મુંબઈ: અભિનેત્રી તાપસી પન્નુ આજકાલ કંગના સાથે ચાલી રહેલા વિવાદને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. બીજી તરફ તાપસી પન્નુ પોતાની ફિલ્મ 'ગાંધારી'ને લઈને પણ લાઇમલાઇટમાં છે. હાલમાં જ ફિલ્મના ટ્રેલર પ્રીવ્યુમાં તાપસી પાપારાઝી પર ગુસ્સે થતી જોવા મળી હતી. કંગના રનૌત સાથેના વિવાદને લઈને તેણે પેપ્સને કહ્યું કે તમને મજા આવી રહી છે.
'ગાંધારી'ના ટ્રેલર પ્રીવ્યુમાં તાપસી પન્નુને એવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે ફિલ્મની કહાની કરતા વધારે ચર્ચા ફરી કંગના રનૌતની થવા લાગી. પ્રશ્ન સાંભળતા જ તેણે સ્પષ્ટતા કરી કહ્યું હતું કે 'તમને મજા આવી રહી છે? તમે આ સવાલ પૂછવાનું બંધ કરી દો, આ મુદ્દો આમ જ સમાપ્ત થઈ જશે.'
આ વિવાદ વચ્ચે જયારે તાપસી 'ગાંધારી' ફિલ્મના ટ્રેલર પ્રિવ્યુમાં પહોંચી ત્યારે ફોટોગ્રાફરને ફિલ્મમાં બતાવવામાં આવેલી મહિલાશક્તિ અને અસલ જિંદગીમાં કંગના સાથે તેમના સંબંધને જોડીને પ્રશ્ન કરવામાં આવ્યો હતો. પ્રશ્ન સાંભળતા જ તાપસીએ કહ્યું હતું કે 'દરેક વખતે પુરુષ જ મહિલાઓને આવો પ્રશ્ન કેમ કરે છે? અને તમને આજે જ આવી વાત કરવાનો મોકો મળ્યો?
તમે આ વાત અહીંયા જ પુરી કેમ નથી કરતા?' આગળ તાપસીએ કહ્યું 'અમને કોઈ આ સવાલ પૂછવાનું બંધ કરશે તો આ ઈશ્યુ જ પૂરો થઈ જશે.' તેણે કહ્યું કે લોકો જો હકીકતમાં આ મુદ્દો પૂર્ણ કરવા માંગે છે તો આ મુદ્દાને વારંવાર ઉપાડવાનું બંધ કરવું પડશે.'
કઈ રીતે શરૂ થયો આ વિવાદ?
તાપસી અને કંગના વચ્ચે સોશિયલ મીડિયાની પોસ્ટ અને ઇન્ટરવ્યૂ દ્વારા એકબીજા પર અનેકવાર આકરા પ્રહારો થયા છે. વિવાદને સૌથી વધારે ત્યારે વકર્યો જયારે કંગનાની બહેન રંગોલી ચંદેલે તાપસીને 'સસ્તી કોપી' કહ્યું હતું. ત્યાર બાદ તાપસીએ પણ આ સામે કહ્યું કે વાંકડિયા વાળ કે પોતાના મંતવ્ય પર કોઈનું કોપીરાઈટ ન હોઈ શકે.
શું કહ્યું હતું તાપસી?
હાલમાં જ તાપસીએ કંગના સાથે પોતાના મતભેદો પર વાત કરતા કહ્યું કે બંને ક્યારેય સામસામે મળ્યા નથી અને એકબીજાને લઈને તેમનું મંતવ્ય તેમના અલગ અલગ પાલન-પોષણ અને દુનિયાને જોવાના દ્રષ્ટિકોણથી આવે છે.
કંગનાનો પલટવાર
તાપસીના આ નિવેદન બાદ કંગનાએ સોશિયલ મીડિયા પર તાપસી પર પલટવાર કરતા તાપસીને ફરી એક વાર સસ્તી કોપી કહ્યું હતું. આ સાથે જ આરોપ લગાવ્યો કે તાપસીએ તેમના ઉછેર અને માતાપિતાનો મજાક ઉડાવ્યો છે. તાપસીએ પણ સોશિયલ મીડિયા પર કંગનાનું નામ લીધા વગર 'હેન્સ પ્રુવ્ડ' લખીને જવાબ આપ્યો હતો. ત્યાર બાદ બંને વચ્ચે ફરી એકવાર તકરાર શરૂ થઈ ગઈ હતી.