Thu Jul 23 2026

Logo

શેફાલી જરીવાલાના અવસાન બાદ પરાગ ત્યાગી પર તૂટ્યો દુઃખનો પહાડ, પોસ્ટ જોઈ ફેન્સ રડી પડ્યા!

2026-07-23 19:22:36
Author: Darshana Visaria
Article Image

ટીવી એક્ટર પરાગ ત્યાગીના જીવનમાં એક પછી એક આઘાતજનક ઘટનાઓ સામે આવી રહી છે. ગત વર્ષે તેમની પત્ની અને જાણીતી એક્ટ્રેસ શેફાલી જરીવાલાના અચાનક થયેલા અવસાન બાદ તેમનો પેટ ડોગ 'સિંબા' જ તેમનો સૌથી મોટો સહારો હતો. પરાગની સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં સિંબા હંમેશા તેમની સાથે મજબૂતીથી ઊભેલો જોવા મળતો હતો. પરંતુ હવે સિંબાએ પણ આ દુનિયાને અલવિદા કહી દીધું છે, જેનાથી પરાગ ત્યાગી ભારે શોકમાં ડૂબી ગયા છે.

પરાગ ત્યાગીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક અત્યંત ભાવુક વીડિયો શેર કરીને સિંબાના નિધનની જાણકારી ફેન્સને આપી છે. આ વીડિયોમાં શેફાલી જરીવાલા ગ્રીન કલરના જમ્પસૂટમાં સિંબા પાસે આવતી અને તેને પ્રેમથી ખોળામાં બેસાડતી જોવા મળે છે.

આ વીડિયો શેર કરતાં પરાગ ત્યાગીએ કેપ્શનમાં લખ્યું હતું કે મમ્મી હવે એકલી નથી. સિંબા હવે મમ્મી સાથે ખૂબ જ ખુશ છે. હું બીજી તરફ તમને બંનેને પાછા મળવાની રાહ જોઈ રહ્યો છું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે અને તેને જોઈને ફેન્સ પણ ખૂબ ભાવુક થઈ ગયા છે.

પરાગની આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સ અને ફેન્સ કમેન્ટ્સ કરીને તેમને હિંમત આપી રહ્યા છે. એક ફેને આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આટલું બધું સહન કર્યા પછી પણ તમે જે રીતે સકારાત્મક રહ્યા છો, તે ખરેખર પ્રેરણાદાયી છે. ઈશ્વર તમને આ મુશ્કેલ સમયમાંથી બહાર આવવાની શક્તિ આપે. RIP સિંબા. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું હતું કે આ સમાચાર સાંભળીને મારું દિલ તૂટી ગયું. તે તમારું એકમાત્ર સંતાન જેવો હતો, ભગવાન તમને હિંમત આપે.

ગયા વર્ષે થયું હતું શેફાલી જરીવાલાનું નિધન

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 27મી જૂનના રોજ 'કાંટા લગા' ફેમ એક્ટ્રેસ શેફાલી જરીવાલાનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. સામે આવેલા અહેવાલ અનુસાર, શેફાલી છેલ્લાં કેટલાક સમયથી એન્ટી-એજિંગ દવાઓ લઈ રહી હતી. નિધનના દિવસે તેના ઘરે પૂજા હતી અને તેણે ઉપવાસ રાખ્યો હતો, તેમ છતાં તેણે દવાઓ લીધી હતી, જેનાથી તેની તબિયત લથડી હતી અને હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. પત્નીના ગયા પછી હવે પેટ ડોગ સિંબાના જવાથી પરાગ ત્યાગી સાવ એકલા પડી ગયા છે.