Mon Aug 31 2026

Logo

'જેન-ઝી' પ્રદર્શનથી વાયરલ થયેલી રિયા અહીરને મળશે બિગ બોસ 20 ઘરમાં એન્ટ્રી?

2026-08-25 19:39:15
Author: Mumbai Samachar Team
'જેન-ઝી' પ્રદર્શનથી વાયરલ થયેલી રિયા અહીરને મળશે બિગ બોસ 20 ઘરમાં એન્ટ્રી?

મુંબઈ: સલમાન ખાનના લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ 20’નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. છ્ઠ્ઠી સપ્ટેમ્બરે ગ્રાન્ડ પ્રીમિયર પહેલા જ મેકર્સે શોમાં એક મોટો ટ્વિસ્ટ રજૂ કર્યો છે. નવા પ્રોમોમાં સલમાન ખાને દર્શકો માટે એક ખાસ ‘વરદાન’ની જાહેરાત કરી છે, જેના કારણે બે જાણીતા ચહેરાઓ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. 

બિગ બોસના ઘરમાં પ્રવેશવા માટે મુંબઈની જેન-ઝી વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસની વેન રોકીને ચર્ચામાં આવેલી રિયા અહીર અને પંજાબી મોડલ તથા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર લવ ગિલને આમને-સામને રાખવામાં આવ્યા છે. આ બંનેમાંથી કોને બિગ બોસ 20ના ઘરમાં એન્ટ્રી મળશે તેનો નિર્ણય હવે જનતાના વોટથી થશે.

મેકર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર બંને વચ્ચે લાઈવ વોટિંગ બેટલ શરૂ કરી છે. દર્શકો જે ઉમેદવારને સૌથી વધુ વોટ આપશે, તેને છઠ્ઠી સપ્ટેમ્બરે સીધી બિગ બોસ 20ના ઘરમાં એન્ટ્રી મળશે. એટલે હવે રિયા અહીર અને લવ ગિલમાંથી કોને દર્શકો પસંદ કરે છે તેના પર સૌની નજર છે.

રિયા અહીર વ્યવસાયે મોડલ અને ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર છે. તે સોશિયલ મીડિયા પર ફેશન અને લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી રીલ્સ બનાવે છે. જોકે, તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા જેન-ઝી વિરોધ પ્રદર્શન દરમિયાન એક ઘટનાને કારણે તે અચાનક ચર્ચામાં આવી હતી.

વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ જ્યારે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લઈને જઈ રહી હતી, ત્યારે રિયા અહીર વરસાદ વચ્ચે પોલીસની વેનની સામે જઈને ઊભી રહી હતી. તેણે પોલીસ વેનને રોકીને વિદ્યાર્થીઓના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો. રિયાનો આ વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા હતા અને તે રાતોરાત ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી.

આ ઘટના બાદ રિયાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, આદિત્ય ઠાકરે અને યુથ કોંગ્રેસના કેટલાક ટોચના નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. તેના નિડર અંદાજ અને વિરોધ પ્રદર્શન દરમિયાન દેખાડેલા વલણની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી.

બીજી તરફ રિયા અહીર સામે ઉભેલા લવ ગિલ પંજાબી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા મોડલ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર છે. તેઓ અનેક મ્યુઝિક વીડિયો, મોડલિંગ પ્રોજેક્ટ્સ અને ફિટનેસ કેમ્પેઈનનો ભાગ રહી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર પણ તેમની મોટી સંખ્યામાં ફોલોવર્સ છે.

હવે બિગ બોસ 20ના ઘરમાં આ બંનેમાંથી કોને એન્ટ્રી મળે છે તે જોવું રસપ્રદ રહેશે. એક તરફ રસ્તા પર પોલીસ વેન રોકીને ચર્ચામાં આવેલી રિયા અહીર છે, તો બીજી તરફ ગ્લેમર અને મોડલિંગની દુનિયામાંથી આવેલા લવ ગિલ છે. આખરે જનતાના વોટ કોના પક્ષમાં જાય છે અને બિગ બોસના ઘરના દરવાજા કોના માટે ખુલે છે, તેનો જવાબ 6 સપ્ટેમ્બરે મળશે.