Mon Aug 31 2026

Logo

શેરબજારમાં ગુજરાતીઓનો દબદબો: સક્રિય રોકાણકારો વધારવામાં રાજ્ય દેશમાં મોખરે

2026-08-26 09:39:00
Author: Mayur Patel
શેરબજારમાં ગુજરાતીઓનો દબદબો: સક્રિય રોકાણકારો વધારવામાં રાજ્ય દેશમાં મોખરે

અમદાવાદઃ ગુજરાતીઓની ઓળખ વેપારી અને શેરબજારમાં રોકાણકારો તરીકેની છે. જે વાતની સાબિતી શેરબજારના ડેટા પણ આપે છે. જુલાઈ મહિનામાં શેરબજારમાં ગુજરાતીઓનો દબદબો જોવા મળ્યો હતો અને દેશમાં સૌથી વધુ સક્રિય રોકાણકારો નોંધાયા હતા.

નેશનલ સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર, જુલાઈ મહિનામાં દેશના મુખ્ય રાજ્યોમાં વ્યક્તિગત રોકાણકારોની ભાગીદારીમાં ગુજરાતે સૌથી ઝડપી માસિક વૃદ્ધિ નોંધાવી હતી. રાજ્યમાં સક્રિય વ્યક્તિગત રોકાણકારોની સંખ્યા માસિક ધોરણે 19.5 ટકા વધીને 19.5 લાખ થઈ ગઈ છે, જેનાથી ભારતમાં સક્રિય રોકાણકારોમાં ગુજરાતનો હિસ્સો વધીને 15.2 ટકા થયો છે.

મહારાષ્ટ્ર સક્રિય રોકાણકારો સાથે સૌથી મોટું બજાર

મહારાષ્ટ્ર 20.9 લાખ સક્રિય રોકાણકારો સાથે સૌથી મોટું બજાર રહ્યું હતું, જોકે જૂનની સરખામણીએ તેમાં માત્ર એક ટકાનો નજીવો વધારો નોંધાયો હતો.મહારાષ્ટ્રનો કુલ હિસ્સો 16.3 ટકા હતો. ઉત્તર પ્રદેશ 11.4 લાખ સક્રિય રોકાણકારો સાથે ત્રીજા સ્થાને રહ્યું હતું,  મહિના દરમિયાન 1.5 ટકાનો વધારો થયો હતો. ટોચના 10 રાજ્યોમાં રાજસ્થાને પણ મજબૂત વૃદ્ધિ નોંધાવી હતી. રાજસ્થાનમાં  જુલાઈમાં સક્રિય રોકાણકારો 14 ટકા વધ્યા હતા. 

વ્યક્તિગત રોકાણકારો દ્વારા ઇક્વિટી કેશ ટર્નઓવરમાં પણ ગુજરાતે પોતાની સ્થિતિ મજબૂત કરી હતી. રાજ્યમાં જુલાઈમાં રૂ. 1.9 લાખ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જે જૂન કરતાં 2.9 ટકા વધુ છે. મહારાષ્ટ્ર રૂ. 3.4 લાખ કરોડ સાથે આગળ રહ્યું હતું, જોકે મહિના દરમિયાન તેના ટર્નઓવરમાં બે ટકાનો ઘટાડો નોંધાયો હતો.

રાજકોટે કોલકાતાને પછાડ્યું

ગુજરાતના મુખ્ય જિલ્લાઓમાં આ વૃદ્ધિ સ્પષ્ટપણે જોવા મળી હતી. દેશભરમાં અમદાવાદ 4.5 લાખ સક્રિય રોકાણકારો (22.9 ટકા માસિક વૃદ્ધિ) સાથે બીજા ક્રમે રહ્યું હતું. જે દેશમાં 3.5 ટકાહિસ્સો ધરાવે છે. રાજકોટમાં સક્રિય રોકાણકારોનો આધાર 46.2 ટકા વધીને 1.9 લાખ થતાં તે કોલકાતાને પાછળ છોડીને દેશના ટોચના 10 જિલ્લાઓમાં સામેલ થયું હતું. સુરતમાં 23.1 ના માસિક વધારા સાથે 3.2 લાખ સક્રિય રોકાણકારો નોંધાયા હતા. ટોચના 10 જિલ્લાઓમાંથી માત્ર બેંગલુરુ અર્બનને બાદ કરતાં  બાકીના તમામ જિલ્લાઓમાં વૃદ્ધિ જોવા મળી હતી.

સૂત્રોના કહેવા પ્રમાણે, જુલાઈમાં ગુજરાતનો માસિક ઉછાળો અસાધારણ રહ્યો છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં આ વૃદ્ધિ જોવા મળી હતી. રિટેલ રોકાણકારો ફરી બજારમાં સક્રિય બન્યા છે, જેમાં કેટલાક આઈપીઓ પણ ભાગીદારી વધારી રહ્યા છે. આ નવી પ્રવૃત્તિ આંશિક રીતે મિડલ ઇસ્ટ સંઘર્ષને કારણે માર્ચમાં થયેલા ભારે વેચવાલીના દબાણ બાદ બજારમાં આવેલી રિકવરીને આભારી છે.