Wed Jul 29 2026

Logo

આઈઆઈટી બૉમ્બેના વિદ્યાર્થીનો હોસ્ટેલ રૂમમાં આપઘાત

2026-07-29 20:35:52
Author: Yogesh C. Patel
Article Image

એકતરફી પ્રેમમાં અંતિમ પગલું ભર્યાની શક્યતા

મુંબઈ: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી (આઈઆઈટી) બૉમ્બેના બીજા વર્ષના વિદ્યાર્થીએ હોસ્ટેલની રૂમમાં કથિત આપઘાત કર્યો હતો. પોલીસને રૂમમાંંથી રોમેન્ટિક કવિતાઓ લખેલો કાગળ મળતાં વિદ્યાર્થીએ એકતરફી પ્રેમમાં અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

પવઈ પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ સોહેલ રાજકુમાર સાંગવાન (20) તરીકે થઈ હતી. દિલ્હીનો વતની સોહેલ મટીરિયલ સાયન્સના બીજા વર્ષનો વિદ્યાર્થી હતો. તે આઈઆઈટી બૉમ્બે હોસ્ટેલ નંબર-4માં ચોથા માળે આવેલી રૂમમાં રહેતો હતો. આ પ્રકરણે એડીઆર નોંધી વધુ તપાસ કરવામાં આવી રહી છે.

કહેવાય છે કે મંગળવારે સોેહેલના વડીલો વારંવાર તેને ફોન કૉલ કરી રહ્યા હતા, પરંતુ તે કૉલ રિસીવ કરતો નહોતો. પરિણામે તેમણે હોસ્ટેલના નંબર પર ફોન કરી આ અંગે જાણ કરી હતી. હોસ્ટેલનો સિક્યોરિટી ઇન્ચાર્જ એક સ્ટુડન્ટ સાથે સોહેલની રૂમમાં ગયો ત્યારે ઘટના પ્રકાશમાં આવી હતી.

પવઈ પોલીસના જણાવ્યા મુજબ રાતે 11.45 વાગ્યે તેમને ઘટનાની માહિતી મળી હતી. ચોથા માળની રૂમમાં સીલિંગ ફૅન સાથે બેડશીટ બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસનું માનવું છે કે ઘટના મંગળવારની બપોરે બની હશે.

પોલીસે સોહેલના ક્લાસમેટ્સનાં નિવેદન નોંધ્યાં હતાં. રૂમમાંથી પોલીસને હાથે લખેલા કેટલાક કાગળ મળી આવ્યા હતા, જેના પર રોમેન્ટિક કવિતાઓ લખવામાં આવી હતી. લખાણ સૂચવે છે કે તે એકતરફી પ્રેમમાં હતો. પરિણામે તેણે આ જ કારણસર જીવન ટૂંકાવ્યું કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે. પોલીસે તેના મોબાઈલ ફોન અને લૅપટોપને તપાસ માટે તાબામાં લીધા હતા.