(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બાન્દ્રા (પશ્ર્ચિમ)માં લિકિંગ રોડ પર આવેલા રાવસાહેબ પટવર્ધન પાર્કનો આખરે વિકાસ કરવાનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકાએ લીધો છે. આ ઉદ્યાનની જગ્યાએ અગાઉ ચોક્કસ જગ્યાએ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ બનાવવાનો નિર્ણય લીધો હતો પણ સ્થાનિકોના આકરા વિરોધને પગલે પાલિકાને નમતું જોખવું પડયું હતું અને અંડરગ્રાઉન્ડના પ્રસ્તાવને રદ કરવો પડયો હતો. હવે પર્ટવર્ધન પાર્કના વિકાસ માટે પાલિકા પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.
બાન્દ્રા લિકિંગ રોડ પાસે આવેલું રાવસાહેબ પટવર્ધન પાર્ક બાન્દ્રાની સૌથી જૂની ખુલ્લી જગ્યામાનું એક ગણાય છે. લગભગ ૧૫,૦૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલા આ ખુલ્લા પાર્કમાં ૧૦૦થી વધુ મોટા વૃક્ષો આવેલા છે. અગાઉ પાર્કની જગ્યા પર મોટા પ્રમાણમાં અતિક્રમણ થયું હતું અને એ બાદ ૧૯૯૪માં તેને ખુલ્લો કર્યા બાદ ખાનગી સંસ્થાના માધ્યમથી તેનો ડેવલપ પણ કરવામાં આવ્યો હતો. વર્ષો સુધી નાગરિકો અહીં ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરતા રહ્યા હતા પણ એ બાદ પાલિકાએ અહીં ૨૦૧૬ની સાલથી પ્લોટનું રિર્ઝવેશન બદલીને અંડર ગ્રાઉન્ડ પાર્કંગ બનાવવાની યોજના બનાવી રહી હતી પણ તેની સામે વિરોધ થયા બાદ પાલિકાએ પ્રસ્તાવને પડતો મૂકયો હતો.
પાલિકાએ હવે આ પ્લોટના અમુક હિસ્સાનો ગાર્ડન તરીકે વિકાસ કરવાનો નિર્ણય લીધો છે. નૂતનીકરણ હેઠળ અહીં રહેલા જૂના અને જર્જરીત થઈ ગયેલા સીસી પૂલનું બાંધકામ તોડી પાડવામાં આાવવાનું છે. પ્રવેશદ્વાર નવેસરથી બનાવવા આવશે. સેફટી વૉલની સાથે જ નાગરિકોને બેસવા માટે બેઠક ઊભી કરાશે. ગ્રીલ બેસાડવામાં આવશે. યોગા શેડના સમારકામની સાથે જ શૌચાલય બનાવાશે. નાના બાળકો માટે રમતગમતના સાધનોની સાથે નવેસરથી લાઈટિંગ બેસાડવાની સાથે કસરત કરવાના સાધનો, માહિતી આપતા બોર્ડ વગેરે બેસાડવામાં આવશે.