ભુજ: સીમાવર્તી જિલ્લા કચ્છના વ્યાપારી મથક ગાંધીધામ ખાતે આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરાયેલા દરોડા અને સર્ચ ઓપરેશનની કાર્યવાહી બીજા દિવસે પણ યથાવત રહી હતી. શિપિંગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર સાથે સંકળાયેલી અમુક અગ્રણી કંપનીઓની ઓફિસો પર આઈ.ટી વિભાગની ટુકડીઓએ તપાસનો ધમધમાટ જારી રાખતાં સ્થાનિક વ્યાપારી આલમમાં ભારે ફફડાટ અને સન્નાટો વ્યાપી ગયો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ વ્યાપક તપાસ ઝુંબેશ દરમિયાન ગાંધીધામના એક જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પણ આવકવેરા અધિકારીઓ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. બેનામી હિસાબો, વિદેશી નાણાકીય વ્યવહારો તેમજ ટેક્સ રિટર્નને લગતા દસ્તાવેજોની ચકાસણી સંદર્ભે સીએની ભૂમિકાની બારીકાઈથી તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
સતત બીજા દિવસે પણ દરોડાની કાર્યવાહી ચાલુ રહેતા આગામી સમયમાં મોટી બિનહિસાબી સંપત્તિ કે મોટા નાણાકીય ખુલાસા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. જોકે, આ સમગ્ર સર્ચ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં કઈ વાંધાજનક વિગતો કે બિનહિસાબી રકમ હાથ લાગી છે તે અંગે આવકવેરા વિભાગ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરનામું કે વિગતો આપવામાં આવી નથી.