Sun Aug 23 2026

Logo

'કરીબ' ફિલ્મથી ઓળખ મેળવનાર મુસ્લિમ અભિનેત્રી આજે હિંદુ અભિનેતાના ઘરમાં રાજ કરે છે, કોણ છે?

2026-08-20 15:40:56
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: ફિલ્મી દુનિયામાં નામ ફક્ત ઓળખ નથી હોતું, પરંતુ અમુક વખત આ નામ કોઈ કલાકારની આખી જિંદગી માટે ઓળખ બની જતું હોય છે. બોલીવુડની એવી જ એક અભિનેત્રીની વાત કરીએ જે છે મુસ્લિમ પણ લગ્ન પછી એવા હિંદુ પરિવારમાં મોજથી રહે છે. વાત કરીએ શબાના રઝાની, જેને આજે પણ લોકો એક ફિલ્મના નામ 'નેહા'થી વધુ ઓળખે છે. 

આ એ જ મુસ્લિમ અભિનેત્રી શબાના રઝા, જે અભિનેતા મનોજ વાજપેયીની પત્ની છે, પરંતુ ફિલ્મોમાં તેને પોતાની અલગ જ આગવી ઓળખ ઊભી કરી હતી. શબાના રઝાનો જન્મ 18 એપ્રિલ 1975માં થયો હતો. તેણે પોતાનો અભ્યાસ દિલ્લીથી પૂર્ણ કર્યો અને એક સામાન્ય પરિવારમાં ઉછેર થયો હતો. 

ખાસ વાત એ છે કે તેનો ફિલ્મમાં આવવાનો કોઈ ઈરાદો જ નહોતો. તેને જયારે ફિલ્મમાં કામ કરવાની તક મળી ત્યારે શરૂઆતમાં આ ઓફર ફગાવી નાખી હતી. જોકે, પરિવારના સમજાવ્યા બાદ તેણે અભિનયની દુનિયામાં પગ મૂકવાનો નિર્ણય કર્યો હતો. 

વર્ષ 1998માં શબાના રઝાએ વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ 'કરીબ'થી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ફિલ્મમાં તેના પાત્રનું નામ 'નેહા' હતું. આ નામ આગળ જતા તેની ઓળખ બની ગઈ હતી. એવું પણ કહેવામાં આવે છે કે ફિલ્મના નિર્દેશકે તેને આ નામથી જ આગળ કામ કરવાની સલાહ આપી હતી. ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકો વચ્ચે આ નામ એટલું લોકપ્રિય થયું કે લોકો તેને નેહા નામથી જ ઓળખવા લાગ્યા હતા. 

બોબીથી લઈ રિતિક રોશન સાથે કામ કર્યું 

ફિલ્મ 'કરીબ'માં શબાના રઝા સાથે બોબી દેઓલએ કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાદગી અને માસુમ અંદાજને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો. ત્યાર બાદ તેણે અજય દેવગણ સાથે 'હોગી પ્યાર કી જીત'માં કામ કર્યું હતું. આ ફિલ્મ તેના કરિયરની જાણીતી ફિલ્મ તરીકે ગણતરી કરવામાં આવે છે. 
શબાના રઝાએ રિતિક રોશન સાથે 'ફિઝા' ફિલ્મમાં અભિનય કર્યો હતો. આ ઉપરાંત, શબાના રજાએ 'રાહુલ' અને 'આત્મા' જેવી ફિલ્મોનો ભાગ રહી હતી. જોકે, તેની ફિલ્મી કારકિર્દી વધુ આગળ ચાલી નહોતી.

લગ્ન પછી ફિલ્મી દુનિયાને કરી નાખી અલવિદા

સમય જતા શબાના રઝાએ ફિલ્મો સાથે અંતર રાખવાનું શરૂ કરી દીધું હતું. વર્ષ 2009માં રિલીઝ થયેલી 'એસિડ ફેક્ટરી' પછી તે મોટા પડદેથી ગાયબ થઈ ગઈ હતી. શબાનાએ 2006માં મનોજ વાજપેયી સાથે લગ્ન કર્યા હતા. શબાના અને મનોજની મુલાકાત બાદ બંને સારા મિત્રો બન્યા ત્યાર બાદ મિત્રતા પ્રેમ સબંધમાં પરિણમતા બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. લગ્ન બાદ શબાના રઝાએ પોતાના પરિવારને પ્રાથમિકતા આપવાનું શરુ કર્યું હતું, પરંતુ એ આજે પણ નેહા તરીકે મનોજ વાજપેયીના ઘરમાં જ નહીં, પરંતુ દર્શકોના દિલમાં વસેલી છે.