Fri Sep 04 2026

Logo

IND vs SL: કોલંબો ટેસ્ટ મૅચનો રોમાંચક પાંચમો દિવસ, ભારતને જીતવા 4 વિકેટની જરૂર પરંતુ વરસાદ બનશે સંકટ...

Colombo   2026-08-27 09:26:00
Author: Vimal Prajapati
IND vs SL: કોલંબો ટેસ્ટ મૅચનો રોમાંચક પાંચમો દિવસ, ભારતને જીતવા 4 વિકેટની જરૂર પરંતુ વરસાદ બનશે સંકટ...

કોલંબો: ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબો ખાતે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી અને આખરી ટેસ્ટ મેચ હવે અત્યંત રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. આજે મેચનો પાંચમો અને આખરી દિવસ છે. બીજી ઇનિંગ્સમાં શ્રીલંકન ટીમ પાસે માત્ર 16 રન વધારે હતા, જ્યારે ભારતીય ટીમને વિજય મેળવવા માટે હવે માત્ર 4 વિકેટ ઝડપવાની બાકી છે. જોકે, આ નિર્ણાયક દિવસે ક્રિકેટ ચાહકો માટે ચિંતાના વાદળો ઘેરાયા છે, કારણ કે હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની આગાહી કરી છે.

પ્રથમ સેશનમાં વરસાદની 80 ટકાથી વધુ શક્યતા

શ્રેણીના પ્રથમ દિવસને બાદ કરતાં બાકીના 8 દિવસ દરમિયાન સતત વરસાદે ખલેલ પહોંચાડી છે અને આજે મેચના અંતિમ દિવસે પણ રમત ધોવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. અહેવાલ મુજબ, ગુરુવારે મેચના પ્રથમ સેશનમાં ભારે વરસાદ પડી શકે છે. સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા દરમિયાન વરસાદની શક્યતા 80 ટકા કરતાં પણ વધુ છે, જેના કારણે સવારની રમત ખોરવાઈ શકે છે. બપોર પછી પણ આકાશ સંપૂર્ણ ચોખ્ખું રહેવાની શક્યતા ઓછી છે અને બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા વચ્ચે પચાસ ટકાથી વધુ વરસાદી ઝાપટાં પડે તેવું અનુમાન છે. એટલે આજે કોલંબોમાં વરસાદની શક્યતાઓની કારણે મેચમાં ખલેલ પડી શકે છે, જેથી ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે.
 
હાલ મેચની સ્થિતિ શું છે?

ચોથા દિવસે શ્રીલંકન બેટ્સમેનોએ ભારતીય બોલરો સામે મક્કમતાથી બેટિંગ કરી હતી. આમ છતાં, ભારતીય બોલરોએ સમયાંતરે વિકેટો ઝડપીને યજમાન ટીમને મુશ્કેલીમાં મૂકી રાખી હતી. ચોથા દિવસના અંતે શ્રીલંકાએ પોતાની બીજી ઇનિંગ્સમાં 6 વિકેટના નુકસાને 229 રન બનાવી લીધા હતા. રમતના અંતે સોનલ દિનુષા 7 રન અને કેશારા નુવાંથા 3 રન સાથે ક્રીઝ પર અણનમ રહ્યા હતા.