Wed Jul 29 2026

Logo

ગુજરાતના એક માત્ર વાઘનું વાઘણ સાથે મિલન લંબાયું, હવે ક્યારે થશે મેળાપ

2026-07-29 09:34:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ આજે આંતરાષ્ટ્રીય વાઘ દિવસ છે. ગુજરાતમાં એકમાત્ર નર વાઘ આવ્યાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. વાઘણ લાવવા માટે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી  ની મંજૂરીની રાહ જોવાઈ રહી હોવાથી, વાઘની વસ્તી વધારીને રાજ્યમાં ફરી તેનો વંશવેલો સ્થાપિત કરવાની ગુજરાતની આશાઓ હાલ અટકી પડી છે. રાજ્યમાં રતનમહાલના એકમાત્ર વાઘને વાઘણ આપીને વંશવેલો વધારવાનો રાજ્યનો પ્રયાસ અટક્યો છે.  ડિસેમ્બરમાં વાઘની વસ્તી ગણતરી પૂર્ણ થયા બાદ જ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) મંજૂરી આપે તેવી શક્યતા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતની દરખાસ્ત NTCA પાસે પેન્ડિંગ છે, જે હાલ દેશવ્યાપી વાઘની વસ્તી ગણતરીની કામગીરી સંભાળી રહી છે. આ ગણતરી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે, ત્યારબાદ આ વિનંતી પર વિચાર કરવામાં આવે તેવી શક્યતા છે.

રતનમહાલનો વાઘ છેલ્લે છોટાઉદેપુરના કેવડીમાં દેખાયો

ચાર વર્ષનો આ નર વાઘ ગયા વર્ષની શરૂઆતમાં દાહોદ જિલ્લાના રતનમહાલ અભયારણ્યમાં પહેલીવાર નોંધાયો હતો. ત્યારથી, તે પૂર્વ ગુજરાતમાં મુક્તપણે ફરી રહ્યો છે, અને તેની છેલ્લી મુવમેન્ટ છોટાઉદેપુર જિલ્લાના કેવડી ગામમાં ટ્રેક કરવામાં આવી હતી. વન અધિકારીઓનું માનવું છે કે આ વાઘ પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાંથી કુદરતી રીતે ભટકીને લગભગ 60  કિલોમીટરની મુસાફરી કરીને ગુજરાતમાં પ્રવેશ્યો હતો. સૂત્રોનું કહેવું છે કે વાઘની કાયમી વસ્તી સ્થાપિત કરવા માટે વાઘણ લાવવી ખૂબ જ જરૂરી છે. સાથી વિના, આ એકમાત્ર વાઘનું રાજ્યમાં લાંબા સમય સુધી રહેવું અસ્પષ્ટ છે.

ગુજરાતમાં એક સમયે વાઘનો વાસ હતો, પરંતુ આ પ્રજાતિ ધીમે ધીમે લુપ્ત થઈ ગઈ હતી. જોકે 1989માં વાઘના પગના નિશાન નોંધાયા હતા, પરંતુ ત્યારપછી તે પ્રત્યક્ષ રીતે ક્યારેય જોવા મળ્યો ન હતો અને 1992 સુધીમાં રાજ્યએ તેનો ‘ટાઈગર સ્ટેટ’નો દરજ્જો ગુમાવી દીધો હતો. વર્ષ 2019માં મહિસાગર જિલ્લામાં થોડા સમય માટે વાઘ દેખાયો હતો, પરંતુ તે આ પ્રજાતિના પુનરાગમનનો સંકેત આપે તેટલો સમય રોકાયો નહોતો. જો વંશવેલો સફળતાપૂર્વક સ્થાપિત થશે, તો ગુજરાત ત્રણ દાયકા કરતાં પણ વધુ સમય પછી પોતાનો ‘ટાઈગર સ્ટેટ’નો તાજ પાછો મેળવી શકશે.

વાઘના સ્કેટ એનાલિસિસમાં સામે આવી હતી ચોંકાવનારી વિગત

ગુજરાતમાં એક વર્ષ કરતાં વધુ સમયથી વાઘે રતનમહાલના જંગલને પોતાનું ઘર બનાવ્યું છે. 120 ચોરસ કિમીના વિસ્તારમાં પોતાનું સામ્રાજ્ય જમાવનારા એકમાત્ર વાઘને લઈ હવે નવી માહિતી સામે આવી હતી. વાઘ સંપૂર્ણપણે જંગલી શિકારી સાબિત થઈ રહ્યો છે. તે માત્ર જંગલી પ્રાણીઓનો શિકાર કરી રહ્યો છ અને માનવ વસાહતથી દૂર રહે છે. 

સ્કેટ એનાલિસિસમાં શું આવ્યું સામે

થોડા મહિના પહેલા વન વિભાગ દ્વારા કરવામાં આવેલા 'સ્કેટ એનાલિસિસ' (મળના નમૂનાનું પરીક્ષણ) મુજબ, આ વાઘના ખોરાકમાં મુખ્યત્વે હરણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેના ખોરાકમાં નીલગાય અને જંગલી ભૂંડના અંશો પણ જોવા મળ્યા હતા. માનવ વસવાટ ધરાવતા વિસ્તારોની વચ્ચે રહીને પણ પશુપાલકોના ઢોરને નુકસાન પહોંચાડ્યા વગર વાઘ કેવી રીતે જીવી રહ્યો છે, તેની આ અભ્યાસમાં માહિતી મળી હતી.

વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી એકત્ર કરાયેલા નમૂનાઓમાં વાઘના મળમાં ગાય-ભેંસ કે અન્ય પાલતુ પ્રાણીઓના કોઈ પુરાવા મળ્યા નથી. સૂત્રોએ જણાવ્યું કે, પશુઓના શિકારના કોઈ ચિહ્નો મળ્યા નથી. તમામ સંકેતો જંગલી શિકાર તરફ ઈશારો કરે છે. આ બાબત સ્પષ્ટ કરે છે કે વાઘ જાણીજોઈને ગામડાઓ અને પશુઓના ચરિયાણ વિસ્તારોથી દૂર રહે છે.

શિકાર સિવાય, આ વાઘ પોતે હવે એક ગહન વૈજ્ઞાનિક અભ્યાસનો વિષય બન્યો છે. વન વિભાગે રતનમહાલના જંગલોમાં તેની ગતિવિધિ, ખોરાકની પદ્ધતિ અને વર્તણૂક પર નજર રાખવા માટે એક માળખાગત મોનિટરિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે. ફિલ્ડ ટીમો વાઘના મળનું વિશ્લેષણ કરી રહી છે, તેના પંજાના નિશાન, નખના નિશાન અને 'સેન્ટ સ્પ્રે' (ગંધ છોડવાની પદ્ધતિ) નો રેકોર્ડ રાખી રહી છે. ભૌગોલિક લોકેશન ડેટાની મદદથી વાઘનો સંપૂર્ણ ઇકોલોજીકલ પ્રોફાઇલ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

વાઘ માનવ વસાહતથી રહ્યો છે દૂર

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ અભ્યાસનો હેતુ વાઘનો ખોરાક અને તેના વિસ્તારના ઉપયોગને સમજવાનો છે. તેમણે ઉમેર્યું કે, સ્કેટ એનાલિસિસ શિકારની પ્રજાતિઓને ઓળખવામાં મદદ કરશે, જ્યારે ફિલ્ડ ચિહ્નો દ્વારા અમે તેની હિલચાલ અને પ્રાદેશિક વર્તણૂકનો નકશો તૈયાર કરી શકીશું. અત્યાર સુધી આ વાઘ માનવ વસાહતથી દૂર રહ્યો છે અને કોઈ ગામમાં પ્રવેશ્યો નથી.

કેમેરામાં બીજું શું થયું કેદ

આ ઉપરાંત કેટલીક ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. વાઘ માટે ગોઠવવામાં આવેલા કેમેરા ટ્રેપ અને વીડિયો સર્વેલન્સમાં રેટલસ્નેક (ખડચિતરો), ઉડતી ખિસકોલી અને પેંગોલિન જેવા પ્રાણીઓ કેદ થયા છે, જે આ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે છે. ખાસ કરીને પેંગોલિનનું દેખાવું એ મોટી વાત છે, કારણ કે અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે ગુજરાતમાં આ પ્રજાતિ મુખ્યત્વે ગીરના જંગલો પૂરતી મર્યાદિત છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તારણો રતનમહાલ પ્રદેશને જોવાનો દૃષ્ટિકોણ બદલી રહ્યા છે. આ હવે માત્ર એક વાઘ પૂરતું મર્યાદિત નથી. આ ડેટા સમગ્ર વન પટ્ટાના વ્યાપક જૈવવિવિધતા મૂલ્યને છતું કરે છે. આ વિસ્તાર માટે હવે વ્યાપક સંરક્ષણ પ્રસ્તાવ પર વિચારણા કરવામાં આવી રહી છે. હાલમાં, આ વાઘ શાંતિથી પોતાનો શિકાર કરી રહ્યો છે, જેમાં હરણ, નીલગાય અને જંગલી ભૂંડ તેના મુખ્ય આહાર છે. બીજી તરફ વન વિભાગ આ પ્રાણી પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે.

ગુજરાતમાં છેલ્લે ક્યારે જોવા મળ્યો હતો વાઘ

 ગુજરાતમાં છેલ્લો વાઘ 2001 માં જોવા મળ્યો હતો, ત્યારબાદ તે ગાયબ થઈ ગયો હતો. હવે, આશા ફરી જાગી હોવાથી, ગુજરાતે વાઘના નિવાસસ્થાનના વિકાસ માટે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી પાસેથી માર્ગદર્શન માંગ્યું છે. એક વર્ષ પહેલાં રતનમહાલમાં વાઘ જોવા મળ્યો ત્યારથી, રાજ્યનો વન વિભાગ કેમેરા ટ્રેપ અને ફિલ્ડ ટીમોનો ઉપયોગ કરીને સતત તેના પર નજર રાખી રહ્યો છે.