Sat Sep 05 2026

Logo

બે ગુજરાતીને એપીકે ફાઇલ મોકલીને મોબાઈલ હૅક કર્યા બાદ બૅંક ખાતામાંથી લાખોની ઉચાપત

2026-08-30 22:32:31
Author: Yogesh D. Patel
બે ગુજરાતીને એપીકે ફાઇલ મોકલીને મોબાઈલ હૅક કર્યા બાદ બૅંક ખાતામાંથી લાખોની ઉચાપત

સુરતથી ત્રણ જણની ધરપકડ: મળેલા રૂપિયાથી ગિરવે મૂકેલા ઘરેણાં છોડાવ્યાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કાંદિવલીના બે ગુજરાતીને મહાનગર ગેસ લિમિટેડના નામે એપીકે ફાઇલ મોકલીને તેમના મોબાઇલ હૅક કર્યા બાદ બૅંક ખાતામાંથી લાખો રૂપિયાની ઉચાપત કરવા બદલ સુરતથી ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા ત્રણેય જણે ફાઇનાન્સ કંપનીમાંથી લોન લેવા માટે ઘરેણાં ગિરવે રાખ્યા હતા અને ગુનો આચરી મેળવેલા રૂપિયા ચૂકવીને પોતાનાં ઘરેણાં છોડાવ્યાં હતાં, એમ તપાસમાં સામે આવ્યું હતું.

કાંદિવલી પોલીસે સુરતના ઓલપાડથી ધરપકડ કરેલા ત્રણેયની ઓળખ ઉર્વિશકુમાર રાજેશભાઇ પટેલ, જનીકુમાર પ્રદીપભાઇ પટેલ અને અંકિતકુમાર સંજયભાઇ પટેલ તરીકે થઇ હતી. આરોપીઓ પાસેથી 6.24 લાખ રૂપિયા હસ્તગત કરવામાં આવ્યા હતા.

કાંદિવલીમાં રહેનારા બકુલ કાંતિલાલ દેસાઇને 9 મે, 2026ના રોજ અજાણી વ્યક્તિએ કૉલ કર્યો હતો અને ગેસ રીડિંગ અપલોડ કરવાનું બાકી હોવાનું જણાવીને તેમને એમજીએલના નામે એપીકે ફાઇલ મોકલીને તેને ડાઉનલોડ કરવાનું કહ્યું હતું. દેસાઇનો મોબાઇલ હૅક કર્યા બાદ તેમના બૅંક ખાતામાંથી 2.07 લાખ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી. દેસાઇએ આ પ્રકરણે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ગુનો દાખલ કરાયો હતો. 

બીજા કિસ્સામાં શૈલેશ જયકિશન પરમારને 7 મે, 2026ના રોજ અજાણ્યા શખસે કૉલ કરીને ગેસ રીડિંગના 12 રૂપિયા ભરવા માટે કહીને તેમને એપીકે ફાઇલ મોકલાવી હતી અને તેમનો મોબાઇલ હૅક કરીને બૅંક ખાતામાંથી 4.17 લાખ રૂપિયાની ઉચાપત કરાઇ હતી. પરમારની ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

દરમિયાન કાંદિવલી પોલીસ સ્ટેશનના સાયબર સેલે બંને કેસમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન સાયબર સેલે બૅંક ટ્રાન્ઝેક્શન્સનું ટેક્નિકલ એનાલિસિસ કર્યું હતું અને ગુનામાં સામેલ શકમંદોને ટ્રેસ કરવામાં આવ્યા હતા. તેઓ સુરતમાં હોવાનું જાણવા મળ્યા બાદ પોલીસની ટીમ ત્યાં રવાના કરાઇ હતી અને ઓલપાડથી ત્રણ જણને તાબામાં લેવાયા હતા. 

પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ ફાઇનાન્સ કંપનીમાં ઘરેણાં ગિરવે મૂકીને લોન લીધી હતી અને છેતરપિંડી આચરીને મળેલા રૂપિયાથી લોન ચૂકવીને દાગીના છોડાવ્યા હતા. ત્રણેયની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.