એમપીએસસીના ત્રણ અધિકારી સહિત છ જણની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી) દ્વારા લેવાતી ડ્રગ ઇન્સ્પેક્ટરની પરીક્ષાનું પેપર લીક કરવા પ્રકરણે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બુધવારે ત્રણ અધિકારી સહિત છ લોકોની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં પેપર લીકનું ચોંકાવનારું કારણ સામે આવ્યું હતું.
લવસ્ટોરી પછી બ્રેક-અપ અને તેને કારણે ઇર્ષ્યાની બળબળતી આગને લીધે આખો કિસ્સો ખૂલ્યો હતો. પરીક્ષાના બે દિવસ પહેલા લીક થયેલું પેપર એક આરોપીને મળતાં તે તેણે પોતાની પુત્રને આપ્યું હતું. પુત્રીએ બાદમાં પેપર તેના બોયફ્રેન્ડને આપ્યું હતું, પરંતુ બ્રેક-અપ થયા બાદ બોયફ્રેન્ડે તેની જાણકારી એમપીએસસીને આપી દેતાં ભાંડો ફૂટી ગયો હતો.
એમપીએસસી મારફત ડ્રગ ઇન્સ્પેક્ટર (ગ્રૂપ-2)ની પરીક્ષા 22 માર્ચ, 2026ના રોજ યોજવામાં આવી હતી. એ અગાઉ નિષ્ણાતો દ્વારા પરીક્ષા માટે પ્રશ્ર્નપત્રો તૈયાર કરવામાં આવ્યા હતા.
જોકે પરીક્ષા પહેલા આરોપીઓએ પ્રશ્ર્નપત્રોમાંથી ગેરકાયદે રીતે પ્રશ્ર્નો મેળવ્યા હતા અને એક અલગ સૅટ તૈયાર કરીને તેને અન્ય વ્યક્તિઓને વહેંચવામાં આવ્યા હતા. આ પ્રકરણે કરાયેલી તપાસમાં એમપીએસસીની પરીક્ષાની પ્રક્રિયામાં ગુપ્તતાનો ભંગ થયાનું બહાર આવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલના ઇન્ચાર્જ મંગેશ ગણપતરાવ દેસાઇએ ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પચીસમી ઑગસ્ટે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસે કેસની યોગ્ય તપાસ કરીને ગુનામાં સામેલ એમપીએસસીના ત્રણ અધિકારી સહિત છ લોકોની ધરપકડ કરી હતી. આરોપીમાં એમપીએસસીના આસિસ્ટન્ટ સેકશન ઓફિસર વિશ્ર્વેશ્ર્વર દત્તાત્રય નકાતે અને ગોપાલ મરાઠે, એમપીએસસીના એડિશનલ સેક્રેટરી અભિજીત ગણપતરાવ લેંડવે, નંદુરબારની કૌટિલ્ય એકેડમીના સંચાલક પ્રવીણ દિલીપ પાટીલ સહિત અમૃત નામદેવ પાટીલ અને લોકેશ ઉર્ફે ગૌરવ રાજેન્દ્ર પાટીલનો સમાવેશ છે. ધરપકડ બાદ તમામ આરોપીઓને બુધવારે સેશન્સ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને 2 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી લોકેશ પાટીલ અને ઋતુજા નામની યુવતી વચ્ચે પ્રેમસંબંધ હતો. આરોપી અમૃત પાટીલની પુત્રી ઋતુજા પણ પરીક્ષા આપી રહી હતી. પરીક્ષાના બે દિવસ પહેલા પેપર લીક થયું હતું અને તે અમૃત પાટીલને મળ્યું હતું, જે તેણે પુત્રીને આપ્યું હતું. બીજી તરફ લોકેશનો ભાઇ પણ પરીક્ષા આપી રહ્યો હોવાથી ઋતુજાએ પેપર લોકેશને આપ્યું હતું. જોકે બાદમાં લોકેશ અને ઋતુજા વચ્ચે બ્રેક-અપ થયું હતું.
બ્રેક-અપ બાદ લોકેશને ઋતુજા પ્રત્યે ઇર્ષ્યા થવા લાગી હતી. તેને લાગતું હતું કે ઋતુજાએ પરીક્ષા આપી હોવાથી તે મારા કરતા આગળ નીકળી જશે. તેને ઉચ્ચ પદે નોકરી મળી જશે. આથી લોકેશે ગુસ્સામાં એમપીએસસીને પેપર લીકની જાણકારી આપી હતી. ત્યાર બાદ પોલીસનો સંપર્ક કરાયો હતો અને મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.