Fri Jul 24 2026

Logo

ઈન્ફોસિસમાં પરિણામો પશ્ચાત્‌‍ ત્રણ ટકા સુધીનો ઘટાડો

2026-07-24 21:09:50
Author: Ramesh Gohil
Article Image

Infosys


નવી દિલ્હીઃ આઈટી ક્ષેત્રમાં દેશની બીજા ક્રમાંકની અગ્રણી કંપની ઈન્ફોસિસે ગઈકાલે વર્તમાન નાણાકીય વર્ષનાં પહેલા ત્રિમાસિકગાળાના જાહેર કરેલાં પરિણામોમાં કંપનીની આવકો વર્ષાનુવર્ષ ધોરણે 14 ટકા વધીને રૂ. 48,211 કરોડની સપાટીએ રહી હોવાનું તેમ જ કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો વર્ષાનુવર્ષ ધોરણે 12.2 ટકા વધીને રૂ. 7769 કરોડની સપાટીએ રહ્યો હોવાનું એક્સચેન્જને ફાઈલિંગમાં જણાવ્યું હતું. જોકે, કંપનીએ પ્રવર્તમાન બૃહદ આર્થિક અનિશ્ચિતતાને ધ્યાનમાં લેતા સંપૂર્ણ વર્ષમાં કંપનીની આવકોમાં 1.5થી 3 ટકાનો વધારો થવાનો અંદાજ મૂક્યો હતો. 

એકંદરે કંપનીએ તેની આવકના અંદાજ મર્યાદિત રાખતા આજે સત્રના આરંભે બીએસઈ ખાતે શૅરદીઠ ભાવ ગઈકાલના બંધ સામે એક તબક્કે 2.7 ટકા ઘટીને 1023.30 આસપાસ ક્વૉટ થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 1.03 ટકા ઘટીને રૂ. 1040.95ના મથાળે બંધ રહ્યા હતા. તે જ પ્રમાણે એનએસઈ ખાતે ભાવ 2.32 ટકા ઘટીને શૅરદીઠ રૂ. 1023 સુધી પહોંચ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 0.62 ટકા ઘટીને રૂ. 1040.90ના મથાળે બંધ રહ્યા હતા. 

વધુમાં કંપનીએ અનુભવી આશિષ કુમાર દાસને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર તરીકે નિયુક્ત કર્યા છે, જે વર્તમાન સીઈઓ સલીલ પારેખનો બીજો કાર્યકાળ પૂરો થતાં પહેલી એપ્રિલ, 2027થી કારભાર સંભાળશે. આમ સલીલ પારેખનાં નવ વર્ષના કાર્યકાળનો અંત થશે. નોંધનીય બાબત એ છે કે પારેખ સંસ્થાપકો પૈકી એક ન હોવા છતાં લાંબા સમયગાળા સુધી સેવા આપનારા સીઈઓ છે રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યાનુસાર પહેલા ત્રિમાસિકગાળામાં કંપનીની આવકો વર્ષાનુવર્ષ ધોરણે 2.4 ટકા અને આગલા ત્રિમાસિકગાળાની સરખામણીમાં એક ટકો વધીને 508.2 કરોડ ડૉલરની સપાટીએ રહી હતી.