Tue Jul 28 2026

Logo

નાશિકમાં ફ્લાયઓવર પરથી ટ્રક 30 ફૂટ નીચે પટકાઇ: રાજકોટના ડ્રાઇવરનું મૃત્યુ

2026-07-28 17:24:00
Author: Yogesh D. Patel
Article Image

નાશિક: નાશિક જિલ્લામાં ફ્લાયઓવર પરથી ટ્રક 30 ફૂટ નીચે સર્વિસ રોડ પર પટકાયા બાદ ઊંધી વળી ગઇ હતી, જેમાં રાજકોટના 56 વર્ષના ડ્રાઇવરનું મૃત્યુ થયું હતું.સિન્નર-શિર્ડી હાઇવે પર રવિવારે બપોરે આ ઘટના બની હતી, જે એ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. સીસીટીવી ફૂટેજમાં ફ્લાયઓવર પર ટ્રક નિયંત્રણ બહાર જતી, ફ્લાયઓવરની રેલિંગ તોડતી અને બ્રિજ પરથી નીચે પડીને ઊંધી વળતી નજરે પડે છે.

ટ્રકમાં કેટલોક સામાન હતો અને તે નાશિકથી શિર્ડી તરફ જઇ રહી હતી. ટ્રક મુસળગાંવ બાયપાસ નજીક પહોંચી ત્યારે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે ટ્રક ફ્લાયઓવરની રેલિંગ તોડી 30 ફૂટ નીચે સર્વિસ રોડ પર પટકાઇ હતી. સદનસીબે એ સમયે સર્વિસ રોડ પર અન્ય કોઇ વાહન નહોતું, નહીં તો મોટો અકસ્માત સજાર્યો હોત.

અકસ્માતમાં ગંભીર ઇજાને કારણે મૃત્યુ પામેલા ડ્રાઇવરની ઓળખ રવજીભાઇ મનજીભાઇ ભંદેનિયા (56) તરીકે થઇ હતી, જે રાજકોટનો રહેવાસી હતો. અકસ્માતમાં ટ્રકને પણ ખાસ્સું નુકસાન થયું હતું. સિન્નર એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તપાસ હાથ ધરાઇ હતી, એમ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)