મુંબઈઃ સુપરસ્ટાર યશની ફિલ્મ ‘ટોક્સિક’ આજે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં આ ફિલ્મને લઈને ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ‘ટોક્સિક’ ફિલ્મના પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ચાહકોની ભીડ જોવા મળી હતી. આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં તો અનેક રેકોર્ડ તોડીને મેકર્સને માલામાલ કરી દીધા છે. પરંતુ ઓપનિંગ ડે પર આ ફિલ્મ કેટલી કમાણી કરશે? ભીડ અને સોશિયલ મીડિયામાં લોકોએ આપેલા રિવ્યૂના કારણે એવું લાગી રહ્યું છે પહેલા દિવસે ફિલ્મની કમાણી 100 કરોડને પાર પહોંચી જશે! ચાલો જાણીએ પહેલી દિવસે આ ફિલ્મ કેટલી કમાણી કરશે?
એડવાન્સ બુકિંગમાં 49.51 કરોડ રૂપિયા છાપ્યાં
ફિલ્મ રિલીઝ કરવાની જાહેરાત થઈ ત્યારથી સુપરસ્ટાર યશના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, જેની અસર અત્યારે થિયેટરમાં પણ જોવા મળી રહી છે. આ ફિલ્મમાં યશની ફૂલ એક્શન મોડના ખૂબ જ વખાણ થઈ રહ્યાં છે. આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં ભારતમાં 49.51 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. આ સાથે બ્લોક કરેલી બેઠકો સહિત આ આંકડો 64 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં, 1,550,976 ટિકિટ વેચાઈ ગઈ છે, અને 25,637 શો બુક થઈ ગયા છે. એટલે ફિલ્મ કમાણીમાં પહેલા જ દિવસે 100 કરોડનો આંકડો પાર કરી લેશે એવું લાગી રહ્યું છે.
પહેલા દિવસે 100થી 130 કરોડનો વેપાર કરશે ‘ટોક્સિક’?
અહેવાલ પ્રમાણે યશની ‘ટોક્સિક’ ફિલ્મ પહેલા દિવસે 100થી 130 કરોડ રૂપિયાનો વેપાર કરી શકે છે. જો આવું થાય છે તો 2026માં ઓપનિંડ જે પર સૌથી વધારે કમાણી કરતી બીજી ફિલ્મ બની જશે. આ પહેલા રણવીર સિંહની ‘ધુરંધર 2’એ પહેલા દિવસે 123 કરોડ રૂપિયાનો વેપાર કર્યો હતો. રણવીરની ફિલ્મ ‘ધુરંધર 2’2026ની ઓપનિંગ ડે પર સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ હતી. આ રેકોર્ડ હવે ‘ટોક્સિક’ તોડી શકે તેવું લાગી રહ્યું છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ તે પહેલા સુપરસ્ટાર યશે લોકોને ખાસ અપીલ કરી અને આ ફિલ્મના સીન રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ ના કરવા માટે અપીલ કરી હતી.

તમને જણાવી દઈએ કે, યશની ફિલ્મ ‘ટોક્સિક’ પહેલા 19 માર્ચે ‘ધુરંધર 2’ સાથે જ રિલીઝ થવાની હતી. પરંતુ તે વખતે જે રીતે ‘ધુરંધર 2’નો ક્રેઝ ચાલી રહ્યો હતો, તેને જોતા મેકર્સ દ્વારા ‘ટોક્સિક’ની રિલીઝ તારીખ પાછળ ધકેલી દેવામાં આવી હતી. અત્યારે હવે બોક્સ ઓફિસ પર રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવવાનું શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં યશ સાથે પાંચ અભિનેત્રીઓ પણ એક્શન સીન કરતી જોવા મળશે. જેમાં કિયારા અડવાણી, તારા સુતારિયા, હુમા કુરેશી, નયનતારા અન રૂક્મિણી વસંત પણ લીડ રોલમાં જોવા મળશે. આ સાથે આ ફિલ્મમાં યશ ડબલ રોલવામાં જોવા મળશે. તેને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.