Tue Jul 28 2026

Logo

ગ્લોબલ સેન્ટ્રલ બેન્કોની બેઠકો અગાઉ બજારમાં સાવચેતીનું માનસ: બેન્ચમાર્કમાં મામૂલી ઘસારો

2026-07-28 17:19:16
Author: Nilesh Waghela
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રોકાણકારોના  યુએસ-ઈરાન યુદ્ધ વિરામ અને પીસ ડીલ અંગે આશાવાદ, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડા સામે ગ્લોબલ ટેકનોલોજી ક્ષેત્રે તીવ્ર વેચવાલી વચ્ચે સંતુલન જાળવી રાખવાના પ્રયાસ વચ્ચે મંગળવારે બેન્ચમાર્ક નિફ્ટી અને સેન્સેક્સ પોઝિટિવ અને નેગેટિવ ઝોનમાં અથડાતા રેન્જ બાઉન્ડ મૂવમેન્ટમાં રહ્યા હતા.યુએસ ફેડરલ રિઝર્વની નીતિ બેઠક પહેલા બજારના સહભાગીઓમાં સાવચેતનું માનસ જોવા મળ્યું હતું. કોરિયાનો કોસ્પી ૯.૫ ટકાના જોરદાર કડાકા સાથે એપ્રિલ પછીના સૌથી નીચા સ્તરે પછડાયો હતો, ચિપમેકર્સ સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ અને એસકે હાયનિક્સમાં તીવ્ર ધોવાણ જોવા મળ્યું હતું.

સેન્સેક્સ ૬૯ ૮૬ પોઈન્ટ અથવા 0.0૯ ટકા ઘટીને ૭૬,૭૬૫.૯૨ની સપાટી પર સ્થિર થયો. દિવસ દરમિયાન, તે 76,988.48ની ઊંચી સપાટી અને 76,672.77ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. એ જ રીતે એનએસઈ નિફ્ટી 10.60 પોઈન્ટ અથવા ૦.૦૪ ટકા ઘટીને ૨૩,૯૮૫.૩૫ પોઈન્ટની સપાટી પર બંધ થયો હતો.સેન્સેક્સ પેકમાંથી,નબળા પરિણામને કારણે હિન્દુસ્તાન યુનિલિવરના શેર ૬.૯૭ ટકા ઘટ્યા હતા, આ ઉપરાંત, ભારત ઇલેક્ટ્રોનિક્સ, એનટીપીસી, આઈસીઆઈસીઆઈ  બેંક, પાવર ગ્રીડ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ સૌથી વધુ ઘટનાર શેરોમાં સામેલ હતા. જ્યારે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, એટર્નલ, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ અને ટાઇટન ટોચના વધનાર શેરોમાં સામેલ હતા.

ક્ષેત્રીય કામગીરી મિશ્ર રહી, જેમાં ટેકનોલોજી શેરોમાં મજબૂત ખરીદી દ્વારા ટેકો મળતા આઇટી ઈન્ડેક્સમાં સારો સુધારો જોવા મળ્યો. રિયલ્ટી અને એફએમસીજીમાં પણ ઊંચો મથાળે ટ્રેડિંગ જોવા મળ્યું, જે રક્ષણાત્મક અને સ્થાનિકલક્ષી ક્ષેત્રોમાં પસંદગીયુક્ત રસ દર્શાવે છે. જોકે, બેંકિંગ, મેટલ, ઓટો અને ફાઇનાન્સ સેક્ટર દબાણ હેઠળ રહ્યા, જેના કારણે બજારમાં વ્યાપક સુધારો મર્યાદિત રહ્યો, આ તફાવત સૂચવે છે કે રોકાણકારો ચક્રીય ક્ષેત્રો પર સાવધ રહીને વૃદ્ધિ ક્ષેત્રોની તરફેણ કરી રહ્યા છે.

માર્કેટ એનલિસ્ટે જણાવ્યું કે, ક્રૂડ ઓઇલના ભાવમાં રાહતથી ફુગાવા અને ઇનપુટ ખર્ચના દબાણ અંગેની ચિંતાઓ ઓછી થવાને કારણે બજારોને રાહત મળી. જોકે, આ અઠવાડિયે ફેડરલ, બેંક ઓફ ઇંગ્લેન્ડ અને બેંક ઓફ જાપાન સહિતની મુખ્ય કેન્દ્રીય બેંક નીતિ બેઠકો પહેલા રોકાણકારોનું માનસ સાવચેતીનું રહ્યું હતું.ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક, બ્રેન્ટ ક્રૂડ, 2.82 ટકા ઘટીને ૮૫ ૮૭ ડોલર પ્રતિ બેરલ પર બંધ થયું હતું. એક્સચેન્જ ડેટા અનુસાર, સોમવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ૧,૬૮૮ ૨૩ કરોડ રૂપિયાના ઇક્વિટી વેચ્યા હતા.

એશિયન બજારોમાં વ્યાપક વેચવાલી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પડી હોવાથી ભારતીય ઇક્વિટી બજારો મોટાભાગે ફ્લેટ રહ્યા હતા. એશિયન બજારોમાં, દક્ષિણ કોરિયાનો કોસ્પી 10.84 ટકા ઘટ્યો. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ અને શાંઘાઈનો એસએસઈ  કમ્પોઝિટ ઇન્ડેક્સ પણ નીચો રહ્યો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ થોડો ઊંચો બંધ રહ્યો.યુરોપના બજારો હકારાત્મક ક્ષેત્રમાં ટ્રેડ થઈ રહ્યા હતા.યુએસ બજારો મિશ્ર નોંધ પર બંધ થયા. સ્થાનિક ધોરણે સોમવારે, સેન્સેક્સ ૭૭૬.૦૧ પોઈન્ટ અથવા ૧.૦૨ ટકા ઉછળીને ૭૬,૮૩૫.૭૮ પોઈન્ટની સપાટી પર સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી ૨૨૮.૫૦ પોઈન્ટ અથવા ૦.૯૬ ટકાના વધારા સાથે ૨૩,૯૯૫.૯૫  પોઈન્ટની સપાટી પર સ્થિર થયો હતો.