નવી દિલ્હીઃ એક સમયના સુપરસ્ટાર દિલીપ કુમારે પોતાની બાયોગ્રાફીમાં જે ઉદ્યોગપતિનો ઉલ્લેખ કર્યો છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. વાત એ સમયની છે જ્યારે દિલીપ કુમારે ફ્લાઈટમાં બેસીને પ્રવાસ કરી રહ્યા હતા અને એમની સાથે સફળ ઉદ્યોગપતિ જે. આર.ડી ટાટા એમની સાથે હતા. બન્ને વચ્ચે સંવાદ ફિલ્મથી શરૂ થયો અને એક્ટરે પૂછી લીધું કે, શું તમે ફિલ્મો જોવો છો. એ સમયે જહાંગીર ટાટાએ જવાબ આપ્યો કે, વર્ષો પહેલા જોઈ હતી. આ ફ્લાઈટ લેન્ડ થઈ ત્યારે દિલીપ કુમારે હાથ લંબાવ્યો અને કહ્યું કે, મારું નામ દિલીપ કુમાર છે. એ વ્યક્તિએ વિનમ્ર ભાવે કહ્યું હતું કે મારું નામ જે. આર.ડી ટાટા છે. આ સાંભળીને થોડા સમય માટે દિલીપ કુમાર ચોંકી ગયા હતા, જે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં તેઓ બેઠા હતા એ ફ્લાઈટ કંપનીના તેઓ માલિક હતા.
કિસ્સામાંથી થયો અહેસાસ
આ બનાવ પછી દિલીપ કુમારને એ વાતનો અહેસાસ થયો હતો કે દુનિયામાં ભલે ગમે એટલી મંઝિલ પર પહોંચી જાવ, હંમેશાં વિનમ્ર રહો અને ઝુકો, કારણ કે, તમારાથી પણ મોટું હંમેશાં દુનિયામાં હાજર હોય છે. એમની જન્મતિથિ પર એમના જીવન વિશેની એક વાત પરની શાબ્દિક સફર. ભારતના પ્રથમ કમર્શિયલ પાઇલટ, જેમણે ઉદ્યોગ સાથે આકાશમાં પણ ઇતિહાસ રચ્યો એ વ્યક્તિ એટલે જે.આર. ડી ટાટા. 29 જુલાઈ 1904ના પેરિસમાં જન્મેલા જહાંગીર રતનજી દાદાભોય (JRD) ટાટા માત્ર એક સફળ ઉદ્યોગપતિ જ ન હોતા, પરંતુ ભારતીય નાગરિક ઉડ્ડયનના પાયાના શિલ્પી પણ હતા. તેઓ ટાટા ગ્રુપના સૌથી પ્રભાવશાળી ચેરમેનમાંના એક ગણાય છે અને ભારતના પ્રથમ લાઇસન્સ પ્રાપ્ત કમર્શિયલ પાઇલટ તરીકે ઓળખાય છે.

ટાટાની પાંખ વિસ્તરી
માત્ર 34 વર્ષની ઉંમરે તેઓ ટાટા સન્સના ચેરમેન બન્યા. તેમના નેતૃત્વમાં ટાટા ગ્રુપે સ્ટીલ, ઓટોમોબાઈલ, આઈટી, હોટેલ, કેમિકલ્સ અને એવિએશન જેવા અનેક ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ કર્યો. તેઓ વ્યવસાયમાં નૈતિકતા, પારદર્શિતા અને કર્મચારીઓના કલ્યાણ માટે જાણીતા હતા. 10 ફેબ્રુઆરી, 1929ના JRD ટાટાને ભારતનો પ્રથમ પાઇલટનું લાઇસન્સ મળ્યું. તે સમય દરમિયાન દેશમાં ઉડ્ડયન ક્ષેત્ર હજુ શરૂઆતના તબક્કામાં હતું. વર્ષ 1932માં તેમણે ટાટા એરલાઇન્સ શરૂ કરી અને કરાચીથી મુંબઈ તથા ત્યાર બાદ ચેન્નઈ સુધી ભારતની પ્રથમ વ્યાવસાયિક એરમેલ ફ્લાઇટ પોતે ઉડાવી હતી. આગળ જઈને આ જ એરલાઇન્સ એર ઈન્ડિયા તરીકે જાણીતી બની.
સાદું જીવન ઉચ્ચ વિચાર
મોટા ઉદ્યોગપતિ હોવા છતાં JRD ટાટાનું જીવન અત્યંત સાદું હતું. તેઓ સમયપાલન, શિસ્ત અને વિનમ્રતા માટે પ્રસિદ્ધ હતા. કર્મચારીઓ સાથે પણ તેઓ ખૂબ સરળતાથી મળતા અને માનતા હતા કે, કંપનીની સૌથી મોટી સંપત્તિ તેના લોકો છે. તેમની જીવનશૈલી આજે પણ અનેક ઉદ્યોગપતિઓ માટે પ્રેરણાસ્ત્રોત માનવામાં આવે છે.
વર્ષ 1955માં એમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા.તેમના કાર્યકાળ દરમિયાન ટાટા ગ્રુપ ભારતના સૌથી વિશ્વસનીય ઔદ્યોગિક સમૂહોમાંનું એક બન્યું. 29 નવેમ્બર, 1993ના રોજ તેમનું અવસાન થયું, પરંતુ ઉદ્યોગ, ઉડ્ડયન અને દેશસેવામાં તેમનું યોગદાન આજે પણ અવિસ્મરણીય માનવામાં આવે છે. દેશમાં જન્મેલા કેટલાક લોકો એવા હોય છે જેનું આચરણ સતત કંઈક આપવાનું રહ્યું હોય છે.
મહિલા સશક્તિકરણનું ઉદાહરણ
એક દિવસ, ટાટાની ટેલ્કોમાં નોકરી માટેની જાહેરાત આવી, જેમાં લખ્યું હતું, ફક્ત પુરુષ એન્જિનિયરોની જરૂર છે. આ વાંચીને એક મહિલા ગ્રેજ્યુએટ એન્જિનિયર ગુસ્સે થઈ ગઈ. તેણે કંપનીના લિંગ-આધારિત ભેદભાવનો વિરોધ કરવા માટે સીધા JRD ટાટાને પોસ્ટકાર્ડ લખ્યું. પત્ર કચરાપેટીમાં ફેંકી દેવાને બદલે, JRDએ તરત જ ઇન્ટરવ્યુ માટે આમંત્રણ આપ્યું અને આ મહિલાને નોકરી પર રાખી.
આ યુવતી હતા સુધા મૂર્તિ. દેશની પ્રથમ મહિલા ઓટોમોબાઈલ એન્જિનિયર અને ઇન્ફોસિસ ફાઉન્ડેશનના અધ્યક્ષ. JRDએ મહિલા સશક્તિકરણનું એક કાયમી ઉદાહરણ સ્થાપિત કર્યું. આનું એક ઉત્તમ ઉદાહરણ ટાટાની કંપની છે.