પાલનપુરઃ બનાસકાંઠમાં ફૂડ વિભાગ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ડીસામાં રેડ પાડીને શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. ફૂડ વિભાગે ડીસા ખાતે શંકાસ્પદ ઘીના ઉત્પાદન અને વેચાણ અંગે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. આ પહેલા ડીસામાંથી મચરા પાવડરમાં ભેળસેળ કરવામાં આવતી હોવાનું પ્રકાશમાં આવ્યું હતુ. તે પછી હવે ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
ફૂડ વિભાગે લુઝ ઘીના નમૂના લઈ લેબમાં મોકલ્યાં
વિગતે વાત કરવામાં આવે તો, ફૂડ વિભાગે ડીસામાં આવેલા દેવીપૂજક વાસમાં મે. માવજત ફુડ પ્રોડકટસની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અહીંથી શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું જાણવા મળ્યું હતું, જેથી ફૂડ વિભાગે પેઢીમાંથી લુઝ ઘીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને ગુણવત્તા ચકાસણી અર્થે સરકારી ફૂડ લેબોરેટરી ખાતે ફૂડ એનાલિસ્ટને મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સરકારી ફૂડ લેબોરેટરીમાંથી ઘીના નમૂનાના પરીક્ષણ અહેવાલ પ્રાપ્ત થયા બાદ તેના આધારે નિયમોનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે.
434 કિલો લુઝ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો
નમૂના લીધા બાદ પેઢી ખાતે બાકી રહેલ લુઝ ઘીનો 434 કિલો જથ્થો, જેની બજાર કિંમત રૂપિયા 2,49,550 થાય છે, તેને જપ્ત કરી સીઝ કરવામાં આવ્યો છે. ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા જળવાઈ રહે અને નાગરિકોને સલામત તથા ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુસર તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પેઢીના માલિક સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી
કાર્યવાહી વાત કરવામાં આવે તો, પેઢીના માલિક પ્રકાશકુમાર વ્રજલાલ મોદી દ્વારા શંકાસ્પદ ઘીનું ઉત્પાદન તથા વેચાણ કરવામાં આવતું હોવાનું તપાસ દરમિયાન જાણવા મળતા તેમની સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 હેઠળ નિયમોનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.