મુંબઈ: કોલ્હાપુરથી મુંબઈ આવતી મહાલક્ષ્મી એક્સપ્રેસના એક કોચમાંથી આજે સવારે અચાનક ધુમાડો નીકળતાં ટ્રેનમાં સવાર મુસાફરોમાં થોડા સમય માટે ખળભળાટ મચી ગયો હતો. રાયગઢ જિલ્લામાં મુંબઈથી આશરે 90 કિલોમીટર દૂર કર્જત નજીક આવેલા મંકી હિલ સેક્શનમાં આ ઘટના બની હતી. એક કોચમાંથી ધુમાડો નીકળતો દેખાતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ જીઆરપીના અધિકારીઓ સહિત રેલવે તંત્ર તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું.
પોલીસ અને રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ધુમાડો સંભવતઃ શોર્ટ સર્કિટના કારણે નીકળ્યો હોવાની પ્રાથમિક આશંકા છે. ધુમાડો દેખાયા બાદ રેલવે અધિકારીઓએ અસરગ્રસ્ત કોચની તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. સાવચેતીના ભાગરૂપે ટ્રેનને રોકવામાં આવી હતી અને કોચની સંપૂર્ણ તપાસ કર્યા બાદ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે નસીબજોગે આ ઘટનામાં કોઈ મુસાફર કે રેલવે કર્મચારીને ઈજા થઈ નથી અને કોઈ જાનહાનિ પણ નોંધાઈ નથી.
આ બાબતે કર્જત જીઆરપીના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર કિરણ માટકરે માહિતી આપતા કહ્યું હતું કે, ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મહાલક્ષ્મી એક્સપ્રેસ મંગળવારે સવારે આશરે 5.30 વાગ્યે કર્જત સ્ટેશન પરથી પસાર થવાની હતી. જોકે, મંકી હિલ સેક્શન પાસે એક કોચમાં ધુમાડો જોવા મળતાં ટ્રેનના સંચાલનમાં વિલંબ થયો હતો.
અસરગ્રસ્ત કોચની તપાસ અને અધિકારીઓ દ્વારા જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ટ્રેનને આગળની મુસાફરી માટે રવાના કરવામાં આવી હતી. ત્યારબાદ મહાલક્ષ્મી એક્સપ્રેસ લગભગ પોણો કલાક મોડી આશરે 6.15 વાગ્યે કર્જત સ્ટેશનેથી મુંબઈ આવવા રવાના કરાઈ હતી.
આ ઘટનાને કારણે ટ્રેનમાં થોડા સમય માટે ચિંતા અને ગભરાટનો માહોલ સર્જાયો હતો, રેલવે તંત્રની તાત્કાલિક કાર્યવાહી બાદ પરિસ્થિતિ કાબૂમાં આવી હતી અને ટ્રેનને આગળની મુસાફરી માટે રવાના કરવામાં આવી હતી. શોર્ટ સર્કિટના કારણે જ ધુમાડો નીકળ્યો હતો કે અન્ય કોઈ કારણ હતું તે અંગેની વધુ તપાસ કરવામાં આવી રહી છે.
અગાઉ ઓડિશાના બાલાસોર જિલ્લામાં પણ બની હતી. રવિવારે રાત્રે હાવડાથી પુરી જઈ રહેલી ધૌલી એક્સપ્રેસના એક કોચમાંથી પણ ધુમાડો નીકળ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રે આશરે 10.45 વાગ્યે મારકોના રેલવે સ્ટેશન પર ટ્રેનના SLRD (સીટિંગ-કમ-લગેજ રેક) કોચમાંથી ધુમાડો જોવા મળ્યો હતો. ધુમાડો દેખાયા બાદ અસરગ્રસ્ત કોચને ટ્રેનથી અલગ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ટ્રેનને સ્ટેશન પરથી આગળની મુસાફરી માટે રવાના કરવામાં આવી હતી.
ઈસ્ટ કોસ્ટ રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું હતું કે આ ઘટનામાં કોઈ મુસાફર અથવા રેલવે કર્મચારીને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. ધુમાડો કયા કારણોસર નીકળ્યો તે જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. મહાલક્ષ્મી એક્સપ્રેસ અને ધૌલી એક્સપ્રેસની બંને ઘટનાઓમાં સમયસર કાર્યવાહી થતાં મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ વારંવાર ટ્રેનમાંથી નીકળતા ધુમાડાઓ પ્રવાસીઓ માટે ચિંતાનો વિષય બન્યા છે.