અમદાવાદઃ શહેરમાં આજે સવારથી મેઘરાજાની પધરામણી થઈ છે. અમદાવાદમાં સવારે 6 થી 11 કલાકના સમયગાળા દરમિયાન સરેરાશ 2 ઇંચ વરસાદ પડ્યો છે. શહેરના પોશ વિસ્તાર બોપલમાં 5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આખો વિસ્તાર ઠપ થઈ ગયો છે, ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, અમદાવાદમાં ગુરુવારે સવારે 6 થી 11 વાગ્યાની વચ્ચે સરેરાશ 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. શહેરમાં સૌથી વધુ 4.55 ઇંચ વરસાદ બોપલમાં નોંધાયો હતો, ત્યારબાદ સરખેજમાં 4.53 ઇંચ, બોડકદેવમાં 4.41 ઇંચ, જોધપુરમાં 4.33 ઇંચ વરસાદ ખાબક્યો હતો. 5 કલાકના સમયગાળા દરમિયાન દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી ભારે વરસાદ થયો હતો, શહેરનો મોસમનો કુલ સરેરાશ વરસાદ 6.39 ઇંચ પર પહોંચ્યો છે.
શહેરમાં કયા વિસ્તારમાં કેટલો પડ્યો વરસાદ
બોપલમાં 4.55 ઇંચ, સરખેજમાં 4.53 ઇંચ, બોડકદેવમાં 4.41 ઇંચ, જોધપુરમાં 4.33 ઇંચ, સાયન્સ સિટીમાં 3.94 ઇંચ, થલતેજમાં 3.78 ઇંચ, સરખેજ અર્બન હેલ્થમાં 4.09 ઇંચ, મેમનગરમાં 3.76 ઇંચ, નવરંગપુરામાં 3.05 ઇંચ, વાસણામાં 2.99 ઇંચ, ગોતામાં 3.01 ઇંચ, ઓગણજમાં 2.93 ઇંચ, ચાંદલોડિયામાં 2.85 ઇંચ, મક્તમપુરામાં 2.70 ઇંચ, ઉસ્માનપુરામાં 2.68 ઇંચ, મોટેરામાં 1.91 ઇંચ, બાકરોલમાં 1.95 ઇંચ, દૂધેશ્વરમાં 2.88 ઇંચ, કાલુપુરમાં 2.13 ઇંચ, નિકોલમાં 2 ઇંચ, ઈન્ડિયા કોલોનીમાં 1.95 ઇંચ વરસાદ વરસ્યો હતો.
વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા
અમદાવાદમાં વરસાદ શરૂ થતાં અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી. વરસાદી માહોલ અને પાણી ભરાવાના કારણે સામાન્ય દિવસોની સરખામણીએ રોડ પર વાહનોની અવરજવર ઓછી જોવા મળી હતી. અમદાવાદના વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા.
વાતાવરણમાં ઠંડક
શહેરમાં સાર્વત્રિક વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.