માવજી મહેશ્વરી
સનત થોડી ક્ષણોમાં પલટાઈ ગયેલી પરિસ્થિતિ પર વિચાર કરતો ઊભો રહ્યો. બોલેરો જીપ અને આવેલી કાર તેને રોડ ઉપર એકલો મૂકીને પશ્ચિમ દિશા તરફ ભાગી નીકળી. સનતને ખ્યાલ આવ્યો કે કાર ભગાવી જનાર સોનલ જ હતી. મતલબ કારમાં બે જણ હતા. કારમાંથી ઊતરેલો કદાવર માણસ અને સોનલ, પણ એ માણસ તો અહીં સોનલની બેગ માટે આવ્યો હતો. એના માટે સોનલ અગત્યની હતી કે એની બેગ? જે રીતે એ ભાગ્યો એ પ્રમાણે તો એના માટે સોનલ અગત્યની હતી. એ હવે બેગ માટે ફરી અહીં આવશે કે સોનલનો પીછો કરશે? એના હોઠ ઉપર સ્મિત આવ્યું અને વિલાઈ ગયું. અચાનક જ એને યાદ આવ્યું કે પોતે અહીં શું કરશે?
રસ્તાના ખાડાની પરવા કર્યા વગર બોલેરો ભાગતી હતી. એમની બોલેરો રવાના થઈ ત્યાં સુધીમાં સોનલ જે કાર લઈને ભાગી એ ખાસ્સી આગળ નીકળી ગઈ હતી, ‘અબે, મૂર્ખ જલદી ચલા વરના તેરી મા હાથ નહીં આયેગી.’
સલીમને ખબર હતી કે જો આગળ ભાગતી કારને પોતે આંબશે નહીં તો આજે આવી બનશે. આ જલ્લાદ જેવો ભેરુજી ગાળો જ નહીં દે, મારશેય ખરો. તેણે પૂરું એક્સિલેટર દાબી નાખ્યું તે છતાં આગળ ભાગતી કાર અને પોતાની બોલેરો વચ્ચ પ્રતિ સેકન્ડે અંતર વધતું જતું હતું. તે જાણતો હતો કે આગળ જતી ગાડી નવી છે. પેલી છોરી કોઈ ભૂલ કરશે તો જ તેને આંબી શકાશે. આ ભેરુજીય સાલ્લો ચૂપ મરતો નથી. જાણે કોઈ કાર રેલીમાં ભાગ લીધો હોય તેમ આગળ પવનવેગે કાર ભાગતી હતી.
અંદર બેઠેલા ભેરુજીનું મગજ ફાટ ફાટ થતું હતું. ‘અરે તું ડ્રાઈવર છો કે કંદોઈ?’ ફરી ભેરુજી બરાડ્યો. તે જ વખતે એક જંગલી જાનવર રસ્તા વચ્ચે આવી ગયું. સલીમ સ્ટીયરિંગને ઝાટકો આપી ગાડીને સાઈડમાં લઈ ગયો. રોડની ધાર સાથે ટાયર ઘસાયા. નમી ગયેલી ગાડી ભયાવહ ઝાટકા સાથે સીધી થઈ ફરી દોડવા લાગી. તે સાથે જ ભેરુજીનો પિત્તો ગયો, ‘તેરી તો.... સલીમ આજે તું ચોક્કસ મરવાનો. એક તો પેલા લલ્લુ ઈજનેર સામે હાર માની લીધી. હવે આ સાલ્લી હાથમાંથી નીકળતી જાય છે. તું ઝડપ કર સલીમ.’ ‘હજુ કેટલી ઝડપ કરું શેઠ. તમારી એ ગાડી નવી છે.’ કંટાળેલા સલીમે કહીં નાખ્યું.
ભેરુજીએ દાંત ભીંસ્યા. તે જાણતો હતો કે સલીમની વાત સાચી છે. તેણે સામે તાકી રહેતાં કહ્યું, ‘આમાં ડીઝલ તો છે ને? હવે એવું કહેતો નહીં કે શેઠ ડીઝલ આપણું ખલ્લાસ થઈ ગયું અને કારની ટાંકી ફૂલ છે, પણ એ સાલ્લી ભાગી ભાગીને કેટલું ભાગશે? એ કમિની હાથમાં આવે તો એની રીબીન તો હું આજે કાપીશ. એકવાર એને પિસ્તોલની રેન્જમાં લે ચારેય ટાયર ઉડાવી દઉં.’
સલીમ સમજી ગયો કે ભેરુજી ઘવાયો છે. એક છોકરી તેની ગાડી લઈને ભાગી તે વાત ભેરુજીને પચી નથી. તેને એ પણ ખબર હતી કે પોતે ગમે તેટલી દોડાવશે પેલી ગાડીને ઓવરટેક નહીં કરી શકે. જે ઝડપે ભાગે છે તે હિસાબે એ છોકરી કાર ચલાવવામાં માહેર હશે. તે ભેરુજીને વધારે ઉશ્કેરવા માગતો ન હતો. આગળ જતાં નાની એવી ફેકટરી જેવું દેખાયું. ફેક્ટરીની બરાબર નજીક પહોંચતાં જ એક ટ્રક રીવર્સમાં રોડ પર આવી. સલીમને ન છૂટકે બ્રેક મારવી પડી. ટાયરની ચિચિયારી સાંભળી રોડની જમણી બાજુ ચાની કેન્ટીન પર બેઠેલા ત્રણેક જણ એકદમ ઊભા થઈ ગયા.
ભેરુજીએ ટ્રક ડ્રાઇવર તરફ જોઈ એક ગાળ ફેંકી. સલીમ સમજી ગયો આજે ભેરુજીનું ઠેકાણે નથી. તેને કારની લાલ બત્તી દેખાતી બંધ થઈ ગઈ. સલીમે ગીયર બદલીને એકદમ લીવર આપ્યું. આંચકા સાથે ઉપડેલી બોલેરો દોડવા લાગી. ચારેક કિલોમીટર આગળ ગયા પછી ત્રીભેટો આવ્યો. સલીમે મૂંઝાઈને કહ્યું, ‘શેઠ કીધર લું?’
ભેરુજીના કપાળમાં સળ પડ્યા. તેણે આગળ દેખાતા ઉજાસ તરફ હાથ લાંબો કરતાં કહ્યું, ‘સીધી લઈ લે, એ સીધી જ ગઈ હશે.’ બાવળની ઝાડીથી ઘેરાયેલા રોડ પરના ગામના પાદરમાં સુનકાર પડ્યો હતો. એક ટાયર પંક્ચરવાળો તેની કૅબિનની બહાર બીડી પીતો બેઠો હતો. સલીમે એટલી ઝડપે ગાડી તેની તરફ વાળી કે તે ગભરાઈને ઊભો થઈ ગયો. ભેરુજીએ ડોકું બહાર કાઢતાં કહ્યું, ‘અરે સાંભળો હમણા એક નવી કાર અહીંથી પસાર થઈ ખરી?’
ગભરાયેલા પંક્ચરવાળાએ બે ડગલાં પાછળ હટીને કહ્યું, ‘હા સાહેબ એક ગાડી અહીંથી નીકળી તો ખરી પણ તેની રફ્તાર એટલી તેજ હતી કે હું કંઈ જોઈ ન શક્યો.’
‘સલીમ જલદી કર મારો અંદાજ સાચો છે. એ પેલી જ હશે.’ કહીને ભેરુજીએ આમતેમ જોયું. સલીમે ફરી પવનવેગે બોલેરોને દોડાવી. રાતના સન્નાટાને ચીરતી તેમની બોલેરો દોડતી રહી પણ ક્યાંય એ કાર ન દેખાઈ જેની પાછળ ભેરુજીએ જીભ લબકારતો કોબ્રા ચિતરાવ્યો હતો. ભેરુજીએ ઘવાયેલા અવાજે કહ્યું, ‘સલીમ એવું કરજે. આગળ ચાર રસ્તા આવશે. તું ડાબી તરફ વાળી લેજે.’ સલીમને ન સમજાયું કે ભેરુજી અચાનક ઢીલો શા માટે થઈ ગયો. તે ભેરુજીનો વિશ્વાસુ ડ્રાઈવર હતો.
ભેરુજી જયપુરમાં રહેતો હતો. આમ તો તે જમીનોની લે-વેચનો ધંધો કરતો હતો. પણ સલીમને ખબર હતી કે ભેરુજીના અસલી ધંધા શું છે, તે સલીમ જાણતો હતો. સલીમને એ પણ ખબર હતી કે જયપુરના મોટા ગજાના એક રાજકારણી સાથે ભેરુજીને ગાઢ મિત્રતા છે. જેને ભેરુજી ભાઈ કહીને બોલાવતો. બે દિવસ પહેલા ફાર્મ ઉપર રાત્રે ભેરુજીએ સલીમને ઊંઘમાંથી ઉઠાડ્યો હતો. ત્યારે સલીમને ખબર પડી કે સૂરતનો કોઈ શેઠિયો આવ્યો છે અને ભાઈ પણ સાથે છે.
જરા ભરાયેલા શરીરવાળો સવા છ ફૂટ ઊંચો ભેરુજી હરિયાણવી લિબાશ પહેરતો. તેની મૂછના થોભિયાને કારણે તે સીતેરના દાયકાની હિન્દી ફિલ્મોના ડાકુ જેવો લાગતો. મૂડમાં હોય ત્યારે રાજસ્થાની ભજન પણ લલકારતો. પણ ભેરુજીનો ગુસ્સો તેના નાક ઉપર જ રહેતો. તે પોતાની હાર જરાય પચાવી શકતો નહીં. કોઈ કામ સમય પર ન થાય તો તરત ઉશેકેરાઈ જતો. ભેરુજી ઢીલો કેમ થઈ ગયો તે સલીમને સમજાયું નહીં.
સલીમને બપોરે જ દિલ્હી બોલાવી લેવામાં આવ્યો હતો. સાંજે તેને સૂચનાઓ મળી તે પ્રમાણે હૉટેલ સિલ્વર લાઈનમાંથી સનતને લઈને ભિવાનીથી આગળ રાજસ્થાનની હદમાં આવેલા ફાર્મ હાઉસ પર આવવાનું હતું, પણ અચાનક ભેરુજીના બધા પ્લાન ચોપટ થઈ ગયા. સલીમે ગાળો ખાવાની મનોમન તૈયારી રાખી હતી. તેણે ભેરુજી સામે જોયું. ભેરુજીના મોં ઉપર ન સમજાય તેવા ભાવો હતાં. સલીમે ગાડીની સ્પીડ વધારી. ભેરુજીએ કોઈકને ફોન જોડ્યો. ગાડી દક્ષિણ દિશામાં જતી હતી. પાંચેક કિલોમીટર પર ડાબી બાજુ એક રસ્તો ફૂટ્યો. ભેરુજીએ હાથના ઈશારાથી સલીમને વાળી લેવાનું કહ્યું.
સલીમે ડાબી બાજુ વાળી. ભેરુજીએ ફોનમાં કોઈને કહ્યું, ‘ચારે ગાડીઓ કામે લગાડી દો. સવાર સુધી મને એ જોઈએ.’
* * *
ત્રીભેટા ઉપર એકલા રહી ગયેલા સનતને થોડીવાર તો પોતાની સ્થિતિ સમજાઈ જ નહીં. તેને ઘડીભર છૂટ્યાનો આનંદ થયો. પણ માર માર ભાગતી ગાડીઓનો અવાજ બંધ થયા પછી ખ્યાલ આવ્યો કે પોતે ક્યાં ઊભો છે અને હવે કરવું શું? જો કદાચ પોલીસ પસાર થઈ તો આવી બનશે. હવે પોતાની પાસે હથિયાર છે, જેનું લાઇસન્સ પણ નથી. સોનલની બેગ પોતાની પાસે હતી તે વાત પેલો જડભરત ભૂલી ગયો કે પછી બેગ કરતાંય સોનલ અગત્યની છે એના માટે? અવઢવમાં ઘેરાઈ ગયેલા સનતને બેગ યાદ આવી. તેણે કાન માંડ્યા.
રાતના સન્નાટા સિવાય કશું સંભળાયું નહીં. આવી જગ્યાએ રાત કેમ પસાર થશે? એના કરતાં રસ્તા ઉપર ઊભો રહું, દિલ્હી તરફ જતું કોઈ વાહન મળે તો બેસી જાઉં. પણ તરત બીજો વિચાર આવ્યો. જો પોતે અહીંથી ચાલ્યો જાય અને સોનલ અહીં આવે તો? અંધારામાં તેણે ખિસ્સામાં રાખેલી પિસ્ટલ બહાર કાઢી. હથેળીમાં પરસેવો વળી આવ્યો. તેને થયું આમાં ગોળીઓ છે કે નહીં તે કેમ જોવું? સનતના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. તેણે ઝડપથી પિસ્ટલ બાજુમાં મૂકી દીધી.
કદાચ રાતે આનો ઉપયોગ કરવાની જરૂર પડે. અવાવરું ઓરડીમાં બેઠેલા સનતને વાહન પસાર થતું અને ફડક જાગતી કે સલીમ આવ્યો કે શું? ધબકારા વધી જતા. હાથ પિસ્ટલ ઉપર મુકાઈ જતો. સનતને એકાએક જ યાદ આવ્યું કે સોનલ પાસે તેનો મોબાઈલ ફોન છે કે નહીં તેની ખાતરી તો કરી જ લેવી જોઈએ. કદાચ વાત થઈ જાય તો એને કહી શકાય કે હું ત્યાં જ છું. તેણે ઝટપટ ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢ્યો અને આમતેમ જોઈ સોનલનો નંબર ડાયલ કર્યો.
તેણે જે ધાર્યું હતું તેવું જ થયું. સોનલના સેલમાંથી સીમ કાઢી નાખવામાં આવ્યો હોય તેવો ટોન સંભળાયો. તે સાથે બીજો ભયજનક વિચાર આવી ગયો. ખલીના ભાઈ જેવા પેલા કદાવર માણસ પાસે તો મારાય નંબર આવી ગયા છે. કદાચ સલીમ પાસે પણ હશે. સોનલ એ લોકોના હાથમાં નહીં આવે તો જરૂર એ લોકો મારા નંબર પર સંપર્ક કરશે અને મારો ફોન ચાલુ હશે તો હું એમના હાથમાં આવી જઈશ. બધી બાજી બગડી જશે. તેમાંય જ્યારે સલીમ પોતાના થેલામાં પિસ્ટલ નહીં જુવે તો જરૂર અહીં આવશે.
આ વખતે તે એકલો નહીં હોય. તેની સાથે ખૂનખાર માણસો હશે. મને તો પિસ્ટલ ચલાવતાંય નથી આવડતી. તેઓ મારા ઉપર તૂટી પડશે. એકાદ જણ ગોળી છોડશે. હવામાં ફાયરિંગનો ગુંજતો અવાજ પણ હું નહીં સાંભળી શકું. પછી આ અજાણી જગ્યાએ પોતાની લાશ પડી હશે જ્યાં સુધી કોઈનું ધ્યાન નહીં જાય. ભાવુકતામાં લીધેલો નિર્ણય જીવલેણ સાબિત થશે, પણ હવે મેદાન છોડીને ભાગી છૂટવાને બદલે દીમાગથી કામ શા માટે ન લેવું?
સનતે સલુકાઈથી સેલફોન ખોલ્યો. સીમ કાઢી સાચવીને વોલેટમાં મૂક્યું. જાણે નચિંત થઈ ગયો. હવે કોઈનો ફોન નહીં આવે, સોનલ પણ ટ્રાય કરશે તો નિરાશ થશે. સનત અંધકારમાં તાકતો બેસી રહ્યો. રાત કાચબાની ગતિથી આગળ વધતી હતી. પ્રતિપળે આજુબાજુ થતા સંચારથી છળી ઊઠતો. જો સાપ કે વિંછી જેવું કોઈ ઝેરી જંતુ કરડી જશે તો? સનતને જાત જાતના વિચાર આવતા રહ્યા. તે ઉચાટથી ઘેરાયેલો રહ્યો. અરધી રાત વિત્યા પછી અચાનક ભયંકર ભૂખ લાગી. તેની પાસે પાણીય નહોતું. ભૂખ-તરસથી થાકેલું શરીર ઊંઘમાં સરી પડતું હતું અને ભય ઊંઘને નજીક આવવા દેતો ન હતો.
આખી રાત ઊભડક જીવે પસાર કર્યા પછી પણ સનતે વિચારેલું હતું એવું કંઈ બન્યું નહીં. ન તો એને શોધવા માટે પેલો ડ્રાઈવર સલીમ આવ્યો, ન પેલો કદાવર માણસ આવ્યો કે ન સોનલ આવી. મળસ્કે રસ્તા પરથી ટેમ્પો અને ઑટો રીક્ષા જેવાં નાનાં વાહનો પસાર થવાં લાગ્યાં. સનત સમજ્યો કે તે કોઈ ગ્રામીણ વિસ્તારમાં છે. આ વાહનો કદાચ શાકભાજી કે એવો કોઈ માલ લઈને શહેર બાજુ જઈ રહ્યા હશે. તેનું શરીર તૂટતું હતું છતાં તેનામાં હિંમત આવતી જતી હતી. હવે એકાદ કલાકમાં અજવાળું થવાનું હતું. આખી રાત બાજુમાં પડેલી પિસ્ટલને તેણે સંભાળીને બેગના તળિયે મૂકી દીધી. તે ઊભડક બેસી રસ્તાને જોઈ રહ્યો. તેને થયું આ ચાર રસ્તા ક્યાં ક્યાં જતા હશે? (ક્રમશ:)