Tue Sep 01 2026

Logo

આ તો કેવી નફ્ફટાઈનો દરિયો...

2026-08-20 12:33:00
Author: Neela Sanghvi
આ તો કેવી નફ્ફટાઈનો દરિયો...

નીલા સંઘવી

આજ સુધી એવી માન્યતા અને વાસ્તવિકતા પણ હતી કે દીકરા કરતાં  દીકરીને માતા- પિતા માટે વધુ વહાલ હોય. માતા-પિતાને પણ દીકરી વધારે વહાલી હોય. દીકરો પરણ્યા પછી ક્યારેક મા-બાપને તરછોડે, પણ દીકરી તો ‘વહાલનો દરિયો’. એ કદાપિ એવું ન જ કરે, પણ આજે સમય પરિવર્તનશીલ છે, સમય સાથે ઘણું બધું બદલાય છે.     
    
તાજેતરમાં જ આવો એક બનાવ બન્યો જેની સોશ્યલ મીડિયામાં ભારે ચર્ચા છે. જે આ વાત જાણ નથી તેમના માટે આ અતિશય દુખદ ઘટના રજૂ કરવી છે.

એક વ્યક્તિનું તાજેતરમાં અવસાન થયું. એ વ્યક્તિને આપણે રામપ્રસાદ કહીશું. રામપ્રસાદનું અવસાન એક વૃદ્ધાશ્રમમાં સાવ અકિંચન અવસ્થામાં થયું. એક જમાનાના આ  પ્રતિષ્ઠિત વેપારીનું અવસાન થયું ત્યારે તેમની આસપાસ વૃદ્ધાશ્રમના સાત-આઠ લોકો જ હતા. એક સમયના કાપડના મોટા વેપારી, જેની ગણતરી એલિટ વર્ગમાં થતી હતી તેવા રામપ્રસાદ તેમની પત્ની અને ત્રણ પુત્રી સાથે મુંબઈમાં આરામદાયક જિંદગી વિતાવતા હતા. આલીશાન ઘર હતું. દીકરીઓને લાડકોડથી ઉછેરી, સારું શિક્ષણ આપ્યું. ત્રણે દીકરીઓ ઉચ્ચ શિક્ષિત છે. ત્રણેય દીકરીને બહુ જ ધામધૂમથી સમૃદ્ધ ઘર-પરિવારમાં પરણાવી. બે દીકરી તો શિક્ષક છે.

આવા સમૃદ્ધ પરિવારના રામપ્રસાદના જીવનનું ચક્ર એવું ફર્યું કે રામપ્રસાદનો ધંધો-વ્યવસાય સાવ ઠપ્પ થઈ ગયો. ઉધારી પરત આવી નહીં હોય કે ગમે તે કારણસર રામપ્રસાદની હાલત સાવ કંગાળ થઈ ગઈ. રહેવા માટે ઘર પણ ન રહ્યું. આવી સ્થિતિમાં આ વૃદ્ધ માતા-પિતા શું કરે? તેમની ત્રણ દીકરીઓમાંથી એક મુંબઈ, બીજી યુપી અને ત્રીજી નેપાળ-કાઠમંડુ રહેતી હતી. બેઘર થઈ જવાના કારણે આ વૃદ્ધ દંપતી મુંબઈની દીકરીના ઘેર રહેવા ગયું. થોડો સમય આ રીતે રહ્યા પછી  કોણ જાણે કેમ તેમને ત્યાં પોતે આશ્રિત હોવાનો એહસાસ થતો હતો. 

કદાચ તેમનું સ્વાભિમાન જળવાતું નહીં હોય કે કોઈ પણ કારણસર પતિ-પત્ની દીકરીનું ઘર છોડી દે છે અને દિલ્હીમાં રામપ્રસાદના એક મિત્રને ત્યાં જાય છે અને પોતાની કથની જણાવે છે. મિત્ર વૃદ્ધાશ્રમ જવાનું કહે છે, પણ વૃદ્ધાશ્રમમાં રહેવાના પૈસા મિત્ર દંપતી પાસે ન હતા. તેથી તેમના મિત્રે તપાસ કરીને તેમને સોનીપત મોકલી આપ્યા જ્યાં વૃદ્ધોને એક પૈસો પણ લીધા વિના રાખવામાં આવે છે.

એ પછી અકિંચન વૃદ્ધ દંપતી પડતું-આખડતું સોનીપત પહોંચ્યું. વૃદ્ધાશ્રમના સંચાલક બહુ જ દયાળુ છે. તેમણે રામપ્રસાદની વાત સાંભળીને આશ્વાસન આપ્યું, ‘ભલે જે હોય તે. તમે બંને અહીં ખુશીથી, શાંતિથી રહી શકો છો. ભગવાને અમને તમારા જેવા બેસહારા વૃદ્ધોની સેવા કરવા માટે જ બેસાડ્યા છે.’ વૃદ્ધ દંપતી સોનીપત વૃદ્ધાશ્રમમાં રહેવા લાગ્યું. એક પણ પૈસાનો ખર્ચ ન હતો તેથી કોઈ ચિંતા ન હતી. ખાવા-પીવા-દવા વગેરે સમયસર મળી રહેતું હતું. આમને આમ બે-અઢી વર્ષ થયાં હશે ત્યાં રામપ્રસાદની પત્નીની તબિયત બગડી. વૃદ્ધાશ્રમના ડૉક્ટરે હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવાની સલાહ આપી. 

રામપ્રસાદે પોતાની ત્રણેય દીકરીઓને ફોન કરીને માની નાદુરસ્ત તબિયત અને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવાના છે તે વિશે જાણ કરીને કહ્યું, ‘જો તમે લોકો આવી જાવ તો તમારી માનો વ્યવસ્થિત ઉપચાર થઈ શકે, ડૉક્ટર સાથે વાત થઈ શકે’ પણ આ ત્રણેય નગુણી દીકરીએ ‘અમારી પાસે સમય નથી, તમે જ જોઈ લો’ કહીને આવવાનો ઇનકાર કરી દીધો. 

રામપ્રસાદનાં પત્નીએ હૉસ્પિટલને બદલે વૃદ્ધાશ્રમમાં રહેવાની જીદ પકડી તેથી તેમને પરત વૃદ્ધાશ્રમમાં લઈ આવ્યા. વૃદ્ધાશ્રમમાં તેમની તબિયત લથડતી જતી હતી તેથી વૃદ્ધાશ્રમના સંચાલકે દીકરીઓને ફોન કરીને હકીકત જણાવી, પણ દીકરીઓએ ‘સમય નથી. તમે જ જોઈ લો’ કહીને આવવાનો ઇનકાર કરી દીધો. થોડા જ સમયમાં રામપ્રસાદનાં પત્નીનું અવસાન થયું. 

રામપ્રસાદે દીકરીઓને ફોન કર્યો, ‘તમારી મા નથી રહી, હવે તેમના અંતિમ સંસ્કાર કરવા આવી જાવ. છેલ્લાં દર્શન કરી લો તમારી માના.’ પણ નિષ્ઠુર દીકરીઓએ ‘સમય નથી, તમે જ બધું પતાવી દો.’ કહીને હાથ ખંખેરી નાખ્યા. રામપ્રસાદે પોતે વૃદ્ધાશ્રમમાં લોકોની મદદથી આંખમાં આંસુ સાથે પોતાની પત્નીના અગ્નિસંસ્કાર કયા. રામપ્રસાદને બહુ દુ:ખ થયું. પત્નીએ તેમને જીવનભર પોતાના સુખ-દુખમાં સાથ આપ્યો હતો. વૃદ્ધાશ્રમના એ રૂમની દીવાલોમાં પત્નીની યાદ તેમને સતાવતી હતી તેથી તેઓ સોનીપતમાં આવેલા બીજા વૃદ્ધાશ્રમમાં ચાલી ગયા. 

થોડો વખત બધું ઠીક ચાલ્યું પછી રામપ્રસાદની તબિયત બગડી. વૃદ્ધાશ્રમના વ્યવસ્થાપકે દીકરીઓને ફોન કર્યા. આ વખતે પણ દીકરીઓનો જવાબ હતો, ‘તમે દવા કરાવો, સારું થઈ જશે. અમને આવવાનો સમય નથી. રજા મળે એમ નથી.’ રામપ્રસાદને બહુ ખરાબ લાગ્યું. જે દીકરીઓને આંગળી પકડીને ચાલતા શીખવ્યું, જેમની એકે એક ફરમાઇશ પૂરી કરી, રાજકુમારીની જેમ ઉછેરી, ઉચ્ચ શિક્ષણ અપાવ્યું, લાખો રૂપિયાનો ખર્ચ કરીને પરણાવી એ દીકરીઓ બાપને જતા દિવસે મળવા આવવા પણ તૈયાર નથી અને એક દિવસ દીકરીઓને મળવા માટે ઝૂરતા મજબૂર બાપે અંતિમ શ્ર્વાસ લીધા.  
  
વૃદ્ધાશ્રમના વ્યવસ્થાપકોના વારંવાર ફોન કરીને રામપ્રસાદની સ્થિતિની જાણ કરવા છતાં ત્રણમાંથી એક પણ દીકરીને બાપને મળવા આવવાનો ‘સમય’ ન મળ્યો.

રામપ્રસાદના મૃત્યુ પછી વૃદ્ધાશ્રમના વ્યવસ્થાપકે જરાક કડક શબ્દોમાં કહ્યું, ‘હવે તમારો બાપ ગુજરી ગયો છે, જીવતા તો તમે જોયો નહીં, હવે તેના અંતિમ દર્શન અને અગ્નિસંસ્કાર કરવા તો આવો.’ તો પેલી નફ્ફટ છોકરીઓએ પાછો એ જ જવાબ આપ્યો, ‘હવે તો એ રહ્યા નથી. અમે આવી શકીએ તેમ નથી... અમારી પાસે સમય નથી. અમે તમને પૈસા મોકલી આપીએ છીએ તમે તેમની અંતિમ ક્રિયા વિધિપૂર્વક કરી દેજો અને અમને અગ્નિસંસ્કારનો વીડિયો બતાવજો.’

વ્યવસ્થાપકને ગુસ્સો આવ્યો, પણ તેમને તો પોતાની ફરજ પ્રમાણે વૃદ્ધાશ્રમના સાત-આઠ રહેવાસીઓ સાથે મળીને અંતિમ સંસ્કાર કરતી વખતે દીકરીને વીડિયો કૉલ કર્યો ત્યારે પણ એક  દીકરી પૂછે છે, ‘હવે કેટલી વાર લાગશે, મારે સ્નાન કરવાનું છે, રસોઈ કરવાની છે.’

દીકરીઓ બાપના અંતિમ સંસ્કારમાં આવી તો નહીં, પણ વીડિયો કૉલ પર બાપના અંતિમ સંસ્કાર જોવા માટે પણ તેમની પાસે સમય ન હતો. અસ્થિ વિસર્જન માટે વૃદ્ધાશ્રમના વ્યવસ્થાપકે પૂછ્યું ત્યારે પણ દીકરીઓએ કહ્યું, ‘એ તમે જ કરી લેજો.’! 

(એક અહેવાલ પ્રમાણે એક દીકરીએ એક ચોક્કસ રકમ વૃદ્ધાશ્રમને મોકલી ‘પિતાના અંતિમસંસ્કારના ‘ખર્ચ’ પેટે! ) 

કેટલી કરુણ કહાની છે... પાપાની પરી કહેવાતી દીકરીઓ સાવ આવી? વહાલનો દરિયો ગણાતી  દીકરીઓને મા-બાપને મળવાનું કે એમનાં  અંતિમ દર્શન કરવાની પણ ઇચ્છા નહીં થઈ હોય? જનક  મા-બાપ માટે જો તમારી પાસે સમય ન હોય તો ધૂળ પડી તમારા ભણતરમાં અને ધૂળ પડી તમારા જીવતરમાં...!