Tue Jul 28 2026

Logo

ચાકુની ધાકે બે સગીર બહેનોનું જાતીય શોષણ કરવા બદલ વૃદ્ધની ધરપકડ

2026-07-28 17:43:17
Author: Yogesh D. Patel
Article Image

પુણે: પિંપરી-ચિંચવડમાં ચાકુની ધાકે બે સગીર બહેનોનું અનેક વાર જાતીય શોષણ કરવા બદલ 61 વર્ષના વૃદ્ધની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીની ઓળખ રમઝાન બાગવાન (61) તરીકે થઇ હતી, જેની સામે ભારતીય ન્યાય સંહિતા, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ તેમ જ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીસ) ધારાની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પીડિત બહેનો અને આરોપી એક જ વિસ્તારમાં રહેતા હોઇ આરોપી મે, 2026થી 10 વર્ષની બાળકી અને તેની ચાર વર્ષની બહેનનું જાતીય શોષણ કરી રહ્યો હતો. બંને બહેનમાંથી એકના પેટમાં દુખાવો ઉપડતાં પરિવારજનોને પૂછપરછ કરી હતી, જેમાં આ ઘટના પ્રકાશમાં આવી હતી.

પરિવારજનોએ ત્યાર બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીએ બંને બહેનોને ચાકુની ધાક દાખવી ઘટનાની કોઇને જાણ ન કરવા માટે ધમકી આપી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હોઇ તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

(પીટીઆઇ)