Wed Jul 29 2026

Logo

કળંબ બીચ પરના રિસોર્ટમાં પાર્ટી દરમિયાન ઉત્સાહમાં સરપંચના પતિએ કર્યો ગોળીબાર

2026-07-29 20:49:07
Author: Yogesh C. Patel
Article Image

પાલઘર: પાલઘર જિલ્લામાં આવેલા કળંબ બીચ પરના રિસોર્ટમાં પાર્ટી દરમિયાન થાણે જિલ્લાની સરપંચના પતિએ ઉત્સાહમાં આવી ગોળીબાર કર્યો હતો. બિલ્ડિંગ મટીરિયલ સપ્લાય કરનારા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.

અર્નાળા સાગરી પોલીસના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ સંદેશ ગુરવ (32) તરીકે થઈ હતી. મંગળવારની મધરાતે દોઢ વાગ્યાની આસપાસ તેણે એક રાઉન્ડ હવામાં ફાયર કર્યું હતું.

રિસોર્ટ નજીક પેટ્રોલિંગ પર હાજર પોલીસ બીટ માર્શલે ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. તે તરત જ રિસોર્ટ પહોંચ્યો હતો અને ગોળીબારના અવાજ સંદર્ભે પૂછપરછ કરી હતી. જોકે રિસોર્ટ મૅનેજમેન્ટ અને ત્યાં હાજર લોકોએ આવી કોઈ ઘટના બની ન બની હોવાનું શરૂઆતમાં કહ્યું હતું.

જોકે બાદમાં બીટ માર્શલની માહિતીને આધારે વરિષ્ઠ પોલીસ અધિકારી ચકાસણી માટે રિસોર્ટ પહોંચ્યા હતા. તપાસ દરમિયાન રિસોર્ટ કમ્પાઉન્ડમાંથી ફાયર કરાયેલી ખાલી કારતૂસ મળી આવી હતી.

અધિકારીએ આકરી પૂછપરછ કરતાં ગુરવે રિસોર્ટમાં આયોજિત પાર્ટીમાં ઉત્સાહમાં આવી હવામાં ફાયર કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ પ્રકરણે અર્નાળા સાગરી પોલીસે ગુનો નોંધી ગુરવને કસ્ટડીમાં લીધો હતો.


ગુરવની ધરપકડ કરી ખાલી કારતૂસ જપ્ત કરવામાં આવી હતી. તે ભિવંડીની સરપંચનો પતિ હોવાનું તપાસમાં જણાયું હતું. ગોળીબાર લાઈસન્સવાળી પિસ્તોલમાંથી કરાયો હતો કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે.

(પીટીઆઈ)