઓને ફૂડના નિયમો લાગુ પડે છે. તેમને સારું અન્ન આપવું જરૂરી છે. 

શાળાના બાળકોને પૌષ્ટિક અને સલામત ખોરાક મળે તે માટે નવી નીતિઓ લાવવામાં આવી રહી છે. આ નિયમ રાજ્યની તમામ સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓને લાગુ પડશે. હવે શાળાની કેન્ટીન, હોસ્ટેલ કે આંગણવાડીમાં ખોરાક પૂરો પાડનારાઓ માટે અન્ન લાયસન્સ લેવું ફરજિયાત રહેશે. લાયસન્સ વગર કોઈ પણ વ્યક્તિ શાળા, આંગણવાડી કે હોસ્ટેલમાં ખોરાક પૂરો પાડી શકશે નહીં.

તેમણે વધુમાં જણાવ્યું કે, 'એફએસએસએઆઇ ના નિયમો શાળાના ૫૦ મીટરની અંદર આવેલી દુકાનો અને ખાદ્ય સપ્લાયર્સ પર પણ લાગુ પડશે. શાળામાં પીરસવામાં આવતા ખોરાકના સપ્લાયર્સ માટે એફએસએસએઆઇ લાઇસન્સ હોવું ફરજિયાત રહેશે. લાઇસન્સ વિના ખોરાક વેચવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે, આ જવાબદારી શાળાના પ્રિન્સિપાલની રહેશે. ૨૨ મહિનાના બાળકોથી લઈને ૧૨મા ધોરણ સુધીનું શિક્ષણ આપતી શાળાને આ નિયમો લાગુ પડશે. 

આ નિયમોનું કડકપણે અમલીકરણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. નિયમોનું ઉલ્લંઘન કરતી શાળા પર કાર્યવાહી અને દંડ લાદવામાં આવશે. સ્થાનિક સંસ્થા અને નગરપાલિકાને આ અંગે જાણ કરવામાં આવશે.