ભુજ: તેલુગુ ફિલ્મ ઉદ્યોગના જાણીતા પટકથા લેખક, દિગ્દર્શક અને અભિનેતા પોસાની કૃષ્ણ મુરલીએ ક્રાફ્ટ વિલેજ ભુજોડી ખાતેના "વંદે માતરમ મેમોરિયલ" ની મુલાકાત લીધી હતી. પોતાની પ્રથમ કચ્છ યાત્રા દરમિયાન તેમણે આ પરિસરના વિવિધ આકર્ષણો નિહાળીને ભારે પ્રભાવિત થયા હતા.
પોતાની આ કચ્છ મુલાકાત દરમિયાન તેમણે "હીરા લક્ષ્મી પાર્ક" (વંદે માતરમ મેમોરિયલ)ના મનોહર ઉદ્યાનો તથા દેશના સ્વતંત્રતા સેનાનીઓને સમર્પિત ‘યલો ફોર્ટ’ ગેલેરીની મુલાકાત લીધી હતી. ભારતના સ્વાતંત્રય સંગ્રામના ઇતિહાસ અને વીરોની ગાથાને જે રીતે અહીં જીવંત કરવામાં આવી છે તેની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી.
સાદગીપૂર્ણ વ્યવહાર પ્રશંસાને પાત્ર
આ મુલાકાત દરમિયાન તેમનો સાદગીપૂર્ણ વ્યવહાર પ્રશંસાને પાત્ર બન્યો હતો. મેમોરિયલના નાના કર્મચારીઓ સાથે પણ તેમણે અત્યંત સરળતા અને સ્નેહપૂર્વક વાતચીત કરી સૌના દિલ જીતી લીધા હતા. પ્રથમ વખત કચ્છની મુલાકાતે આવેલા પોસાની કૃષ્ણ મુરલીએ અહીંની સંસ્કૃતિ અને વંદે માતરમ મેમોરિયલના રાષ્ટ્રપ્રેમથી સભર વાતાવરણથી પોતે ગહન રીતે પ્રભાવિત થયા હોવાનું જણાવ્યું હતું. ક્રાફટ વિલેજના દરેક વિભાગોની તેમણે આ તેલુગુ ફિલ્મોના દિગ્ગ્જ કલાકારને માહિતી આપી હતી અને તેમનું સ્વાગત પણ કર્યું હતું.

તેલુગુમાં 150થી વધુ ચલચિત્રો માટે પટકથા લેખન કર્યું
તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પોસાની કૃષ્ણ મુરલીએ 150થી વધુ ચલચિત્રો માટે પટકથા લેખન કર્યું છે અને કેટલાંક સફળ ચલચિત્રોનું દિગ્દર્શન પણ સંભાળ્યું છે. અભિનેતા મુરલીજી માત્ર કળા ક્ષેત્રે જ નહીં, પરંતુ શિક્ષણ ક્ષેત્રે પણ ઉચ્ચ લાયકાત ધરાવે છે. તેમણે બી.કોમ ઉપરાંત એમ.એ. અને એમ.ફિલ. સુધીનો ઉચ્ચ અભ્યાસ કરેલો છે.

તાજેતરમાં 2025માં રજૂ થયેલી ત્રણ ફિલ્મો તેમજ ચાલુ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘સીતા પયનમ’માં તેમના અભિનયની નોંધ લેવાઈ છે. આ ઉપરાંત તેમણે લોકપ્રિય વેબ સિરીઝોમાં પણ પોતાની કળાના જોરે પ્રેક્ષકોના દિલ જીત્યા છે.
(ઉત્સવ વૈધ)