Thu Jul 23 2026

Logo

ગુજરાત એસ.ટી. વિભાગની દક્ષિણ ગુજરાત તરફની 100થી વધુ ટ્રીપ રદ્દ, સુરક્ષાને ધ્યાને રાખી શું નવા આદેશ અપાયા?

2026-07-23 19:44:45
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે. અનારાધર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના કેટલાક રૂટ પર બસ સર્વિસ હંગામી ધોરણે બંધ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના 35 રૂટ બંધ હોવાનું એસ.ટી. વિભાગના વર્તૂળમાંથી જાણવા મળ્યું છે.રાજ્યભરમાંથી દક્ષિણ ગુજરાત તરફ જતી 125થી વધુ એસટી બસ રદ્દ કરી દેવામાં આવી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના કારણે વલસાડ, પારડી, ધરમપુર, વાંસદા, વાપી, બિલિમોરા, નવસારી, ઉમરગામ, કપરાડા, નાનાપોંઢા સહિતના અનેક બસના રૂટ રદ્દ કરવામાં આવ્યા છે. 

રૂટ રહેશે બંધ

સ્થિતિ થાળે ન પડે તથા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આ રૂટ પર બસ બંધ રહેશે.જે બસ જે તે રૂટ પર રસ્તામાં છે. એમને સલામત સ્થળે રહેવા અને કોઈ પ્રકારનું જોખમ ન લેવા આદેશ આપવામાં આવ્યા છે. ડ્રાઈવર-કંડક્ટર તથા ડેપો મેનેજર સાથે જીપીએસ કંટ્રોલરૂમથી સતત સંપર્કમાં રહેવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

એક રિપોર્ટ અનુસાર  દક્ષિણ ગુજરાત તરફની 164 એસટીની ટ્રીપ રદ્દ કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતને જોડતા અનેક એવા માર્ગ પર પાણી ભરાયા છે. ખાસ કરીને બ્રિજ નીચેથી વહેતી નદી ગાંડીતુર બની છે. ભારે વરસાદના કારણે જનજીવનની સાથે રાજ્ય પરિવહન નિગમ (એસટી)ની બસ સેવાઓને માઠી અસર થઈ છે. કેટલીક ટ્રીપ રદ્દ કરી દેવામાં આવી છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખીને જુદા જુદા રૂટની સર્વિસ કેન્સલ કરી દેવામાં આવી છે. સ્થિતિ સામાન્ય થયા બાદ જ આ રૂટ ચાલું કરવામાં આવશે. 

અમદાવાદને જોડતા રસ્તા પર જામ

ગુરૂવારે અમદાવાદ જિલ્લાને જોડતા માર્ગો ઉપર પણ સતત વરસાદથી મુશ્કેલી ઊભી થઈ હતી. ખાસ કરીને શહેરને જોડતા માર્ગમાં પરિવહન સેવાને અસર પહોંચી હતી. અમદાવાદમાં અંદર આવતા માર્ગ જેવા કે, સરખેજ ગાંધીનગર હાઈવે, નરોડા, સીટીએમ જંક્શન, જેવા વિસ્તારોમાં પાણીનો ભરાવો લાંબા સમય સુધી જોવા મળ્યો હતો. આ કારણે એસટીની અને ખાનગી એમ બન્ને બસ સર્વિસને અસર પહોંચી હતી.

સરદાર પટેલ રિંગ રોડ અને દહેગામ રિંગરોડ પર સાંજે સાડા સાત વાગ્યે એક કલાકથી વધારે સમય સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. આ કારણે અનેક વાહનચાલકો ટ્રાફિક જામમાં ફસાયા હતા. રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા.લાંબા અંતર સુઘી ટ્રાફિક જામ રહેતા વાહનચાલકોને મોટી મુશ્કેલીઓ પડી હતી.