શ્વેતા જોષી અંતાણી
સાંજના સાત વાગ્યા હતા. સૂર્યનો છેલ્લો પ્રકાશ ધીમે ધીમે ઓસરી રહ્યો હતો. રસોડામાં સ્નેહા ડિનરની તૈયારી કરી રહી હતી. અને હૉલમાં સુમિત ટીવી સામે પથરાયેલો હતો. ઘરમાં બધું પોતાની રોજિંદી લયમાં ચાલી રહ્યું હતું, પણ ઊગીને ઊભી થઈ રહેલી અહાના માટે આ ઘર જાણે એને કરડવા દોડતું હોય એમ હરહંમેશ બહાર જવા તલપાપડ બની રહેતી :
‘મને કોઈ રોકે નહીં, મને કોઈ ટોકે નહીં. બસ, મારી મરજી. હું બહાર જાઉં કે ઘરે રહું... મારી મરજી...’ એવા મેન્ટલ બ્લૉક સાથે એ બૅગ ખભેે નાખી દરવાજા તરફ આગળ વધી.
‘ક્યાં જાય છે?’ સ્નેહાએ પૂછ્યું.
‘બસ, ફ્રેન્ડ્સ સાથે બહાર.’
‘કેટલા વાગ્યે આવીશ?’
‘ખબર નથી મમ્મી. આવી જઈશ.’
‘ક્યાં જઈ રહી છે?’
અહાના એક ક્ષણ માટે ઊભી રહી. પછી ચીડાઈને બોલી,
‘મમ્મી, પ્લીઝ! આટલા બધા સવાલ કેમ પૂછે છે? હું હવે નાની નથી.’
દરવાજો બંધ થઈ ગયો. સ્નેહા થોડી ક્ષણ સુધી એ બંધ દરવાજાને જોતી રહી. આ દૃશ્ય આજે અનેક ઘરમાં લગભગ રોજનું બની ગયું છે. ટીનએજમાં પ્રવેશતાં જ ઘણાં બાળકોને ઘર કરતાં બહારની દુનિયા વધુ આકર્ષક લાગવા લાગે છે. મિત્રો સાથે ફરવું, કલાકો સુધી વાતો કરવી, કૅફેમાં બેસવું, કારણ વગર રસ્તાઓ પર ભટકવું કે ફોન પર નવા લોકો સાથે જોડાઈ રહેવું... આ બધું એમને મન આઝાદીનો નવોસવો અનુભવ કરાવતી રોમાંચક ઘટનાઓ છે, પરંતુ પ્રશ્ર્ન એ છે કે પોતાના પેરેન્ટ્સ સાથે વાત કરવામાં બિલકુલ રસ ના દાખવતાં ટીનએજર્સ કોઈ નવા મળેલા માણસ સાથે સહેલાઈથી કઈ રીતે બૉન્ડ બનાવી લેતાં હશે?
ટીનએજ મગજના વિકાસનો અત્યંત મહત્ત્વનો તબક્કો છે. આ ઉંમરે મગજનો પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ હજી સંપૂર્ણ રીતે વિકસતો હોય છે. આ ભાગ નિર્ણય લેવાની ક્ષમતા, આવેગ પર નિયંત્રણ, જોખમનું મૂલ્યાંકન અને ભવિષ્યનાં પરિણામો વિશે વિચારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. બીજી તરફ, લાગણીઓ, નવી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ અને રોમાંચની અનુભૂતિ સાથે જોડાયેલી મગજની સિસ્ટમ આ ઉંમરે ખૂબ સક્રિય બને છે. એટલે તરુણોનું મન ઘણી વાર કહે છે, ‘આ નવું છે, રસપ્રદ છે, કરી જોઈએ.’ અહાના સાથે પણ આવું જ હતું.
ઘરમાં મમ્મી એને બધી રીતે ઓળખતી. એની નાની ભૂલો, એની ચિંતાઓ, અભ્યાસની મુશ્કેલીઓ, એના મિત્રો અને આદતો. સ્નેહા બધું જાણતી હતી. એટલે માએ કરેલો સામાન્ય સવાલ પણ અહાનાને ક્યારેક પૂછપરછ જેવો લાગતો. બહારની દુનિયામાં કોઈ એને એટલું ઓળખતું નહોતું. અને આમ પણ આપણને સહુને અજાણ્યા લોકો સામે પોતાની એક નવી ઓળખ ઊભી કરવી સરળ લાગતી જ હોય છે ને!
એક દિવસ અહાના આવી જ કોઈ નવીસવી ઓળખાણના સથવારે વરુણને મળી. વાત કરતાં કરતાં એણે પોતાની કોઈ અંગત વાત વરુણને કહી. જવાબમાં વરુણે માત્ર એટલું કહ્યું, ‘તું જેવી છે એવી જ સારી છે.’ અહાનાના મનને આ વાક્ય ખૂબ ગમ્યું, કારણ કે તરુણાવસ્થામાં સ્વીકારની જરૂરિયાત ખૂબ વધી જાય છે. ટીનએજર્સ ધીમે ધીમે ‘હું મારાં માતા-પિતાનું બાળક છું’ માંથી ‘હું પોતે કોણ છું?’ તરફ આગળ વધે છે. પોતાની પસંદગી, પોતાનો નિર્ણય, પોતાની ઓળખ અને મિત્રો વચ્ચેનું સ્થાન એના માટે અતિ મહત્ત્વનું બની જાય છે.
જોકે અહીં એક નાજુક સીમા છે. સ્વતંત્રતા અને બેદરકારી વચ્ચેની. સાચી મિત્રતા અને અજાણ્યા લોકો પર મૂકેલા આંધળા વિશ્વાસ વચ્ચેની. ઘરથી થોડું દૂર જવાની ઇચ્છા અને ઘરથી ભાવનાત્મક રીતે સંપૂર્ણપણે દૂર થઈ જવા વચ્ચેની.
વરૂણે એ જ વાત બીજા ચાર વ્યક્તિઓને કરી. આહનાની એ પર્સનલ વાત હવે જાહેર થઈ ચૂકી હતી, એનો ગુસ્સો વરુણ પર તો ઊતરી શકે એમ હતો નહી એટલે આહનાએ સ્નેહા અને સુમિત પર અકારણ રોષ ઠાલવ્યો. અજાણ્યા લોકોની નજીક જવાની ઘેલછા આહનાને ધીરે ધીરે પોતાના વ્યક્તિઓથી દૂર લઈ જઈ રહી હતી એ એને સમજાય નહોતું રહ્યું.
એક સાંજે અહાના ઘરે પાછી આવી ત્યારે રસોડામાં મમ્મી નહોતી. ડાઇનિંગ ટેબલ પર એક નાની ચિઠ્ઠી પડી હતી :
‘તારે તારી દરેક વાત મને કહેવી જરૂરી નથી. તારી પોતાની દુનિયા છે અને એ દુનિયામાં તને પોતાનું આકાશ જોઈએ એ હું સમજું છું. બસ એટલું યાદ રાખજે કે જ્યારે આખી દુનિયા તને સમજતી ના લાગે, ત્યારે પણ આ ઘર તને સાંભળવા માટે તૈયાર રહેશે...’
અહાના લાંબા સમય સુધી એ ચિઠ્ઠી જોઈ રહી. એ દિવસે પહેલી વાર તેને સમજાયું કે કદાચ મમ્મી એની દુનિયા રોકવા માગતી નહોતી. મમ્મી તો માત્ર એની દુનિયામાં પોતાનું એક નાનું એવું સ્થાન જાળવી રાખવા માગતી હતી.
તરુણોને સતત ઘરમાં રોકી રાખવો ઉકેલ નથી. દરેક પગલાં પર નજર રાખવી પણ નહીં. સાચી જરૂરિયાત છે એવું ઘર બનાવવાની, જ્યાં એ બહારની દુનિયા શોધવા જાય, નવા લોકોને મળે, પોતાની ઓળખ બનાવે, છતાં એને પાછા ફરવાનું મન થાય. ‘બૅક ટુ બેઇઝ’ કારણ કે તરુણાવસ્થા ઘર છોડવાની ઉંમર નથી. એ તો ઘરથી થોડું દૂર જઈ જાતને શોધવાની ઉંમર છે. અને માતા-પિતાની સૌથી સુંદર ભૂમિકા કદાચ દરવાજો બંધ કરવાની નહીં, પરંતુ એવો દરવાજો ખુલ્લો રાખવાની છે કે બાળક દુનિયા ફરીને થાકી જાય ત્યારે નિ:સંકોચ પાછું આવી શકે અને મા-બાપને કહી શકે :
‘આજે તમારી પાસે થોડી વાર બેસું?’