Wed Jul 29 2026

Logo

ક્રશર મશીન વેચવાને નામે બિઝનેસમૅનને 34 લાખનો ચૂનો ચોપડ્યો: દંપતી સામે ગુનો

2026-07-29 18:13:44
Author: Yogesh C. Patel
Article Image

થાણે: સ્ટોન ક્રશર મશીન વેચવાને બહાને મીરા રોડના બિઝનેસમૅન સાથે 34 લાખ રૂપિયાની કથિત છેતરપિંડી આચરનારા દંપતી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.

46 વર્ષના બિઝનેસમૅનની ફરિયાદને આધારે નયાનગર પોલીસે 27 જુલાઈએ બાશાસાબ નીલી અને તેની પત્ની રેશમા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

એફઆઈઆર અનુસાર ફરિયાદીએ જાન્યુઆરી, 2025માં સોશિયલ મીડિયા પર એક જાહેરખબર જોઈ હતી, જેમાં ક્રશર મશીન વેચવાની હોવાનું જણાવાયું હતું. પાલઘરમાં વ્યવસાય શરૂ કરવાની ફરિયાદીની ઇચ્છા હોવાથી તેણે નીલીનો સંપર્ક સાધ્યો હતો. નીલીએ મશીનની કિંમત 1.15 કરોડ રૂપિયા હોવાનું કહ્યું હતું.

ગયા વર્ષના જાન્યુઆરીથી મે દરમિયાન આરોપીએ આપેલાં વિવિધ બૅન્ક ખાતાંમાં અનેક ટ્રાન્ઝેક્શન દ્વારા ફરિયાદીએ 43 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આરોપીએ બોગસ એગ્રીમેન્ટ અને મશીન વાહનમાં ચઢાવવામાં આવ્યું હોવાની તસવીરો પણ ફરિયાદીને મોકલાવી હતી.

જોકે નાણાં લીધાં પછી દંપતીએ ફરિયાદી શેખનો કૉલ રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું. એ સિવાય ફરિયાદીને મશીન કે તેની માલિકીના યોગ્ય દસ્તાવેજો મળ્યા નહોતા.

ફરિયાદીએ જાહેખબર આપનારી કંપની સામે આ મુદ્દો ઉઠાવતાં તેના બૅન્ક ખાતામાં સીધા પાંચ લાખ રૂપિયા જમા થઈ ગયા હતા. બાદમાં નીલીએ પણ ચાર લાખ રૂપિયા પાછા આપ્યા હતા. પરિણામે ફરિયાદી સાથે 34 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી.

ફરિયાદ અનુસાર ચેન્નઈમાં આવેલી કંપનીની ઑફિસે ફરિયાદી ગયો ત્યારે તેને જાણ કરાઈ હતી કે બાકીના 15 લાખ રૂપિયા ક્યારનાય રેશમા નીલીના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

(પીટીઆઈ)