(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી (પૂર્વ)માં મરોલમાં આવેલી સેવનહિલ્સ હૉસ્પિટલને વિરોધપક્ષના વિરોધ બાદ પણ ખાનગી કંપનીને લીઝ પર આપવાનો પ્રસ્તાવ મંગળવારે મુંબઈ મહાનગરપાલિકાની સુધાર સમિતિમાં સત્તાધારી પક્ષે મંજૂર કર્યો હતો.
શિવસેના-ભાજપની આગેવાની હેઠળ શાસક પક્ષે શિવસેના (યુબીટી) અને કૉંગ્રેસના સભ્યોના ભારે વાંધાઓ છતાં આ પ્રસ્તાવને આગળ ધપાવ્યો હતો. સત્તાધારીએ સેવનહિલ્સને કેમ્પસ કેપ્રી ગ્લોબલ વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડને સોંપવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ પ્રસ્તાવ સૌપ્રથમ મે મહિનામાં સમિતિ સમક્ષ આવ્યો હતો પરંતુ તેને તે સમયે ના મંજૂરી આપવામાં આવી હતી અને ના આ પ્રસ્તાવને નકારી કાઢવામાં આવ્યો હતો. તે સમયે ભારે ચર્ચા બાદ તેને પુનર્વિચારણા માટે પાલિકા પ્રશાસનને પાછો મોકલવામાં આવ્યો હતો.
વિપક્ષી સભ્યોએ ખાનગી ઓપરેટરની જરૂરિયાત અને પ્રસ્તાવની પ્રક્રિયા સામે અગાઉ નોંધાવેલા વિરોધ બાદ મંગળવારની મીટિંગ દરમ્યાન આ જ પ્રસ્તાવ ફરીથી રજૂ કરવામાં આવ્યો હતો. જોકે શિવસેનાના નગરસેવિકા અને સમિતિનાં અધ્યક્ષ સંધ્યા દોશીએ પાલિકા પ્રશાસન દ્વારા કોઈ પણ જવાબ નહીં આવ્યા છતાં આ પ્રસ્તાવ મંજૂર કર્યો હતો અને કહ્યું હતું કે યુબીટીના નગરસેવકોએ આ પ્રસ્તાવનો વિરોધ કરવો ન જોઈએ કારણ કે મૂળ પ્રસ્તાવ પહેલા તેમની હાજરીમાં રજૂ કરવામાં આવ્યો હતો અને પસાર કરવામાં આવ્યો હતો ત્યારે તેઓએ ચૂપ રહેવાનો નિર્ણય લીધો હતો.
કૉંગ્રેસના નેતા અશરફ આઝમીએ આરોપ લગાવ્યો હતો કે પ્રસ્તાવને કાયદેસર મંજૂરી મળે તે પહેલાં જ જે કંપની સાથે પાલિકાએ લીઝ કરાર કર્યો છે તે કંપનીએ તે સ્થળે કામ શરૂ કરી દીધું છે. કાયદાકીય સમિતિની મંજૂરી વિના આવાં પગલાંને કેવી રીતે મંજૂરી આપી શકાય?
અંધેરી (પૂર્વ) ના મરોલ ખાતે પાલિકાની માલિકીની લગભગ ૬૬,૬૮૮ ચોરસ મીટર જમીન માટે ૩૦ વર્ષની લીઝની જોગવાઈ છે, જે વધુ ૩૦ વર્ષ સુધી વધારી શકાય છે. જ્યાં હૉસ્પિટલ આવેલી છે તે વિસ્તારના શિવસેના (યુબીટી)ના નગરસેવક સચિન પડવાલે જણાવ્યું હતું કે અંધેરી અને મરોલના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ હૉસ્પિટલને ખાનગી સંસ્થાને સોંપવાને બદલે પાલિકા પ્રશાસન પોતે જ ચલાવે એવી સતત માગણી કરી રહ્યા હતા. કોઈ ખાનગી હૉસ્પિટલ સામાન્ય લોકો માટે બેડ અનામત રાખતી નથી. પ્રશાસન પાસે આવી સુવિધા બનાવવા અને ચલાવવા માટે પૂરતું ભંડોળ છે. ખાસ કરીને જ્યારે તે મોટા માળખાકીય પ્રોજેક્ટ પર હજારો કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે.
શિવસેના (યુબીટી)ના નગરસેવિકા વિશાખા રાઉતે પણ આ પગલાંનો વિરોધ કરતાં દલીલ કરી હતી કે પાલિકા પાસે હૉસ્પિટલ ચલાવવા માટે પૂરતા નાણાકીય સંસાધનો છે. આરોગ્ય વિભાગ પાસે મોટું બજેટ છે, તો પછી ખાનગી પક્ષને શા માટે સામેલ કરવો? સેવનહિલ્સે કોવિડ રોગચાળા દરમિયાન દર્દીઓની સારવાર કરીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને પાલિકાએ તેને ખૂબ સારી રીતે ચલાવી હતી.
પાલિકાના અધિકારીઓએ કહ્યું હતું કે લાંબા સમયથી બંધ પડેલી મેગા હૉસ્પિટલને ફરીથી કાર્યરત કરીને મુંબઈના જાહેર આરોગ્યસંભાળ માળખામાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. સેવનહિલ્સ હૉસ્પિટલના પીપીપી મોડેલ હેઠળ પાલિકાના દર્દીઓ માટે સબસિડીવાળી સારવારના ક્વોટાને જાળવી રાખવામાં આવશે.
મંજૂર કરાયેલ રિઝોલ્યુશન પ્લાન હેઠળ સેવનહિલ્સ હોસ્પિટલને ૧,૫૦૦ બેડવાળી બિન-લાભકારી થર્ડ પાર્ટી કેર હૉસ્પિટલ તરીકે પુન:વિકાસ કરવામાં આવશે. નવા પ્રમોટરે મૂળ ૨૦૦૫ના કરાર અને ૨૦૧૩ના સમજૂતી કરારની શરતોનું પાલન કરવા સંમતિ આપી છે, જેમાં ૨૦ ટકા ઓપરેશનલ બેડ - ૩૦૦ બેડ અને ૨૦ ટકા પાલિકાના દર્દી માટે ઓપીડી સર્વિસ માટે અનામત રાખવાનો સમાવેશ થાય છે, જેમાં સારવાર, દવાઓ અને ડાયગ્નોસ્ટિક પરીક્ષણો પાલિકાના દરે પૂરા પાડવામાં આવશે.