ખૂશ્બુ મુલાણી ઠક્કર
તહેવારો આવે ત્યારે આપણાં ઘરોમાં આનંદ અને ઉત્સાહની લહેર ફેલાઈ જાય છે. આવા પવિત્ર અને પ્રેમભર્યા અવસરે આપણે એકબીજાને ગિફ્ટ આપીને પોતાના પ્રેમ અને સ્નેહની અભિવ્યક્તિ કરતા હોઈએ છીએ. ગિફ્ટ માત્ર એક વસ્તુ નથી, પરંતુ તે આપણા હૃદયની ભાવનાનું પ્રતીક છે.
જોકે ગિફ્ટ પસંદ કરવાની કળામાં મહિલાઓ હંમેશાં આગળ રહે છે. તેઓ ખૂબ જ હોશિયાર અને સમજદાર હોય છે. તેમને ખબર હોય છે કે કઈ વ્યક્તિને કેવી ગિફ્ટ આપવી જોઈએ, કઈ વસ્તુ તેની પસંદગી સાથે મેળ ખાશે અને કઈ વસ્તુ તેને ખરેખર ખુશી આપશે. મહિલાઓ ગિફ્ટ પસંદ કરતી વખતે વ્યક્તિની જરૂરિયાત, તેની પસંદ-નાપસંદ અને તેના જીવનશૈલીને ધ્યાનમાં રાખે છે.
પરંતુ જ્યારે પુરુષોની વાત આવે છે ત્યારે પરિસ્થિતિ થોડી અલગ જોવા મળે છે. ઘણા પુરુષોમાં ગિફ્ટ પસંદ કરવાની સમજણ અને રસ ઓછો હોય છે. તેઓ વારંવાર મૂંઝવણમાં પડી જાય છે કે બહેનને શું આપવું જોઈએ. પરિણામે, મોટાભાગના ભાઈઓ રક્ષાબંધનના અવસરે પોતાની બહેનને માત્ર કૅશ આપીને જ કામ પતાવી લે છે.
કૅશ આપવું ખોટું નથી, પરંતુ તે ગિફ્ટની જગ્યાએ માત્ર એક વ્યવહારિક વિકલ્પ બની રહે છે. જો ભાઈઓને ખબર હોય કે બહેનને કેવી અને કઈ પ્રકારની ગિફ્ટ આપવી તો તેઓ ચોક્કસપણે વધુ વિચારપૂર્વક અને હૃદયથી ગિફ્ટ પસંદ કરતા હોય છે.
હવે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે. આ તહેવાર ભાઈ-બહેનના અતૂટ બંધનનું પ્રતીક છે. આવા અવસરે બહેનને માત્ર કૅશ આપવાને બદલે કોઈ એવી ગિફ્ટ આપવી જોઈએ જે તેના હૃદયને સ્પર્શે અને તેને લાગે કે તેના ભાઈએ તેના માટે વિશેષ વિચાર કર્યો છે. તો ચાલો, આ રક્ષાબંધન પર તમે તમારી બહેનને કઈ પ્રકારની ગિફ્ટ આપી શકો તે વિશે વિગતવાર જાણીએ અને સમજીએ.
પર્સનલાઇસ્ડ ગિફ્ટ- પર્સનલાઇસ્ડ ગિફ્ટ એટલે કે કોઈ એવી ગિફ્ટ જેની પર તમારી બહેનનું નામ હોય અથવા તો આલ્ફાબેટ હોય જેમ કે, નામ સાથેનું પેન્ડન્ટ, કડી અથવા બ્રેસલેટ. બહેનના ફોટોવાળું કુશન, મગ અથવા ફ્રેમ કે પછી કસ્ટમાઇઝ્ડ કી-ચેન અથવા વૉલેટ.
જ્વેલરી અને એક્સેસરીઝ- જ્વેલરી અને એક્સેસરીઝ બધી જ બહેનોને પસંદ હોય છે અથવા તો એમ કહી શકાય કે સૌથી વધારે ફેવરિટ હોય છે. જ્વેલરીમાં તમે સોનું/સિલ્વરનું હળવું પૅન્ડન્ટ અથવા કાનની બુટ્ટી લઈ શકો. બ્રાન્ડેડ બૅગ, વૉચ અથવા સનગ્લાસ લઈ શકાય. ટ્રેન્ડી સ્કાર્ફ અથવા હેર એક્સેસરીઝ પણ આપી શકાય.
બ્યુટી અને સેલ્ફ-કૅર: બ્યુટી અને સ્કીન કૅરનું એક આખું હેમ્પર બનાવી શકાય. જેમ કે, સારી સ્કિનકૅર કિટ અથવા પરફ્યૂમ. જો તમારી બહેનને સ્પાનો શોખ હોય તો સ્પા વાઉચર અથવા મસાજ વાઉચર પણ ઍડ કરી શકાય. અને જો મેકઅપનો શોખ હોય તો તેને ગમતી બ્રાન્ડમાં મેકઅપ કિટ પણ આપી શકાય.
કપડાં: જો તમને કપડાં ગિફ્ટ આપવાં હોય તો સુંદર સાડી, કુર્તી સેટ અથવા વેસ્ટર્ન ટૉપ આપી શકાય. કમ્ફર્ટેબલ નાઇટવેર અથવા હુડી પણ આપી શકાય. ખાસ ધ્યાન એ રાખવું કે બિલ ચોક્કસ સાથે આપવું, જેથી કરીને જો તેને સૈજ કે પૅટર્ન ચેન્જ કરવી હોય તો તે કરી શકે.
ગૅજેટ્સ અને ઉપયોગી વસ્તુઓ: ગેજેટ્સ જેવી ઉપયોગી વસ્તુ આપો તો તેમને કામ પણ આવી શકે. જેમકે વાયરલેસ ઇયરબડ્સ અથવા પાવરબૅન્ક. જો તેમને સ્માર્ટ ગૅજેટ્સનો શોખ હોય તો સ્માર્ટવૉચ અથવા ફિટનેસ બૅન્ડ પણ આપી શકાય. જો તેમણે વાંચનનો શોખ હોય તો બુક રીડર (ઊંશક્ષમહય) અથવા ટેબ્લેટ સ્ટૅન્ડ પણ આપી શકાય.
ગિફ્ટ વાઉચર:- જો તેમને બહાર જવાનો અને ખાવાનો શોખ હોય તો મૂવી અથવા ડિનરનાં વાઉચર આપી શકો. અથવા તો વન-ડે ટ્રિપ કે ઓવર નાઇટ સ્ટેનાં વાઉચર પણ આપી શકો.
પરંપરાગત + મોડર્ન કૉમ્બિનેશન- એટેલે કે મીઠાઈના બૉક્સ સાથે કવર આપવું કે પછી તેની સાથે કોઈ ગિફ્ટ આપવી.
બહેનની પસંદ અને જરૂરિયાત જાણી લેવી. જો તે વર્કિંગ હોય તો ઉપયોગી ગિફ્ટ આપી શકાય. જો ઘરમાં રહે તો કમ્ફર્ટ અને બ્યુટીવાળી વસ્તુઓ આપી શકાય. ફક્ત કૅશ આપવાને બદલે નાની-મોટી વસ્તુ સાથે કૅશ આપો તો વધુ સારું લાગે અને તેને પણ સ્પેશ્યલ ફિલ થાય.