નવી દિલ્હી: કેન્દ્રીય રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો એડિશનલ ચાર્જ સોંપવામાં આવ્યો હોવાની માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી છે. પ્રહલાદ જોશીને ધર્મેન્દ્ર પ્રધાનના સ્થાને હવે દેશના શિક્ષણ મંત્રાલયની તમામ જવાબદારીઓ અને કામકાજ સંભાળશે, એવી માહિતી સામે આવી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભલામણ બાદ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સત્તાવાર રીતે સ્વીકારી લીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે બપોરે જ ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
શિક્ષણ મંત્રાલય કોણ સંભાળશે? સસ્પેન્સનો આવ્યો અંત
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશભરમાં એ વાતને લઈને ભારે ઉત્સુકતા અને ચર્ચા જાગી હતી કે હવે દેશના મહત્વપૂર્ણ એવા શિક્ષણ મંત્રાલયની કમાન કોના હાથમાં સોંપવામાં આવશે. પરંતુ કેન્દ્ર સરકારે તમામ અટકળોનો અંત આણીને આ મહત્વપૂર્ણ અને મોટી જવાબદારી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને સોંપવાનો નિર્ણય કર્યો છે.
પ્રહલાદ જોશી પાસે વર્તમાનમાં છે આ જવાબદારીઓ
પ્રહલાદ જોશી મોદી સરકારના અનુભવી અને સિનિયર મંત્રીઓમાંથી એક છે. વર્તમાનમાં તેમની પાસે ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલયની મહત્વની જવાબદારી છે. હવે આ હાલના મંત્રાલયની સાથે સાથે તેઓ દેશના શિક્ષણ મંત્રી તરીકેનો વધારાનો કાર્યભાળ પણ સંભાળશે.