Mon Jul 27 2026

Logo

સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં ફાયરિંગ: 3 લોકોના મોત, બાળક સહિત 4 ઘાયલ

Seattle   2026-07-27 17:43:55
Author: Mumbai Samachar Team
Article Image

સિએટલઃ અમેરિકાના સિએટલમાં એક ફૂડ ફેસ્ટિવલ દરમિયાન થયેલા ફાયરિંગમાં ત્રણ લોકોના મોત થયા હતા અને એક બાળક સહિત ચાર જણા ઘાયલ થયા હતા. સિએટલ ફાયર ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ગ્રેસ નુનેઝના જણાવ્યા અનુસાર, સિએટલના સ્પેસ નીડલ નજીક આયોજિત "બાઇટ ઓફ સિએટલ" ફેસ્ટિવલના અંતિમ કલાકો દરમિયાન ફાયરિંગની આ ઘટના બની હતી.

ફૂડ ફેસ્ટિવલમાં થયેલા ફાયરિંગમાં એક સંદિગ્ધની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બીજા શંકાસ્પદની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસનું માનવું છે કે રવિવારે બે શંકાસ્પદ લોકો એકબીજા પર ગોળીબાર કરી રહ્યા હતા અને એક હજુ પણ ફરાર છે પરંતુ સિએટલ પોલીસના આસિસ્ટન્ટ ચીફ ટાયરોન ડેવિસે રવિવારે રાત્રે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જનતાને હવે કોઈ ખતરો નથી. પોલીસ પાસે બાકી રહેલા શંકાસ્પદ વ્યક્તિ વિશે કોઈ જાણકારી નથી. ડેવિસે કહ્યું કે "અમે હજુ પણ તેને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

નોંધનીય છે કે બે લોકો ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા અને ત્રીજાનું હોસ્પિટલમાં મૃત્યુ થયું. તેઓ 19 અને 44 વર્ષના બે પુરુષો અને 56 વર્ષની મહિલા હતા. પોલીસે જણાવ્યું હતું કે 2 વર્ષના છોકરા સહિત ચાર ઘાયલોને સોમવારે વહેલી સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની હાલત સ્થિર છે. બાકીના ઘાયલો પુખ્ત વયના હતા.

નોંધનીય છે કે રવિવારે સાંજે 6 વાગ્યાની આસપાસ ગોળીબાર શરૂ થયો હતો. બાઈટ ઓફ સિએટલમાં સેંકડો ખાદ્ય અને છૂટક વિક્રેતાઓ અને કલાકારો ભેગા થાય છે. ડેવિસે જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં ડઝનબંધ અધિકારીઓ સુરક્ષા પૂરી પાડી રહ્યા હતા અને કેટલાકે એક શંકાસ્પદ વ્યક્તિને ગોળીબાર કરતા જોયો હતો. એક શંકાસ્પદે ઘટનાસ્થળે આત્મસમર્પણ કર્યું, પરંતુ બીજો ભાગી ગયો. તપાસ ટીમે સ્થળની તપાસ કરી પરંતુ કોઈ ફાયદો થયો નહીં.
 
ફેથ એડિયા હન્ટરે જણાવ્યું હતું કે ગોળીબાર શરૂ થયો ત્યારે તેણી અને તેના મિત્રો ક્રેપ વિક્રેતા પાસેથી ફૂડ લઈ રહ્યા હતા. તેણીને ખ્યાલ આવ્યો કે એક ગોળીબાર કરનાર તેમની નજીક હતો. તેણી અને અન્ય લોકોએ નજીકના સિએટલ ચિલ્ડ્રન્સ મ્યૂઝિયમમાં આશ્રય મેળવ્યો હતો. જ્યારે ગોળીબાર શરૂ થયો ત્યારે અમે તેની બાજુમાં જ હતા તેથી અમે દોડવા લાગ્યા.