નવી દિલ્હી: દિલ્હીના જંતર-મંતર પર સીજેપીના વિદ્યાર્થી આંદોલનમાં ભોજન પૂરું પાડનાર જુનૈદ મલિકે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તેણે દિલ્હી પોલીસ પર ગેરકાયદે અટકાયત, માનસિક ત્રાસ અને તેમના પરિવારને ધાકધમકી આપવા સહિતના ગંભીર આરોપો લગાવ્યા છે. આ અંગેની સુનાવણી મંગળવારે હાથ ધરવામાં આવશે.
પોલીસ કાર્યવાહીની સ્વતંત્ર તપાસની માંગ
જુનૈદ મલિકે પોતાની અરજીમાં કોર્ટને જૂન-જુલાઈ 2026 માં યોજાયેલા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં તેમના અથવા તેમના પરિવાર સામે કોઈપણ દંડાત્મક કાર્યવાહી પર રોક લગાવવાની વિનંતી કરી છે. તેમણે પોલીસ કાર્યવાહીની સ્વતંત્ર તપાસની પણ માંગ કરી છે.
નાગરિક પર હુમલો કરી શકાય નહિ
જુનૈદ મલિકના એડવોકેટે અરજીમાં જણાવ્યું છે કે પોલીસને ફક્ત કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી વિરોધ પ્રદર્શન અથવા મેળાવડાને વિખેરવાનો અધિકાર છે. તેઓ કોઈપણ નાગરિક પર હુમલો કરી શકાય નહિ. તેમજ ડરાવી શકાતા નથી અથવા દંડાત્મક કાર્યવાહી કરી શકાતી નથી.
પોલીસની બધી સત્તાઓ બંધારણ હેઠળ
આ અરજીમાં વધુમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે પોલીસની બધી સત્તાઓ બંધારણની કલમ 14,19 અને 21 ના દાયરામાં આવે છે. તેથી, પોલીસ મનસ્વી રીતે અથવા વધુ પડતા બળનો ઉપયોગ કરી શકતી નથી.