Sat Sep 05 2026

Logo

ઉડાન  મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: બંધ દરવાજાને પેલે પાર...

2026-09-03 08:24:00
Author: Shweta Joshi Antani
ઉડાન  મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: બંધ દરવાજાને પેલે પાર...

 

- શ્ર્વેતા જોષી અંતાણી

એ રાત્રે ઈરાના ફોનની સ્ક્રીન પર એક પછી એક મેસેજ આવી રહ્યા હતા. રૂમની બારીમાંથી આવતો પીળો પ્રકાશ એના ચહેરા પર પડતો હતો. સામે ટેબલ પર નોટબુક ખુલ્લી હતી, પેન હાથમાં હતી, પણ છેલ્લા કલાકથી એક પણ શબ્દ લખાયો નહોતો. મમ્મી બે વખત રૂમના દરવાજા સુધી આવીને પાછી ફરી ગયેલી. ઈરાને ખબર હતી. મમ્મીને પણ ખબર હતી કે એ જાગી રહી છે, પણ બન્ને વચ્ચે એક અજીબ સમજૂતી હતી. મમ્મી પૂછતી નહીં. ઈરા કંઈ કહેતી નહીં અને આ જ એમની વચ્ચેનું સૌથી મોટું અંતર બની ગયેલું. 

હજુ હમણાં સુધી ઈરા મમ્મીને બધું કહેતી. સ્કૂલમાં કોની સાથે ઝઘડો થયો, કઈ ટીચરે વખાણ કયાર્ં, કઈ મિત્રએ વાત કરવાનું બંધ કર્યું, કઈ વાતથી એને ગુસ્સો આવ્યો... બધું, પણ હમણાંથી કોઈપણ પ્રશ્ર્નનો એક જ જવાબ મળતો. ‘કંઈ નહી.’  પપ્પા પૂછે તો કહેતી, ‘બધું બરાબર છે.’ મમ્મી ફરી પૂછે તો થોડા ગુસ્સાથી કહેતી, ‘મમ્મી, તમે મને થોડી પ્રાઇવસી આપી શકો?’ પણ એ જ ઈરા રાત્રે એક અજાણી વ્યક્તિ સાથે કલાકો સુધી વાત કરી શકતી હતી. એ વ્યક્તિનો ચહેરો એણે ક્યારેય જોયો નહોતો, છતાં એને પોતાના ડર, ગૂંચવણ, મૂંઝવણ, મિત્રો સાથેના મતભેદ કહી શકતી હતી.

આજના અસંખ્ય ટીનએજર્સ આ લૂપમાં ફસાયેલા છે. ‘હું પોતે કોણ છું એ શોધમાં માતા-પિતાની દરેક સલાહ ક્યારેક એમને નિયંત્રણ જેવી લાગે છે

‘આવું ના કર.’
‘ત્યાં ના જતી.’
‘એની સાથે વાત ના કર.’
‘ફોન મૂકી દે.’
‘તારા માર્ક્સ કેમ ઓછા આવ્યા?’
‘તને આટલો ગુસ્સો કેમ આવે છે?’

માતા-પિતા માટે આ સામાન્ય ચિંતા હોય છે, પણ ટીનએજર્સના કાન સુધી એ વાક્યોનું અર્થઘટન ઘણી વખત એક જ રીતે થતું હોય છે. ‘તને મારા પર વિશ્વાસ નથી.’ ઈરા સાથે પણ આવું જ થયું હતું. 

એક દિવસ પપ્પાએ તેના ફોનમાં કોઈ અજાણ્યા વ્યક્તિનો મેસેજ જોયો. એમણે પૂછ્યું, ‘આ કોણ છે?’ ઈરા ગભરાઈ ગઈ.

‘મિત્ર.’
‘કયો મિત્ર?’
‘સ્કૂલનો નથી.’
‘તો પછી ક્યાંથી ઓળખે છે?’

ઈરા ચૂપ રહી. પપ્પાનો અવાજ થોડો કડક બન્યો. ‘અમારાથી શું છુપાવવાનું છે?’ આ સવાલનો જવાબ ઈરા પાસે હતો, પણ એણે આપ્યો નહીં. એને ડર હતો કે એક વાત સામે દસ સવાલ આવશે. દસ સવાલોના જવાબ આપશે તો વીસ નિયમ આવશે. એટલે એણે સૌથી સરળ રસ્તો પસંદ કર્યો, ‘મૌન’.

એ રાત્રે મમ્મીએ એને સમજાવતાં કહ્યું, ’તું મોટી થઈ રહી છે. તારા મનમાં એવી ઘણી વાતો આવશે જે તું અમને નહીં કહેવા માગતી હોય.’ ઈરાની આંખોમાંથી આશ્ર્ચર્ય ડોકાયું. મમ્મીએ આગળ કહ્યું, ‘મને તારી દરેક વાત જાણવી જરૂરી નથી, પરંતુ તને ક્યારેક એવી કોઈ વાતથી ડર લાગે, તું ગૂંચવાઈ જાય તો અજાણ્યા વ્યક્તિને બદલે અમારા પર ભરોસો કરજે’ હવે ઈરાની આંખોમાં આંસુ આવી ગયાં.

ટીનએજર ઘણી વાર અજાણી વ્યક્તિને પોતાની વાત એટલા માટે કહી દે છે, કારણ કે અજાણી વ્યક્તિ પાસે તેના ભૂતકાળની કોઈ ફાઇલ નથી. એને સ્કૂલના માર્ક્સની ખબર નથી. બાળપણની ભૂલો, માતા-પિતાની અપેક્ષાઓ ખબર નથી. એટલે ત્યાં એને લાગે છે કે કોઈ પોતાને ‘પરિણામ’થી નહીં, પરંતુ એના પરત્વેના ‘ભાવ’થી સાંભળી રહ્યું છે. પરંતુ અહીં જ એક જોખમ ઊભું થવાની સંપૂર્ણ શક્યતા રહેલી છે. દરેક અજાણી વ્યક્તિ વિશ્વાસપાત્ર નથી. ડિજિટલ દુનિયામાં સામેની વ્યક્તિ પોતાને જે રીતે રજૂ કરે છે તે હંમેશાં સાચી હોય એવું જરૂરી નથી એટલે ટીનેજરને માત્ર ‘કોઈ અજાણ્યા સાથે વાત ના કર’ કહેવું પૂરતું નથી. એને શીખવવું પડે કે ‘કોઈને શું કહેવું, કોના પર કેટલો વિશ્ર્વાસ કરવો અને કઈ વાતમાં કોની મદદ લેવી.’

અને માતા-પિતાએ પણ એક વાત શીખવી પડે. બાળકના મનનો દરવાજો પ્રશ્ર્નોથી ખોલી શકાતો નથી.

‘શું થયું?’
‘કોની સાથે વાત કરતી હતી?’
‘મને કેમ નથી કહેતી?’

આ સવાલો ક્યારેક દરવાજો વધુ સજ્જડપણે બંધ કરી દે છે. ક્યારેક એના બદલે માત્ર એટલું કહેવું પડે,

‘હું અહીં છું.’
‘તારે અત્યારે કંઈ કહેવું ના હોય તો પણ ચાલશે.’
‘પણ જ્યારે કહેવું હોય ત્યારે હું સાંભળવા તૈયાર છું.’

ઈરાએ એ રાત્રે મમ્મીને બધું કહ્યું નહોતું, પરંતુ એણે પહેલી વાર એક નાની વાત કહી. ‘મમ્મી, મારા જીવનમાં એક એવી વાત છે જેના વિશે હું ખૂબ ગૂંચવાઈ ગઈ છું.’ મમ્મીએ તરત સલાહ આપી નહીં. એમણે માત્ર સાભળ્યું. ઈરાને એ ગમ્યું, કારણ કે ટીનેજરને હંમેશાં એવું કોઈક જોઈતું હોય છે જે એને પ્રશ્ર્નો ના કરે, સલાહો ના આપે અને  ટોકે નહીં.

ટીનએજના મૌનને હંમેશાં બળવો સમજી લેવું ભૂલ છે. ક્યારેક એ સ્વતંત્રતાની શોધ હોય છે. ક્યારેક જજમેન્ટનો ડર હોય છે. ક્યારેક પોતાની ઓળખ બચાવવાનો પ્રયત્ન હોય છે અને ક્યારેક તો માત્ર એટલું જ હોય છે કે ‘મને મારી વાત કેવી રીતે કહેવી એ જ ખબર નથી.’ એટલે માતા-પિતાએ ટીનએજર દ્વારા બંધ કરાયેલા દરવાજા ખોલવાનો પ્રયાસ કરવા કરતાં એની સામે બેસી રહેવું જોઈએ. શાંતિથી, ધીરજથી, વિશ્વાસ સાથે. જેથી એક દિવસ અંદરથી કોઈ ધીમેથી પૂછે, ’મમ્મી... તમે ખરેખર સાંભળશો ને?’ કદાચ એ જ ક્ષણ હોય છે જ્યાં ટીનએજર અને માતા-પિતા વચ્ચેનો સંબંધ ફરીથી જન્મ લે છે.