Sun Jul 26 2026

Logo

ફિફા વર્લ્ડ કપના ફૂટબોલરનો આ ગંભીર ગુનો પોલીસે રસ્તા પર પકડી પાડ્યો!

Sydney   2026-07-25 17:28:40
Author: Ajay Motiwala
Article Image

AP Photo/Minh Connors)


સિડનીઃ સામાન્ય રીતે કોઈ ખેલાડી કે ઍથ્લીટે કેફી દૃવ્ય લીધું હોવાનું વર્લ્ડ ઍન્ટિ ડોપિંગ એજન્સી (વાડા)ની લૅબોરેટરીમાં પુરવાર થતું હોય છે, પરંતુ ઑસ્ટ્રેલિયાના ફૂટબૉલ ખેલાડી ક્રિસ્ટિયન વૉલ્પાટોનું ભોપાળું સિડનીના એક રસ્તા પરની ડ્રગ્સ-ટેસ્ટમાં બહાર આવ્યું હોવાનું મનાય છે.

વૉલ્પાટો તાજેતરના ફિફા વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયાનો વૉલ્પાટો (Volpato) ત્રણ મૅચ રમ્યો હતો. તે મિડફીલ્ડર છે અને વિશ્વ કપમાં ઑસ્ટ્રેલિયાની બે લીગ તથા એક નૉકઆઉટ, એમ ત્રણેય મૅચમાં રમ્યો હતો.

વાત એવી છે કે ગુરુવારે રાત્રે બાવીસ વર્ષીય વૉલ્પાટોએ ડ્રાઇવિંગ દરમ્યાન બે વખત સ્પીડને લગતા કાનૂનનો ભંગ (Violation) કર્યો હતો અને બીજા ઉલ્લંઘન વખતે પોલીસે તેનું કથિત ડ્રગ્સ-કાંડ પકડી પાડયું હતું. તેણે કોકેઇન (Cocaine) લીધું હોવાનું મનાય છે. તે વર્લ્ડ કપમાં પણ કે અગાઉ કોઈ મૅચમાં નશીલા પદાર્થોના સેવન પછી રમ્યો હતો કે નહીં એની તપાસ થઈ શકે.

વૉલ્પાટો ગુરુવારે રાત્રે વધુ પડતી ઝડપે સિડનીના ઍન્ઝેક બ્રિજ પર બીએમડબ્લ્યૂ કાર ચલાવી રહ્યો હતો. એ રાત્રે 11.05 વાગ્યે તેને પોલીસે રોક્યો હતો. એ પુલ પરના સ્પીડ ઝોનમાં કલાકે વધુમાં વધુ 60 કિલોમીટરની ઝડપે કાર ચલાવવાની છૂટ છે, પરંતુ વૉલ્પાટો કલાકે 86થી 94 કિલોમીટર વચ્ચેની ઝડપે કાર ચલાવી રહ્યો હતો. પોલીસે તેને રોકીને ડ્રગ્સ-ટેસ્ટ લીધી હતી જેમાં તેનો નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો. જોકે મધરાત બાદ 1.10 વાગ્યે પોલીસે એ જ વિસ્તારમાં તેને ફરી વધુ પડતી ઝડપે કાર ચલાવતો પકડ્યો હતો. ત્યારે તે સ્પીડ ઝોનમાં કલાકે 109 કિલોમીટરની ઝડપે કાર ચલાવતો પકડાયો હતો. પોલીસે ત્યારે પણ તેની ડ્રગ્સ-ટેસ્ટ લીધી હતી જેમાં તેનો પૉઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. એમાં તેણે કોકેઇન લીધું હોવાનું મનાય છે.