ભાવનગરઃ ગુજરાતમાં દારૂબંધી માત્ર કહેવા પૂરતી જ છે. ગમે તે બ્રાન્ડનો દારૂ માંગો ત્યાં મળી રહે છે. જોકે જ્યારે લઠ્ઠાકાંડ જેવી ઘટના સર્જાય ત્યારે ફરી દારૂબંધી પર સવાલ ઉઠે છે. ભાવનગરમાં લઠ્ઠાકાંડથી 7 લોકોનાં મોત થયા છે. આ દરમિયાન ભાવનગરમાં લઠ્ઠો બનાવતાં શીખવાડનારો પણ ગુજરી ગયો, MPથી 7 બુટલેગરની ગેંગ દારૂ બનાવતાં શીખવાડવા આવી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.
યુરિન સેમ્પલમાં શું આવ્યું સામે
ભાવનગર લઠ્ઠાકાંડથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે અને ગૃહ વિભાગે સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી દીધી છે. મૃત્યુ આંક હજુ પણ વધે તેવી આશંકા સેવાઈ રહી છે. બુટલેગરોએ બ્રાન્ડેડ રોયલ સ્ટેગ દારૂની ખાલી બોટલો, ઢાંકણા અને સ્ટીકરો મેળવી તેમાં મિથેનોલ મિશ્રિત ઝેરી પ્રવાહી ભર્યું હતું. એફએસએલ અને મેડિકલ તપાસમાં સામે આવ્યું છે કે, ઝેરી અસર પામેલા 10 દર્દીઓના લોહી અને યુરિન સેમ્પલમાં 38.59% જેટલું ઘાતક મિથેનોલ મળી આવ્યું છે. સામાન્ય આલ્કોહોલમાં રહેતું ઇથેનોલ માત્ર 0.94% જ હતું.
પોલીસકર્મીએ જ પાર્ટી આપી હતી
સમગ્ર ઘટનાની જાણકારી પોલીસ કર્મચારી દ્વારા અપાયેલી એક પાર્ટીથી બહાર આવી હતી. 18 ઓગસ્ટના રોજ ભાવનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોને એલ.સી.બી. દ્વારા તાકીદ કરાઈ હતી. ખરકડી ગામે રહેતા વિજયરાજસિંહ ગોહિલ પોલીસ ભરતીમાં સિલેક્ટ થતાં પોતાના મિત્રો ઉપેન્દ્રસિંહ ગંભીરસિંહ ગોહિલ, હરપાલસિંહ પ્રદીપસિંહ ગોહિલ અને જયદીપસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલને પાર્ટી આપી હતી. જયદીપસિંહ સિવાયના ત્રણ મિત્રોએ રોયલ સ્ટેગ દારૂ પીધો હતો. જેમાં 18 ઓગસ્ટના રોજ ઉપેન્દ્રસિંહનું મોત નીપજ્યું હતું.
આ આખું રેકેટ આર્થિક લાભ મેળવવા માટે સિન્ડિકેટ રચીને ચલાવવામાં આવતું હતું. વરતેજના નવા પ્લોટ વિસ્તારની આંબલીવાળી શેરીમાં રહેતા બુટલેગર ગૌતમ સોલંકી અને રઈસ વચ્ચે ભાવનગરમાં દારૂ બનાવવાની ડીલ થઈ હતી. અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી સફેદ લિક્વિડ, ખાલી બોટલ, ઢાંકણા, સ્ટીકર અને મિથેનોલ મંગાવવામાં આવ્યા હતા. કેમિકલનું મિશ્રણ તૈયાર કરવા માટે ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ ઉર્ફે ડોક્ટર નામના વ્યક્તિને બોલાવ્યો હતો. ચોંકાવનારી બાબત એ છે કે કેમિકલ મિક્સ કરનાર નરેન્દ્રસિંહે પોતે પણ આ ઝેરી દારૂ પીધો હતો, જેના કારણે 17 ઓગસ્ટે તેની તબિયત લથડી અને 18 ઓગસ્ટે તેનું પણ મોત નીપજ્યું હતું.
5 પોલીસકર્મી સસ્પેન્ડ
ભાવનગર જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય દ્વારા ફરજમાં બેદરકારી દાખવનારા 5 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરવામાં આવેલા કર્મચારીઓમાં વરતેજ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ પ્રકાશસિંહ, ડી-સ્ટાફ હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ જયવંતસિંહ ડાયમાં, ડી-સ્ટાફ પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ હરુભા સરવૈયા અને બીટ જમાદાર એએસઆઈ ધર્મપાલસિંહ બહાદુરસિંહ ગોહિલનો સમાવેશ થાય છે .