Sun Jul 26 2026

Logo

મુંબઈને ૫૦ ટકાથી વધુ પાણી પુરવઠા કરનારનુંં ભાતસા ૮૨ ટકાથી વધુ ભરાયું

2026-07-25 22:30:55
Author: Sapna Desai
Article Image

જળાશયોમાં ૨૯૫ દિવસ ચાલે એટલું પાણી જમા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને ૫૦ ટકાથી પણ વધુ પાણીપુરવઠો કરનારું ભાતસા ૮૨ ટકાથી વધુ ભરાઈ ગયું છે. તો સાતેય જળાશયોમાં કુલ ૮૩ ટકાથી વધુ પાણી જમા થઈ ગયું હોવાથી મુંબઈગરાના માથા પર રહેલું પાણીનું સંકટ લગભગ ટળી ગયું છે. હાલ જળાશયોમાં ૨૯૫ દિવસ ચાલે એટલું  પાણી જમા થઈ ગયું છે.

મુંબઈને સાત જળાશયોમાંથી પ્રતિદિન ૪,૧૦૦ મિલ્યનથી વધુ પાણીપુરવઠો કરવામાં આવે છે, જેમાં ૫૦ ટકાથી વધુ પાણીપુરવઠો ભાતસામાંથી કરવામાં આવે છે. મુંબઈ સહિત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેમાં થાણે જિલ્લાના શહાપુર તાલુકામાં પણ છેલ્લા થોડા દિવસથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે શહાપુરમાં આવેલા ભાતસાનું પણ સ્તર વધી ગયું છે. શનિવારે સવારના ભાતસામાં ૮૨.૮૬ ટકા જેટલો પાણીનો જથ્થો હતો. સાંજ સુધીમાં પાણીનું સ્તર વધી જતા બંધના પાંચેય દરવાજા ખોલવામાં આવ્યા હતા અને નદીકાંઠાનાં ગામોને પ્રશાસને સતર્ક રહેવાની ચેતવણી પણ જાહેર કરી હતી.

મુંબઈને પાણીપુરવઠો કરનારા સાત જળાશયમાંથી ભાતસા અને અપર વૈતરણા બંધ રાજ્ય સરકારની માલિકીનાા છે. બંને બંધ બાંધતા સમયે કેપિટલ ખર્ચના સહભાગને કારણે મુંબઈ મહાનગરપાલિકાને આ બંને બંધમાંથી પાણી મળે છે, જેમાં ભાતસામાંથી મુંબઈને ૫૦ ટકાથી વધુ પાણી મળે છે. ભાતસાનું સ્તર વધવાને કારણે તેમ  જ મુંબઈના અન્ય જળાશયોમાં પણ પાણીની સપાટી સતત વધી રહી હોવાથી પાણીનું સંકટ હળવું થયું છે.

જુલાઈના પહેલા અઠવાડિયામાં પડેલા વરસાદને પગલે મુંબઈમાં રહેલા વિહાર અને તુલસી આ બે સૌથી નાનાં જળાશય ૧૦૦ ટકા ભરાઈ ગયાં હતાં.  ગયા અઠવાડિયાથી ફરી શરૂ થયેલા વરસાદને પગલે તાનસા, મોડક પણ છલકાઈ ગયાં છે. હવે ભાતસા સૌથી મોટું તળાવ પણ ૮૨ ટકાથી વધુ ભરાઈ ગયું છે. શનિવારે સાંજે બંધના પાંચ દરવાજાને ૦.૨૫ મીટરથી ખોલવામાં આવ્યા હતા. હાલ બંધમાંથી ૮૬.૭૬૫ ક્યૂસેક વેગે પાણીને ભાતસા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. શનિવારે પણ ભાતસાના કેચમેન્ટ એરિયામાં મુશળધાર વરસાદ પડયો હતો.

દિવસ દરમ્યાન ૧૫૯ મિ.મી. તો મોસમનો અત્યાર સુધીનો ૧,૮૭૨ મિ.મી. વરસાદ  નોંધાઈ ચૂકયો છે. તેથી બંધમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે.અપર વૈતરણા, મિડલ વૈતરણા, મોડક સાગર, તાનસા,  ભાતસા સહિત વિહાર એમ કુલ સાતેય જળાશયોમાં શનિવારે સવારના કુલ  ૮૩.૬૮ ટકા પાણીનો સ્ટોક જમા થયો હતો. આટલું પાણી મુંબઈને ૨૯૫ દિવસ ચાલે એટલું છે. 
પાલિકાના પાણીપુરવઠા વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ જળાશયોમાં આવતા વર્ષ સુધી ચાલે એટલું પાણી જમા થઈ ગયું છે, છતાં પાણીકાપ પાછો ખેંચવા માટે કોઈ ઉતાવળ નહીં કરવામાં આવે. બાકી રહેલાં જળાશયો પણ છલકાઈ જાય અને ઑગસ્ટ, સપ્ટેમ્બરમાં વરસાદ કેવો છે અને જળાશયોની શું સ્થિતિ છે, તે જોઈને પાણીકાપ પાછો ખેંચવા બાબતે નિર્ણય લેવામાં આવશે.